DNA પરીક્ષણમાં છબરડો : વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બ્રિટિશ નાગરિકોના પરિવારોને ખોટા મૃતદેહો મોકલી દેવાતા હોબાળો

અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું AI-171 બોઇંગ ડ્રીમલાઇનર 787-8 વિમાન ટેકઓફ પછી ગણતરીની સેકન્ડોમાં ક્રેશ થઈ ગયું હતું, જેમાં કુલ 260 લોકો માર્યા ગયા હતા. 12 જૂન, 2025ના રોજ સર્જાયેલી આ દુર્ઘટનામાં આગના લીધે મોટા ભાગના મૃતદેહો ઓળખી પણ ન શકાય એ હદે બળી ગયા હતા. તેથી મૃતદેહોના ડીએનએ ટેસ્ટ કરીને એમની ઓળખ કરાઈ હતી. બાદમાં એ અવશેષોને મૃતકોના પરિવારને સોંપાયા હતા. આમ કરવામાં કેવો ગંભીર છબરડો થયો હતો, એ હાલમાં સામે આવ્યું છે. દુર્ઘટનામાં મોતને ભેટેલા બે બ્રિટિશ નાગરિકના ખોટા અવશેષો તેમના પરિવારોને મોકલી દેવામાં આવ્યા હતા. આ વાત જાહેર થતાં વિવાદ છેડાઈ ગયો છે.
દુર્ઘટનામાં માર્યા ગયેલા બ્રિટિશ નાગરિકોના પરિવારજનોએ ભારત આવીને તેમના DNA નમૂના આપ્યા હતા, જેને મેચ કરીને તેમના મૃત સગાંના અવશેષોની ઓળખ કરાઈ હતી. ત્યાર પછી એ અવશેષો શબપેટીઓમાં મૂકીને બ્રિટન મોકલાયા હતા. લંડનમાં અવશેષોનું ફરીથી DNA પરીક્ષણ કરાયું હતું, જેમાં અવશેષો ખોટા હોવાનું બહાર આવ્યું છે. આમ થતાં સંબંધિત પરિવારોએ મૃતકની અંતિમ વિધિ અટકાવી દીધી છે. આ બાબતે તાત્કાલિક તપાસ શરૂ કરાઈ છે.
મૃતદેહો ગંભીર રીતે સળગી ગયા હોવાથી બ્રિટન મોકલેલા અવશેષોની શબપેટીઓ ખોલવાની સંબંધીઓને મનાઈ ફરમાવાઈ હતી. શબપેટીઓ પર મૃતકના નામના લેબલ લગાવાયા હતા. જો કે મૃતકોના પરિજનોએ અવશેષોના અંતિમ સંસ્કાર કરી દેવાને બદલે પહેલાં એનું DNA પરીક્ષણ કરાવ્યું હતું, જેને લીધે આ છબરડો પ્રકાશમાં આવ્યો હતો.
આ વાત સામે આવતાં એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે, આ પ્રકારની ભૂલો અન્ય અવશેષોના પરીક્ષણોમાં પણ થઈ હોય એવું બની શકે છે. મૃતકોમાં જે કોઈ ભારતના નાગરિક હતાં એમાંના મોટા ભાગનાના મૃતદેહોના તો અંતિમ સંસ્કાર પણ કરી દેવાયા છે. તેથી હવે એમના પરિવારો પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરે એવી શક્યતા છે કારણ કે, બ્રિટન મોકલાયેલા અવશેષો ખોટા હોય તો બીજા પરિવારોને અપાયેલા અવશેષો પણ ખોટા હોવાની શક્યતા વધી જાય છે.
આવી ગંભીર ચૂકને લીધે બ્રિટનના અસરગ્રસ્ત પરિવારોમાં રોષ છે. તેઓ તો તેમના દેશના સાંસદો, વિદેશ મંત્રાલય અને વડાપ્રધાનના કાર્યાલય સુધી પહોંચી ગયા છે. આ પરિવારો એર ઇન્ડિયા અને સંબંધિત ઈમર્જન્સી સર્વિસ એજન્સીઓના ખુલાસાની પણ માંગ કરી રહ્યા છે. બીજી તરફ, 23-24 જુલાઈના દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુકેની મુલાકાતે છે ત્યારે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર આ મુદ્દે એમને પ્રશ્નો કરી શકે એમ છે.
આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં કુલ 242 યાત્રી હતા, જેમાંથી 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિક હતા, જે પૈકી માત્ર 6 મૃતદેહોની ઓળખ ચહેરા દ્વારા થઈ શકી હતી, બાકીની ઓળખ માટે DNA પરીક્ષણ કરવું પડ્યું હતું. આ પરીક્ષણો માટે દેશના બે મોટા ફોરેન્સિક સંસ્થા ‘નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી’ અને ‘ફોરેન્સિક ડિરેક્ટોરેટ’ના કુલ 40 અધિકારી જોડાયા હતા. આ મૃતદેહો ખૂબ ખરાબ રીતે બળી ગયા હોવાથી મૃતકોના દાંત અને હાડકાંમાંથી નમૂના મેળવીને એને પરિવારોના લોહી સાથે મેચ કરાયા હતા.
આ ભયાનક દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને 12 ક્રૂ મેમ્બર સહિત વિમાનમાં સવાર 241 મુસાફરોનું અવસાન થયું હતું. બોઇંગ ડ્રીમલાઇનર મેડિકલ કોલેજની દીવાલ સાથે અથડાયું હોવાથી વિમાનમાં સવાર પ્રવાસીઓ ઉપરાંત ઘટના સ્થળે જમીન પર ઉપસ્થિત 19 લોકો પણ માર્યા ગયા હતા. વિમાનમાં સીટ નં. 11A પર બેઠેલી એકમાત્ર વ્યક્તિ વિશ્વાસ કુમારનો ચમત્કારિક બચાવ થયો હતો.
DNA પરીક્ષણમાં કાચું કપાતાં વિશ્વભરમાં ભારતને નીચાજોણું થયું છે. આવી વહીવટી ભૂલના કારણે અસરગ્રસ્ત પરિવારોના માનસિક દુ:ખમાં વધારો થયો છે. ભવિષ્યમાં આવી ચૂક ન થાય એ માટે નક્કર પગલાં લેવા જોઈએ એવી પણ માંગ ઉઠી ચૂકી છે.




