સુરત શહેર માં ભારે વરસાદની આગાહીને પગલે વોર્ડ નં. 2 ના કોર્પોરેટર મનિષાબેન ખેર દ્વારા આગોતરી તકેદારી

કોર્પોરેટર મનીષાબેન ખેરની કામગીરી, સવારથી વરસાદ ચાલુ થતાં નીચાણવાળા વિસ્તારના લોકોને પ્રાથમિક શાળામાં સ્થળાંતરિત કરાયા
ભારે વરસાદની આગાહીને પગલે તેમજ આજે સવારથી જ વરસાદનું પ્રમાણ યથાવત્ રહેતા સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર-2માં આગોતરી તકેદારીના ભાગરૂપે કામગીરી હાથ ધરવામાં આવી હતી. વોર્ડ નંબર-2ના કોર્પોરેટર મનીષાબેન ખેર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા અને ભારે વરસાદની સ્થિતિમાં અસર થવાની સંભાવના ધરાવતા લોકોને સલામતીના ભાગરૂપે વેલંજા પ્રાથમિક શાળામાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.
હાલમાં કોઈ વિસ્તારમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ નથી, પરંતુ આગામી ભારે વરસાદની આગાહી અને સવારથી સતત વરસી રહેલા વરસાદને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાય તે પહેલાં આગોતરા આયોજન અને તકેદારીના ભાગરૂપે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
વેલંજા પ્રાથમિક શાળામાં સ્થળાંતરિત કરાયેલા લોકો માટે રહેવાની સાથે ભોજન સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સમગ્ર કામગીરીમાં સ્થાનિક કાર્યકર્તાઓ તેમજ સંબંધિત તંત્ર દ્વારા પણ સહયોગ આપવામાં આવી રહ્યો છે.
દરમિયાન ઉત્રાણ પોલીસ સ્ટેશન હેઠળની ઉમરા પોલીસ ચોકીના PSI ડી.ડી. રાઠોડ તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. સાથે વોર્ડ નંબર-2ના કોર્પોરેટર મનીષાબેન ખેર, અબ્રામા મામલતદાર કચેરીની ટીમ, સુરત મહાનગરપાલિકાનો ફાયર વિભાગ, મેડિકલ ટીમ તથા અન્ય સંબંધિત ટીમો પણ ઉપસ્થિત રહી હતી.
ભારે વરસાદની આગાહીને પગલે કોઈપણ સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા માટે તંત્ર દ્વારા આગોતરી વ્યવસ્થા અને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત









