
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ-માલપુર હાઇવે પર સ્પીડ બ્રેકર ઉખડી જતાં અકસ્માતનો ભય, વાહનચાલકો બેફામ, ડામરના સ્પીડ બ્રેકર બનાવવા ગ્રામજનોની માંગ
મેઘરજ-માલપુર હાઇવે રોડ પર બે માસ અગાઉ મુકવામાં આવેલા સ્પીડ બ્રેકર ઉખડી જતાં વાહનચાલકો બેફામ ગતિએ વાહનો હંકારી રહ્યા છે, જેના કારણે અકસ્માતનો ભય સતત વધી રહ્યો છે

મેઘરજ-માલપુર હાઇવે પરથી પસાર થતા પૃથ્વીપુરા, કંભરોડા જેવા ગામોની સીમમાં રાહદારીઓની સલામતી માટે બે માસ પહેલા સ્પીડ બ્રેકર લગાવવામાં આવ્યા હતા. પરંતુ આ સ્પીડ બ્રેકર હાલ ઉખડી ગયા છે. સ્પીડ બ્રેકર ન હોવાથી વાહનો પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યા છે.સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, શાળાએ જતાં બાળકો અને વૃદ્ધોને રોડ ક્રોસ કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ આ માર્ગ પર અનેક નાના-મોટા અકસ્માતો બની ચૂક્યા છે.આ પરિસ્થિતિને ધ્યાને લઈ વિસ્તારના લોકોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે ઉખડી ગયેલા સ્પીડ બ્રેકરના સ્થાને ટકાઉ અને મજબૂત ડામરના સ્પીડ બ્રેકર તાત્કાલિક બનાવવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય.



