BARDOLISURAT

બારડોલી પોલીસની નાકની નીચે જ કાયદાના લીરેલીરા: કોર્ટ પાછળ કરોડોનો સટ્ટો અને દારૂનો અડ્ડો, વીડિયો વાયરલ થતાં ખાખી દાગીદાર!

બારડોલી: દીવા તળે અંધારું” કોને કહેવાય તેનો જીવતો જાગતો નમૂનો બારડોલીમાં જોવા મળી રહ્યો છે. ન્યાયનું મંદિર ગણાતી સિવિલ કોર્ટની પાછળ, વોર્ડ નંબર 9 (રંગ ઉપરની બાજુમાં) લોકશાહી અને કાયદાના લીરેલીરા ઉડી રહ્યા છે. અહી ગેરકાયદેસર દારૂનો ધંધો અને વરલી મટકાનો જુગાર કોઈ છૂપી રીતે નહીં, પણ જાહેરમાં ધમધમી રહ્યો છે. આ આખી ગતિવિધિ બારડોલી પોલીસ સ્ટેશનથી માત્ર ૫૦૦ મીટરના અંતરે ચાલી રહી છે, જે પોલીસની કાયદો-વ્યવસ્થા જાળવવાની દાવેદારી પર મોટો તમાચો છે.

 

છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો જે વાતથી પરેશાન હતા, તેનો પુરાવો હવે સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ ફરી રહ્યો છે. બારડોલીમાં જાહેરમાં રમાતા વરલી મટકાનો એક વીડિયો વાયરલ થતાં જ સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કઈ રીતે કોઈ પણ ડર વગર જુગારની ક્લબ ચાલી રહી છે. આ વીડિયો સામે આવ્યા પછી જનતા એક જ સવાલ પૂછી રહી છે – “બારડોલી પોલીસ કુંભકર્ણની નિદ્રામાં છે કે પછી જાણીજોઈને આંખ આડા કાન કરી રહી છે?”

 

બારડોલીના ચોરે ને ચૌટે અત્યારે એક જ ચર્ચા છે કે આ જુગારધામ કોઈ નાનું-મોટું નેટવર્ક નથી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, અહી રોજનું કરોડો રૂપિયાનું ટર્નઓવર થઈ રહ્યું છે. આટલી મોટી રકમનો સટ્ટો અને દારૂનો વેપાર પોલીસ સ્ટેશનની બિલકુલ નજીક ચાલતો હોય અને સ્થાનિક પોલીસ અજાણ હોય, તે વાત ગળે ઉતરે તેવી નથી. લોકોમાં ચર્ચા છે કે આ કરોડોના સામ્રાજ્ય પાછળ ચોક્કસપણે કોઈ મોટા આશીર્વાદ કામ કરી રહ્યા છે.

સવાલ ૧: પોલીસ સ્ટેશનથી માત્ર ૫૦૦ મીટર દૂર ચાલતી આ પ્રવૃત્તિ જો પોલીસને ન દેખાતી હોય, તો પોલીસની ગુપ્તચર વિંગ (LIU) શું માત્ર નામના ખાતર જ છે?

સવાલ ૨: સિવિલ કોર્ટની બિલકુલ પાછળ આવા અસામાજિક તત્વોનો અડ્ડો હોવો, તે ન્યાયતંત્ર અને સુરક્ષા વ્યવસ્થાની મજાક નથી?

સવાલ ૩: શું સ્થાનિક પોલીસનો આમાં કોઈ ‘રોલ’ કે ભાગીદારી છે? આજ દિન સુધી રેડ કેમ ન પડી?

 

“જો પોલીસ પોતાના ઘર આંગણે કાયદો ન સાચવી શકતી હોય, તો સામાન્ય જનતાની સુરક્ષાના દાવા કરવા બંધ કરે.”

 

આ વાયરલ વીડિયોએ બારડોલી પોલીસની આબરૂના ધજાગરા ઉડાડી દીધા છે. હવે સવાલ એ છે કે સુરત જિલ્લા પોલીસ વડા (SP) આ ગંભીર ભ્રષ્ટાચાર અને લાપરવાહી સામે કડક પગલાં ભરીને અહી રેડ પાડશે? કે પછી દર વખતની જેમ ‘તપાસ ચાલુ છે’ નું બહાનું ધરીને મામલો ઠંડો પાડી દેવામાં આવશે? જનતા અત્યારે આરપારની લડાઈ અને આ અડ્ડાઓ પર કાયમી તાળા વાગે તેવી માંગ કરી રહી છે.

રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત

Back to top button
error: Content is protected !!