સુરેન્દ્રનગર જિલ્લામાં કિશોરીઓના ઉત્કર્ષ માટે વઢવાણ ઘટક-૨ દ્વારા આંગણવાડી કાર્યકરોની બેઠક યોજાઈ
કિશોરીઓને કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાથી માહિતગાર કરવા જોરાવરનગર પોલીસ સ્ટેશનની શૈક્ષણિક મુલાકાત કરાવાઈ

તા.16/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
કિશોરીઓને કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાથી માહિતગાર કરવા જોરાવરનગર પોલીસ સ્ટેશનની શૈક્ષણિક મુલાકાત કરાવાઈ, સુરેન્દ્રનગર જિલ્લામાં કિશોરીઓના આરોગ્ય, પોષણ અને ડિજિટલ ટ્રેકિંગની કામગીરીને વધુ સુદ્રઢ અને સચોટ બનાવવા વઢવાણ ઘટક-૨ ના સેજા સુરેન્દ્રનગર-૩ ખાતે આંગણવાડી કાર્યકરોની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પૂર્ણા યોજના અંતર્ગત થતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત આંગણવાડી કાર્યકરોને પૂર્ણા રજિસ્ટર સમયસર, યોગ્ય રીતે અને ક્ષતિરહિત પૂર્ણ કરવા અંગે જરૂરી ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ ઉપરાંત, દર મહિનાની નિયત થીમ અનુસાર ચોથા મંગળવારની ઉજવણી આંગણવાડી કેન્દ્રો પર ફરજિયાતપણે વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓ સાથે કરવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી જેથી કિશોરીઓમાં જાગૃતિ લાવી શકાય કિશોરીઓના આરોગ્ય અને સુખાકારી સંબંધિત અત્યંત મહત્વના મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપતાં અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમામ કિશોરીઓના વજન, ઊંચાઈ અને BMI (બોડી માસ ઈન્ડેક્સ) માપવાની પ્રક્રિયા નિયમિતપણે થવી જોઈએ આ સાથે જ, એનિમિયા મુક્ત અભિયાન અંતર્ગત દર ત્રણ મહિને એક વખત કિશોરીઓનું HB (હિમોગ્લોબિન) પરીક્ષણ કરાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો પૂર્ણા પોર્ટલ પર કિશોરીઓની ડિજિટલ એન્ટ્રી સુનિશ્ચિત કરવા માટે આભા આઈડી (ABHA ID) ફરજિયાત હોવાની સાથે તેમનો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો અનિવાર્ય હોવાનું પણ સમજાવવામાં આવ્યું હતું તદુપરાંત, કિશોરીઓના સામાજિક જ્ઞાન અને સુરક્ષાના ભાવને મજબૂત કરવાના આશયથી ૧૫ થી ૧૮ વર્ષની વયજૂથની કિશોરીઓ માટે જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું આ મુલાકાતમાં કુલ ૨૦ કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો મુલાકાત દરમિયાન પોલીસ અધિકારીઓ દ્વારા કિશોરીઓને પોલીસ સ્ટેશનમાં થતી રોજબરોજની વિવિધ કામગીરી કાયદાકીય પ્રક્રિયાઓ અને મુશ્કેલીના સમયે મદદ મેળવવા અંગે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન અને પૂર્ણા કન્સલ્ટન્ટ ચૌહાણ પાર્વતીબેનના સંકલન હેઠળ આંગણવાડી કાર્યકરોની સમીક્ષા બેઠક તેમજ કિશોરીઓનો પોલીસ સ્ટેશન મુલાકાત કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.




