શેખપુર ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારની ગંધ? પીવાના પાણીના પરબના નામે ૨.૩૩ લાખની ગ્રાન્ટનું ‘પાણી’, સુવિધા રામ ભરોસે!

શેખપુર: ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ વહીવટી તંત્ર અને સ્થાનિક નેતાઓની ઉદાસીનતાના કારણે આ સરકારી નાણાંનો કેવો દુરુપયોગ થાય છે તેનો જીવતો-જાગતો નમૂનો શેખપુર ગ્રામ પંચાયતમાં જોવા મળ્યો છે.
વર્ષ ૨૦૨૫ માં શેખપુર ગ્રામ પંચાયત દ્વારા સામાન્ય જનતા માટે પીવાના પાણીનું પરબ બનાવવામાં આવ્યું હતું. આ કામ પાછળ અંદાજે રૂપિયા ૨.૩૩ લાખ જેવી મોટી રકમની ગ્રાન્ટ વાપરી નાખવામાં આવી હોવાના દાવા કરાયા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, આટલો મોટો ખર્ચ કર્યા છતાં આજે પણ અહીં પાણીના નળ તૂટેલી હાલતમાં છે અને લોકોને ટીપું પાણી પણ નસીબ થતું નથી.
સવાલોના ઘેરામાં પંચાયત યોગ્ય વિકાસ ક્યાં?
સ્થાનિક રજૂઆતો અનુસાર, જો આ ૨.૩૩ લાખ રૂપિયાની માતબર ગ્રાન્ટનો ઉપયોગ ગામના કોઈ અન્ય યોગ્ય અને સાચા વિકાસલક્ષી કામ માટે કરવામાં આવ્યો હોત, તો આજે ગામનું ચિત્ર કંઈક અલગ હોત. માત્ર કાગળ પર કે શોભાના ગાંઠિયા સમાન પરબ બનાવીને સરકારી નાણાંનો વેડફાટ કેમ કરવામાં આવ્યો? શું આ માત્ર ગ્રાન્ટ સગેવગે કરવાનો ખેલ છે? તેવા ગંભીર સવાલો ગ્રામજનોમાં ઉઠી રહ્યા છે.
જવાબદારોની બેજવાબદારી: ‘હું જોઈ લઉં’ કહી તલાટીએ ફોન કાપ્યો!
આ ગંભીર અને સળગતી સમસ્યા અંગે જ્યારે વાત્સલ્યમ સમાચારના પ્રતિનિધિ દ્વારા તલાટી મેડમનો સંપર્ક કરવામાં આવ્યો અને ટેલિફોનિક વાત કરવામાં આવી, ત્યારે તેઓએ પોતાની જવાબદારીમાંથી છટકતા હોય તેમ “હું જોઈ લઉં…” એવો ટૂંકો અને ગોળગોળ જવાબ આપીને ફોન કાપી નાખ્યો હતો. એક સરકારી અધિકારીનું આવું બેજવાબદાર વલણ પંચાયતના કારભારીઓની મિલીભગત તરફ આંગળી ચીંધે છે.
સરપંચનો લઘડબઘડ જવાબ: “અમારે શું ધ્યાન રાખીને બેસવાનું?”
બીજી તરફ, જ્યારે ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ સાહેબને આ તૂટેલા નળ અને પાણીની સુવિધા અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે અત્યંત આઘાતજનક અને બિનજવાબદાર નિવેદન આપ્યું હતું. સરપંચે જણાવ્યું કે, “અમે એનું ધ્યાન રાખીને બેસવાનું ગામના છોકરાઓ તોડી જાય તો અમારે શું ધ્યાન રાખીને બેસવાનું?”
મોટો સવાલ: લાખો રૂપિયાના જાહેર જનતાના ટેક્સના પૈસાથી બનેલી મિલકતની જાળવણી કરવાની જવાબદારી જો ચૂંટાયેલા સરપંચની ન હોય, તો પછી ગામ લોકોએ કોની પાસે અપેક્ષા રાખવી? જો છોકરાઓ તોડી જતા હોય તો પંચાયત દ્વારા તેની સુરક્ષા કે સીસીટીવીની વ્યવસ્થા કેમ ન કરાઈ? કે પછી આ તૂટેલા નળ પાછળ પણ નવું મેઈન્ટેનન્સ બિલ બનાવવાનો કોઈ ઈરાદો છે?
તંત્ર ક્યારે જાગશે?
સરકારી નાણાંનો આવો ધુમાડો અને અધિકારીઓ-નેતાઓની આ પ્રકારની જોહુકમી સામે હવે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તે જરૂરી બન્યું છે. શેખપુરના રજૂઆતકર્તાઓ અને ગ્રામજનોની એક જ માંગ છે કે આ ગ્રાન્ટના વપરાશની તટસ્થ ઓડિટ તપાસ થાય અને ગામ લોકોને પીવાનું પાણી તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવવામાં આવે.
જો પંચાયત આ સુવિધા ન સુધારી શકતી હોય, તો આ ભ્રષ્ટાચાર કે બેદરકારી સામે આગામી દિવસોમાં ઉચ્ચ વહીવટી તંત્ર (ડીડીઓ/કલેક્ટર) સુધી લડત લંબાવવામાં આવશે તેવા સંકેતો મળી રહ્યા છે.
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત







