શુકલતીર્થ મેળાની જાત્રા માટે એસટી વિભાગે 40 બસોનું આયોજન કર્યું, સીટી સેન્ટર ડેપો અને શુકલતીર્થ ગામેથી બસોનું 50 એસટી કર્મીઓ સંચાલન કરશે
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામમાં ભરાતા કારતકી અગિયાસમના મેળાનાં પગલે ભરૂચ એસ.ટી.વિભાગ દ્વારા જાત્રા કરવા આવતા યાત્રાળુઓ માટે 40 બસોનું સુચારુ આયોજન કરાયુ છે. જેમાં શુકલતીર્થ ગામમાં અને સીટી સેન્ટર બસ ડેપો પરથી બસો મેળા માટે અવરજવર કરશે.
ભરૂચથી 17 કિલોમીટર દુર આવેલાં પૌરાણિક યાત્રાધામ શુક્લતીર્થ ખાતે કારતક સુદ અગિયારસથી મેળો ભરાય છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી અંદાજીત 4 લાખ યાત્રીઓ મેળો મ્હાલવા ઉમટી પડતા હોય છે, જેને લઈને શુકલતીર્થ પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરાઈ છે. જ્યારે બહારથી આવતા યાત્રાળુઓ અને મુસાફરોનો ભારે ઘસારો રહેવાના પગલે ભરૂચ એસ.ટી.વિભાગ દ્વારા પાંચ દિવસ ચાલનાર જાત્રાને ધ્યાને લઇ યાત્રાળુઓ અને મુસાફરોની સુવિધા માટે ખાસ 40 બસો વધારાની મુકાવામાં આવી છે જેમાં અંદાજીત 50 જેટલા એસટી કર્મીઓ મેળા માટે ખડેપગે ફરજ બજાવશે.
આ અંગે ભરૂચ ડેપોના મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસ લોકોનાં ભારે ઘસારાને ધ્યાને રાખી મુસાફરોને દરેક પ્રકારની સુવિધાઓને ધ્યાનમાં રાખીને સીટી સેન્ટર ડેપો ખાતે શુકલતીર્થની જાત્રા માટે ખાસ આયોજન કરાયું છે, એજ રીતે શુકલતીર્થ ગામમાં પણ હંગામી બસ સ્ટેન્ડ ઉભું કરીને મુસાફરોને લાવવા લઈ જવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. એસટી વિભાગે સીટીના ટ્રાફિકને પણ ધ્યાનમાં રાખી વધારે પડતી મીની બસો દોડાવાનું નક્કી કર્યું છે, ગત વર્ષ શુકલતીર્થની ટિકિટનો દર 35 રૂપિયા હતો તે ચાલુ વર્ષે ટીકીટનો દર 35 રૂપિયા જ રાખવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસ અને ખાસ કરીને દેવદિવાળીને પૂનમનાં દિવસે સૌથી ભારે ઘસારો રહે છે. ભરૂચ એસ.ટી.વિભાગે લોક સુવિધા અર્થે તેમજ એસ.ટી.ને સારી એવી આવક પ્રાપ્ત થઈ શકવાની શક્યતાઓ છે.