ડાંગ જિલ્લાના યુવા પર્વતારોહક શ્રી ભોવાન રાઠોડને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પ્રશસ્તિ પત્ર એનાયત કર્યો…
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*તાજેતરમા જ શ્રી ભોવાન રાઠોડે ૧૭,૫૦૦ ફિટની ઊંચાઇના કાબરૂ શિખરની ટોચ પર દેશનો તિરંગો લહેરાવી નવો રેકર્ડ પ્રસ્થાપિત કર્યો હતો :*
*શ્રી ભોવાન રાઠોડે રાજ્યના મુખ્યમંત્રીશ્રી સહિત સ્થાનિક મીડિયાકર્મીઓ અને માહિતી વિભાગનો પણ વિશેષ આભાર વ્યક્ત કર્યો :*
સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુ ખાતે ઉપલબ્ધ એડવેન્ચેર કોર્ષ, બેઝિક કોર્ષ, એડવાન્સ કોર્ષ, કોચિંગ કોર્ષ અને રોક ક્લાંઇબિંગ કોર્ષમા સફળતાપૂર્વક ભાગ લઇ, ડાંગનો યુવા પર્વતારોહક શ્રી ભોવાન રાઠોડ, વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરવાનુ સ્વપ્ન લઇ પર્વતારોહકની વિવિધ તાલીમ લઇ રહ્યો છે. શ્રી ભોવાન રાઠોડ હાલમા જ હિમાલય માઉન્ટેન ઈન્સ્ટિટ્યૂટ, દાર્જિલિંગ ખાતે તાલીમ પૂર્ણ કરી માઉન્ટ એવરેસ્ટ સર કરવાની તાલીમમા પસંદગી પામ્યો છે. શ્રી રાઠોડે આ તાલીમ દરમિયાન ૧૭,૫૦૦ ફિટની ઊંચાઇના કાબરૂ શિખરની ટોચ પર ભારત દેશનો તિરંગો લહેરાવ્યો હતો. જે સિધ્ધિને બિરદાવતા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ડાંગના યુવા શ્રી ભોવાન રાઠોડને ઇ મેઇલ મારફત પ્રશસ્તિ પત્ર એનાયત કર્યો હતો. પત્રમા જણાવ્યા અનુસાર “વર્તમાન યુવા પેઢી પણ રમતગમત સાથે જોડાય એવા ઉમદા આશયથી દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ ૨૦૧૦થી પ્રતિ વર્ષ “ખેલ મહાકુંભ” ના આયોજન કરાવ્યા હતા. વર્તમાન સરકાર આ પરંપરાને પ્રતિબદ્ધતા સાથે નિભાવી રહી છે. જેના પરિણામે યુવાનોની રમત-ગમતમા રૂચિ અને સજ્જતામા વધારો થઈ રહ્યો છે. વિશ્વનો સૌથી યુવા દેશ હોવાના નાતે આજે રમત-ગમતમા સફળતાની ઉજળી સંભાવનાઓ આપણા દેશ પાસે રહેલી છે.”પત્રમા વધુમા જણાવ્યા અનુસાર “આ પરિપ્રેક્ષ્યમા આપે કાબરૂ શિખરની ટોચે તિરંગો લહેરાવ્યો તે સફળતા ગૌરવપ્રદ છે. ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુ ખાતે ઉપલબ્ધ એડવેન્ચર કોર્સ વગેરેમા સફળતાપૂર્વક ભાગ લઈ આપ વિશ્વના સહુથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરવાના સ્વપ્ન સાથે હિમાલય માઉન્ટેન ઇન્સ્ટિટ્યૂટ, દાર્જિલિંગ ખાતે તાલીમ પૂર્ણ કરી માઉન્ટ એવરેસ્ટ સર કરવાની તાલીમમા પસંદગી પામ્યા છો, તે સરાહનીય છે. ટ્રેનિંગ બાદ ૧૩ કિલોમીટર શિખર ચઢાણની ૩ કલાકમા પૂરી કરવાની યાત્રા, ૧૬ કિલો અને ૭૦૦ ગ્રામના વજન સાથે માત્ર ૨ કલાકમા જ પૂરી કરીને નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે, તે પ્રશંસનીય છે. ૧૭,૫૦૦ ફૂટની ઊંચાઈએ આવેલા કાબરૂ શિખરની ટોચ પર ભારતનો તિરંગો લહેરાવી આપ માઉન્ટ એવરેસ્ટ સર કરવાની તાલીમ માટે પસંદગી પામ્યા છો, તે બિરદાવવા લાયક છે.” ઉલ્લેખનીય છે કે, શ્રી ભોવાન રાઠોડ ડાંગ જિલ્લાના યુવા પર્વતારોહી તરીકે ઓળખાય છે. જેમણે જુદી જૂદી તાલીમો પૂર્ણ કરી અનેક શિખરો પાર કર્યાં છે. પર્વતો, શિખરો, અને ગ્લેસિયરમા આખુ શરીર જામ કરી નાખે તેવી ઠંડી તેમજ ચઢાણ વખતે સ્નો ફોલના કરાણે વારંવાર અડચણો આવતી હોય છે. સાથે ઊંચાઇ ઉપર પાતળી હવા હોય છે. તેમજ હાડ થીજાવી નાખે તેવી ઠંડીમા રહીને પણ તેઓ રાજ્ય અને દેશનુ નામ ઊંચુ રોશન સખત તનતોડ મહેનત કરી રહ્યા છે. શ્રી ભોવાન રાઠોડની આ સિદ્ધિ અંગે માહિતી વિભાગ તથા સ્થાનિકમીડિયા કર્મીઓ દ્વારા સતત તેમને પ્રોત્સાહન મળતુ રહે તેવી શ્રેણીબદ્ધ સક્સેસ સ્ટોરીઓ પ્રકાશિત કરી હતી. સ્થાનિક અખબારો અને ટેલિવીઝન ચેનલોમા પણ આ સ્ટોરીઓને સ્થાન મળતા, રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ તેની હકારાત્મક નોંધ લઇ, શ્રી ભોવાન રાઠોડને પ્રોત્સાહિત કરવા પ્રશસ્તિ પત્ર એનાયત કર્યો છે. એક મુલાકાત દરમિયાન શ્રી ભોવાન રાઠોડે ડાંગ માહિતી વિભાગ સહિત સ્થાનિક મીડિયાકર્મીઓનો પણ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.