
જેમ જેમ ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે, તેમ તેમ ઉમેદવારોએ મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા ૧૭-શેખપુર તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા પ્રવીણભાઈ છનાભાઈ પટેલે આજે પોતાના વિસ્તારમાં ઝંઝાવાતી ડોર-ટુ-ડોર પ્રચાર અભિયાન હાથ ધર્યું હતું.
હરિ દર્શન સોસાયટીમાં ભવ્ય સ્વાગત અને લોકપ્રશ્નોની રજૂઆત
પ્રવીણભાઈ પટેલે આજે શેખપુરમાં આવેલી હરિ દર્શન સોસાયટીની મુલાકાત લીધી હતી. પ્રચાર દરમિયાન સોસાયટીના રહીશોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, સાથે જ પોતાના વિસ્તારના સળગતા પ્રશ્નોની હારમાળા પણ તેમની સમક્ષ રજૂ કર્યા હતા.
લાંબા સમયથી સોસાયટીમાં પીવાના પાણીની અનિયમિતતા અને અછત જોવા મળી રહી છે.
પાયાની સામાન્ય જરૂરિયાત ગેસ લાઇન હજુ સુધી આ વિસ્તારમાં પહોંચી નથી, જેના કારણે
ગૃહિણીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.
શેખપુરના ઉદ્યોગો અને ખેડૂતોની વેદના
જનસંપર્ક દરમિયાન સ્થાનિક ખેડૂતો અને રહીશોએ શેખપુર વિસ્તારમાં ચાલતા ઉદ્યોગો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. રહીશોના જણાવ્યા અનુસાર, અહીંની ઇન્ડસ્ટ્રીઝમાં ચાલતા વોટર જેટ મશીનોમાં ભૂગર્ભ જળનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. આ મશીનો દ્વારા મોટા પાયે પાણી ખેંચાતા આસપાસના વિસ્તારના પાણીના સ્તર નીચે જઈ રહ્યા છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોને સિંચાઈ માટે પાણી મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
જીત્યા બાદ સમસ્યાનું નિરાકરણ એ જ અમારી પ્રાથમિકતા
લોકોની સમસ્યાઓ સાંભળ્યા બાદ કોંગ્રેસ ઉમેદવાર પ્રવીણભાઈ પટેલે લોકોને ખાતરી આપતા જણાવ્યું હતું કે, “અમે સામાન્ય જનતા અને ખેડૂતોની વેદના સમજીએ છીએ. જો તમે અમને વિજયી બનાવશો, તો હરિ દર્શન સોસાયટીમાં પાણી અને ગેસ લાઇનની સમસ્યા દૂર કરવી તેમજ વોટર જેટ મશીનોના કારણે ખેડૂતોને થતી મુશ્કેલીઓનું કાયમી નિરાકરણ લાવવું એ અમારી સરકારની પ્રથમ પ્રાથમિકતા રહેશે.”
આ મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક આગેવાનો તેમજ હરીદર્શન સોસાયટીના પ્રમુખશ્રી ભાનુ ભાઈ ચૌહાણ તેમજ સોસાયટી કમિટી મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા અને પરિવર્તનના નારા સાથે પ્રચારને વેગ આપ્યો હતો.
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા સુરત કામરેજ










