KAMREJSURAT

નવી પાલડી ગ્રામ પંચાયતમાં ગામતળની સરકારી જમીન પર દબાણના આક્ષેપ, તપાસની ગ્રામજનોની માંગ

કામરેજ: નવી પાલડી ગ્રામ પંચાયત વિસ્તારમાં ગામતળની સરકારી જમીન પર આવાસ લાભાર્થીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે. આ મુદ્દે ગ્રામજનોમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ અથવા વિજિલન્સ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી રહી છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામતળની અંદાજે 11 ફૂટ જેટલી જાહેર જગ્યા પૈકી હાલ માત્ર 3થી 4 ફૂટ જેટલી જગ્યા જ ખુલ્લી જોવા મળી રહી છે. બાકીની અંદાજે 7થી 8 ફૂટ જેટલી જગ્યા પર દબાણ થયું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે જો આ મામલે ઉચ્ચ અધિકારીઓ અથવા વિજિલન્સ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે તો સમગ્ર હકીકત સામે આવી શકે છે. કેટલાક લોકો દ્વારા સરપંચ અને તલાટી સહિત સંબંધિત જવાબદાર અધિકારીઓની ભૂમિકા અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર આવાસ લાભાર્થીઓ દ્વારા સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હોવાની ચર્ચા છે. જો કે, આ બાબતે સંબંધિત અધિકારીઓનું સત્તાવાર નિવેદન હજુ સુધી પ્રાપ્ત થયું નથી.

ગ્રામજનોની માંગ છે કે સમગ્ર મામલે જમીનના મૂળ રેકોર્ડ, માપણી અને સ્થળ તપાસ કરીને હકીકત જાહેર કરવામાં આવે. જો કોઈ ગેરરીતિ થઈ હોય તો જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

આ મુદ્દે આગામી દિવસોમાં ગ્રામજનો દ્વારા વિરોધ કાર્યક્રમ અથવા રજૂઆત કરવામાં આવે તેવી પણ ચર્ચા ચાલી રહી છે. હવે સમગ્ર મામલે જિલ્લા વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                    રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત                                                                                                               

Back to top button
error: Content is protected !!