ડેડીયાપાડા તાલુકાના દાબકા અને મોહબી ગામની વચ્ચે ક્લુઝર ગાડી પલટી ખાતા 12 ને ગંભીર ઇજાઓ :
ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં ઊંડાણના ડુંગરાળ વિસ્તારોમાં પાયાની બસ સુવિધાઓ નહિવત હોવાના કારણે આવા અકસ્માત ના બનાવો બને છે.
તાહિર મેમણ : ડેડીયાપાડા- 05/06/2025 – નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોહબી અને દાબકા ગામની વચ્ચે આવેલા પાંગરિયા ગામના ડુંગર ની ઢાળ માં ક્લુઝર ગાડી પલટી ખાતા 12 ને ગંભીર ઇજાઓ પહોંચી છે જ્યારે બે બાળકોના મોત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રસીલાબેન ઉબડીયાભાઇ વસાવા, રહે.ડુમખલ, નવી નગરી, તા.ડેડીયાપાડા, જી.નર્મદાનાઓ એ આપેલી ફરિયાદ મુજબ ગુંદવાણ (ડાબકા) ગામની સીમમા આવેલ પાંગરીયા ડુંગરની ઢાળમા જવલસિંગ વલસિંગ વસાવા રહે. ડુમખલ, નવી નગરી, તા.ડેડીયાપાડા, જી.નર્મદાનાઓએ પોતાના કબ્જાની ક્લુઝર ગાડી નં. GJ-35-B-6667 પુરઝડપે હંકારી લાવી, સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી ક્લુઝર ગાડી પલ્ટી ખવડાવી દઈ પોતાને શરીરે ઓછીવતી ઇજાઓ પહોંચાડી તેમજ રમીલાબેન વસાવા ને ઇજાઓ પહોંચાડી તથા રૂષાબેન જવલસિંગભાઇ વસાવા, તથા શારદાબેન જવલસિંગભાઇ વસાવા તથા યશોદાબેન જવલસિંગભાઇ વસાવા તથા એમનીબેન વલસિંગભાઇ વસાવા તથા નિત્યાબેન અનિલભાઇ વસાવા તથા ઉર્વિશાબેન વિક્રમભાઇ વસાવા તથા નરેશભાઇ હાનીયાભાઇ વસાવા તથા રીયાંસભાઇ જવલસિંગભાઇ વસાવા તમામ રહે.ડુમખલ, તા.ડેડીયાપાડા જી.નર્મદા તથા રાહુલભાઇ ભરતભાઇ પાડવી રહે.સુરગાસ તા. અક્કલકુવા. જીનંદુરબાર (મહારાષ્ટ્ર) નાઓને શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી છે.
જ્યારે અકસ્માતમાં પ્રકાશભાઇ ભયજીભાઇ વસાવા ઉ.વ.૧૫ રહે.ડુમખલ, નવી નગરી, તા.ડેડીયાપાડા ને ગંભીર ઇજાઓ પહોંચાડી સ્થળ ઉપર મોત નિપજાવી ગુનો કરતા દેડિયાપાડા પોલીસે જવલસિંગ વલસિંગભાઈ વસાવા રહે ડુમખલ., નવી નગરી, તા. ડેડીયાપાડા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.તો બીજી બાજુ ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર અર્થે ડેડીયાપાડા અને ત્યારબાદ રાજપીપળા ખસેડતા સારવાર દરમ્યાન 17 વર્ષીય ભરત શંકર પાડવી રહે,
સુરગસ તા,અક્કલકુવા જી.નંદુરબાર મહારાષ્ટ્ર નું મોત થયું છે.
નર્મદા જિલ્લામાં આવેલા ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં ડુંગરાળ વિસ્તારોમા અપૂર્તિ બસ સેવાઓના કારણે ગરીબ લોકોને બસ સુવિધાઓનો લાભ મળતો નથી જેથી જીવ ના જોખમે ખાનગી વાહનોમાં ઘેટા બકરાની જેમ મુસાફરી કરવા મજબૂર બને છે .અને કાયમી જો કદાચ કોઈ આ વિસ્તારમાં બસ આવે તો એક બસ આવે છે જેથી આ વિસ્તારમાં કાયમી આવા દ્રશ્યો સર્જાતા હોય છે.આજના આ બનાવ મા ખૂબ જ મોટો અકસ્માત હતો ખૂબ મોટી રોકકળ થઈ હતી ગાડીમાં બેઠેલા તમામ મુસાફરો ખૂબ જ ગંભીર રીતે ગવાયા હતા, ત્યારે અકસ્માત સર્જાયો તેની જાણ આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
નર્મદા જિલ્લા ટ્રાફિક પોલીસ મુખ્ય માર્ગો ઉપર આવતા જતા વાહન ચાલકોને યેનકેન પ્રકારે હેરાનગતિ કરે છે ત્યારે આવા ખાનગી વાહનો કે જે ઘેટાં બકરાની જેમ મુસાફરો ભરીને માતેલા સાંઢ ની જેમ વાહનો હંકારે છે અને અકસ્માતો સર્જે છે તેઓને કેમ છાવરી રહી છે તેવા સવાલો જીલ્લાના લોકો કરી રહ્યા છે.આદિવાસી સમાજની કુળદેવી ના દર્શનાર્થે સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે વાહનો લઈને આવતા લોકોને પણ સ્થાનિક સહિત જિલ્લા પોલીસ હેરાનગતિ કરે છે ત્યારે આવા ખાનગી વાહનો કે જે મુસાફરો ભરીને દોડી રહયા છે તે કેમ નજર મા નથી આવતા ? શુ મુસાફરો ભરીને દોડી રહેલા ખાનગી વાહન ચાલકો પાસે ક્યારેક કોઈ કાગળો ટ્રાફિક પોલીસે માંગ્યા છે ખરા ? અરે આવા વાહન ચાલકો પાસે લાયસન્સ સુદ્ધા હોતા નથી ત્યારે જ આવા અકસ્માતો સર્જાય છે.