ડીસા ખાતેથી જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી
28 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
જય જય જગન્નાથ, હાથી, ઘોડા, પાલકી, જય કનૈયા લાલ કીનો નાદ ગૂંજી ઉઠ્યો રાજ્યની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરતા વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે ત્યારે ડીસા ખાતેથી વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ ભગવાન શ્રી જગન્નાથજી, મોટાભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓની શાસત્રોક્ત વિધિ અને પૂજા અર્ચના કર્યા બાદ પ્રસ્થાન કરાવ્યું હતું. ડીસાના ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળી સહિતના વિવિધ આગેવાનો, ધાર્મિક સંગઠનો મળીને ભક્તોએ ધામધૂમથી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. શહેરમાં જય જય જગન્નાથ, હાથી, ઘોડા, પાલકી, જય કનૈયા લાલ કીનો નાદ ગૂંજી ઉઠ્યો હતો. અઘ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સાથે રથયાત્રામાં બહોળી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. જેમાં ભગવાનના પૂજન-અર્ચન કરાયા હતા. અઘ્યક્ષશ્રીએ ડીસાના લોકોનું અભિવાન ઝીલ્યું હતું. ભગવાન જગન્નાથજીની રથયાત્રા એ શ્રદ્ધા અને ભક્તિનો અનેરો સંગમ છે. તેમણે સૌ ભક્તોને રથયાત્રાની શુભકામનાઓ પાઠવી હતી અને રાજ્યમાં સુખ-શાંતિ તથા સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી.ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રથયાત્રા ડીસાના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. ભજન-કિર્તન અને જય ઘોષ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ડીસા ખાતે અષાઢી બીજ નિમિત્તે નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ડીસા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી નીતાબેન ઠક્કર, પૂર્વ રાજ્યસભાના સાંસદશ્રી દિનેશભાઈ અનાવાડિયા, પૂર્વ ધારાસભ્યશ્રી શશીકાંત પંડ્યા, સમાજ અગ્રણીશ્રી સંજય બ્રહ્મભટ્ટ, શ્રી પી.એન.માળી, શ્રી અમરત દવે, શ્રી બહાદુરસિંહ વાઘેલા, શ્રી દિનેશ દવે, શ્રી વિજય ચક્રવતી સહિત બહોળી સંખ્યામાં સામાજિક કાર્યકરો અને ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં જોડાયા હતા.