શેખપુર ગ્રામ પંચાયતમાં કાયદાકીય નોટિસ છતાં ‘આંખ આડા કાન’ ટીડીઓની નોટિસને ૧૦ દિવસ વીત્યા, છતાં કેમ કોઈ કાર્યવાહી નહીં?

કામરેજ તાલુકાની શેખપુર ગ્રામ પંચાયતમાં વહીવટી અને કાયદાકીય બેદરકારીનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. કામરેજ તાલુકા વિકાસ અધિકારી (TDO) દ્વારા ગત તારીખ ૧૨/૦૬/૨૦૨૬ના રોજ શેખપુર ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સરપંચ બોડી વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવા બાબતે એક સત્તાવાર નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે, આ નોટિસને ૧૦ થી ૧૧ દિવસ જેટલો લાંબો સમય વ્યતીત થઈ ગયો હોવા છતાં, પંચાયતના સત્તાધીશો દ્વારા આ મામલે તદ્દન ઉદાસીન વલણ અપનાવવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, ટીડીઓ સાહેબ દ્વારા આપવામાં આવેલી આ નોટિસ બાદ પંચાયત સ્તરે જે સખત વહીવટી કે કાયદાકીય પ્રક્રિયા થવી જોઈતી હતી, તેના પર જાણે જોય ‘આંખ આડા કાન’ કરવામાં આવી રહ્યા છે. સરપંચ બોડી ઉપર તલાટી તરફથી આ ગંભીર નોટિસ પ્રત્યે કોઈ સંતોષકારક કે દેખીતી કાર્યવાહી ન થતાં સ્થાનિક સ્તરે અનેક સવાલો ઊભા થયા છે.
મોટો સવાલ: પંચાયતની મનમાની કે પછી કોઈ મોટા અધિકારીના આશીર્વાદ?
આ આખા મામલામાં હવે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે, કાયદાકીય નોટિસ મળ્યા પછી પણ શેખપુર ગ્રામ પંચાયત આટલી મોટી બેદરકારી કેમ છે? શું પંચાયત તંત્ર જાણીજોઈને આ મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, કે પછી આ મૌન પાછળ તાલુકા પંચાયતના જ કોઈ ઉચ્ચ અધિકારી કે રાજકીય નેતાના આશીર્વાદ કામ કરી રહ્યા છે?
સરકારી નિયમો અને કાયદાની ઐસીતૈસી કરીને નોટિસને ઘોળીને પી જવાની આ નીતિ સામે હવે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય અને જવાબદારો સામે કડક પગલાં ભરાય તેવી લોકમાંગ ઉઠી છે.
જો આગામી દિવસોમાં આ મામલે કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો આ મુદ્દો વહીવટી તંત્રની પારદર્શિતા સામે મોટું પ્રશ્નાર્થ ચિહ્ન ખડું કરશે.
સરકારી કાગળો પર સમયમર્યાદા વીતતો જાય છે, પણ શેખપુર પંચાયતની મનમાની અટકવાનું નામ નથી લેતી. હવે જોવાનું એ રહેશે કે કાયદો પોતાનું કામ કરે છે કે પછી વહીવટી ભીનું સંકેલાઈ જશે!
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત








