તલંગપોર ની મહેતાનગર સોસાયટીમાં રહેણાંક પ્લોટ પર પાંચ માળનું ગેરકાયદે બાંધકામ ખડકાયું

સુરત, સચિન
સુરત મહાનગરપાલિકાના સાઉથ ઝોન-બી (ઉધના) વિસ્તારમાં સમાવિષ્ટ સચિન-તલંગપોર ખાતે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી મોટાપાયે અનધિકૃત બાંધકામ થઈ રહ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. તલંગપોર ની મહેતાનગર સોસાયટીમાં મંજૂરી મેળવ્યા વિના રહેણાંક પ્લોટો પર કોમર્શિયલ સ્ટ્રક્ચર જેવું પાંચ માળનું બિલ્ડિંગ ઉભું કરી દેવામાં આવતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, તલંગપોરામાં આવેલી મહેતાનગર સોસાયટી (સર્વે બ્લોક નંબર 253/B) માં પ્લોટ નંબર 14, 15, 27 અને 28 માં બાંધકામની મંજૂરી સાઉથ ઝોન-બી દ્વારા આપવામાં આવી હતી. આ પરમિશન માત્ર સોસાયટીના નિયમો અને રહેણાંક હેતુ માટે હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, જવાબદાર બિલ્ડરો કે આસામીઓ દ્વારા આ ચાર પ્લોટને ભેગા કરી, નીતિ-નિયમોને બાજુ પર મૂકીને પાંચ માળનું વિશાળ બાંધકામ ખડકી દેવામાં આવ્યું છે.
તંત્રની ભૂમિકા શંકાના દાયરામાં
સામાન્ય રીતે કોઈ પણ નાના બાંધકામ માટે નોટિસ ફટકારતું સુરત મહાનગરપાલિકાનું તંત્ર આટલા મોટા પાંચ માળના ગેરકાયદે બાંધકામ સામે કેમ મૌન સેવી રહ્યું છે? તે એક મોટો પ્રશ્ન છે. સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે કે:
* ચાર પ્લોટના જોડાણ માટે મંજૂરી લેવામાં આવી હતી?
* પાંચ માળ સુધીના બાંધકામ માટે પ્લાન પાસ કરાવવામાં આવ્યો છે?
* રહેણાંક વિસ્તારમાં આ પ્રકારનું બાંધકામ સુરક્ષાની દૃષ્ટિએ કેટલું યોગ્ય?
લોકચર્ચા અને કાર્યવાહીની માંગ
સચિન વિસ્તારમાં વધતા જતા ગેરકાયદે બાંધકામોને કારણે ડ્રેનેજ, પાણી અને ટ્રાફિક જેવી સમસ્યાઓ જટિલ બની રહી છે. મહેતાનગર સોસાયટીમાં થયેલા આ ‘મસ્ત મોટા’ પાંચ માળના બાંધકામ અંગે જો સાઉથ ઝોન-બી ના અધિકારીઓ દ્વારા વહેલી તકે તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ મામલો વધુ ગરમાય તેવી શક્યતા છે.
હવે જોવાનું એ રહેશે કે પાલિકાના ઝોન ઓફિસરો આ અનધિકૃત બાંધકામ પર બુલડોઝર ફેરવે છે કે પછી ‘રહેમનજર’ રાખીને ફાઈલો દબાવી દે છે.
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા સુરત કામરેજ






