નવસારીના મછાડ ગામે ઝીંગા તળાવ વિસ્તારમાં પાણી ભરાતાં ફસાયેલા ૨૫૦ લોકોનો તંત્ર દ્વારા સફળ રેસ્ક્યુ ઓપરેશન

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મછાડ ખાતે ઝીંગા તળાવ વિસ્તારમાં અચાનક પાણી ભરાઈ જવાના કારણે અંદાજે ૨૫૦ જેટલા સ્થાનિક નાગરિકો ફસાઈ ગયા હોવાની માહિતી મળતા જ જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર તાત્કાલિક અસરથી હરકતમાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ મામલતદારશ્રી જલાલપોર, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી જલાલપોર, તાલુકા વિકાસ અધિકારીશ્રી (TDO) તથા તલાટી-કમ-મંત્રીશ્રી મછાડ સહિતની વહીવટી અધિકારીઓની ટીમો તમામ જરૂરી સંસાધનો અને રાહત સામગ્રી સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
રેસ્ક્યુ કામગીરીને વેગ આપવા માટે ફાયર બ્રિગેડની વિશેષ ટીમ, સ્થાનિક બોટો તથા ગામના અનુભવી અને કુશળ તરવૈયાઓને સાથે રાખીને સંયુક્ત રીતે યુદ્ધના ધોરણે બચાવ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પાણીના ભરાવા અને વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ તંત્ર અને ફાયર ફાઈટરોના સઘન પ્રયાસોના પરિણામે ઝીંગા તળાવ વિસ્તારમાં અટવાયેલા તમામ ૨૫૦ નાગરિકોને બોટ મારફતે હેમખેમ અને સહીસલામત રીતે બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. વહીવટી તંત્રની ત્વરિત અને સુસંગઠિત કામગીરીને કારણે આ સમગ્ર ઓપરેશન દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ કે ગંભીર ઈજાની ઘટના બનવા પામી નથી.
બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ તુરંત જ બહાર કાઢવામાં આવેલા તમામ ૨૫૦ નાગરિકોનું મેડિકલ ટીમ દ્વારા પ્રાથમિક આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં તમામ નાગરિકો પૂર્ણતઃ સ્વસ્થ માલૂમ પડ્યા છે. વહીવટી તંત્ર દ્વારા આ તમામ અસરગ્રસ્ત નાગરિકો માટે તાત્કાલિક ધોરણે સલામત આશ્રય સ્થાન (શેલ્ટર હોમ), શુદ્ધ પીવાનું પાણી તથા ભોજનની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. હાલ ઘટનાસ્થળે અને સમગ્ર વિસ્તારમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર સતત પળપળની નજર રાખવામાં આવી રહી છે.





