સુરત ગ્રામ્ય પોલીસની મોટી સફળતા: ઉમરાખગામ હત્યા કેસનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો, કુખ્યાત આરોપી ઝડપાયો

સુરત ગ્રામ્યના બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી શિવંતા સોસાયટીમાં થયેલી હત્યાની ઘટનામાં પોલીસે સરાહનીય કામગીરી કરી છે. ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડી પોલીસે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
ઘટનાની વિગત:
ગઈકાલે કામરેજ ચાર રસ્તા પાસે રહેતા અમિતભાઈ નરેન્દ્રભાઈ ઝીંઝુવાડિયા (મિસ્ત્રી) ની ઉમરાખ ગામની સીમમાં આવેલી શિવંતા સોસાયટીમાં હત્યા કરવામાં આવી હતી. મૃતક અમિતભાઈ પોતાની પત્ની ભાવનાબેનને મળવા ગયા હતા, જેઓ ત્યાં અલગ રહેતા હતા. તે સમયે પત્ની સાથેના સંબંધોની અદાવતમાં આરોપી મિતેશ હરીશભાઈ કંથારીયા સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો. ઉશ્કેરાયેલા મિતેશ દ્વારા અમિતભાઈની છાતીમાં ચપ્પુના 3-4 ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા, જેના કારણે તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આરોપી હત્યા કરી ચપ્પુ મૃતકના હાથમાં મૂકીને નાસી છૂટ્યો હતો.
પોલીસની તાત્કાલિક કાર્યવાહી
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સુરત વિભાગના આઈ.જી.પી. પ્રેમ વીર સિંહ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા ના માર્ગદર્શન હેઠળ બારડોલી રૂરલ પી.આઈ. પી.એન. જાડેજા અને તેમની ટીમ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. બાતમીના આધારે પોલીસે ઉમરાખ ગામની સીમમાં આવેલી ખેતરાડીમાં છુપાયેલા આરોપી મિતેશ કંથારીયાને કોર્ડન કરીને દબોચી લીધો હતો.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ:
પકડાયેલ આરોપી મિતેશ કંથારીયા કોઈ રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. તેની સામે અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે:
અડાજણ અને જહાંગીરપુરા પોલીસ સ્ટેશન: મારમારી અને ધાકધમકીના અનેક ગુના.
લાલગેટ પોલીસ સ્ટેશન: દારૂબંધી (પ્રોહિબિશન) અને લૂંટ-ધાડ જેવા ગુનાઓ.
કુલ 10 થી વધુ ગુનાહિત કેસોમાં આરોપીની સંડોવણી સામે આવી છે.
કબ્જે કરેલો મુદ્દામાલ:
પોલીસે હત્યામાં વપરાયેલ સ્ટીલનું ધારદાર ચપ્પુ કબ્જે કર્યું છે.
આ સફળ કામગીરીમાં પી.આઈ. પી.એન. જાડેજા સાથે એ.એસ.આઈ. ધનસુખભાઈ, નિર્મળાબેન, અને હેડ કોન્સ્ટેબલ મેરૂભાઈ, મેહુલકુમાર સહિતની આખી ટીમે મહત્વની ભૂમિકા ભજવી છે. હાલ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા સુરત કામરેજ



