BANASKANTHAPALANPUR

ડીસા નગરપાલિકામાં માનનીય મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીનો લોક સંવાદ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો

3 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

42 અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ
છેવાડાના માનવી સુધી યોજનાઓ પહોંચે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ – વન અને પર્યાવરણ મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી ડીસા નગરપાલિકા ખાતે રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી દ્વારા લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ડીસા ખાતે રાજ્ય કક્ષાના મંત્રીશ્રીના વરદ હસ્તે ફિઝિકલ મોડેલ ટીપીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. લોક સંવાદ કાર્યક્રમ દરમિયાન નગરપાલિકા તથા ડીસા તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા કુલ 42 અરજદારોના પ્રશ્નો રૂબરૂ સાંભળી સ્થળ પર જ તેના નિરાકરણ માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો.વિવિધ વિભાગોના જિલ્લાના પદ અધિકારીઓને ઉપસ્થિત રાખી માર્ગો, ગટર, પાણીની પાઇપલાઇન, ભૂગર્ભ ગટર યોજનાઓ, તળાવ, સ્મશાન ગૃહ, આંગણવાડી કેન્દ્રો, અટલવાડી, પ્રાથમિક શાળાઓ, આરોગ્ય, વીજ થાંભલા, વાહન વ્યવહાર, બસ સેવાઓ, રમતગમતના મેદાનો તથા સ્પોર્ટ્સ સંકુલ જેવા વિવિધ મુદ્દાઓ અંગે લેખિત અને મૌખિક સૂચનાઓ આપવામાં આવી હતી.રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ અરજદારોને શાંતિપૂર્વક અને લાગણીસભર રીતે સાંભળી હૃદયપૂર્વક આવકાર આપ્યો હતો અને તમામ પ્રશ્નોનું યથાયોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું હતું. જ્યાં વહીવટી મંજૂરીની જરૂર હતી ત્યાં સંબંધિત વિભાગોને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચન કરાયું હતું. ‘જનસંવાદ કાર્યક્રમ’માં રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ડીસા નગરપાલિકા અને તાલુકા વિસ્તારના નાગરિકોના વહીવટી તથા વિકાસલક્ષી પ્રશ્નોને સીધા સાંભળી તેમનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવાનો છે, જેના માટે પ્રાંત કચેરી, ડીસા ખાતે આ આયોજન કરવામાં આવ્યું જેમાં લોકો દ્વારા વિવિધ પ્રકારના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા અને તેમના ત્વરિત ઉકેલ માટે તમામ વહીવટી અધિકારીઓ સક્રિય સહયોગ આપી રહ્યા છે, તેમજ આ જનસંવાદ કાર્યક્રમ ગુજરાત સરકારના ‘ગતિશીલ ગુજરાત’ના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ છે, જેના માધ્યમથી સરકાર પ્રજાની વચ્ચે જઈને તેમના પ્રશ્નોને સમજી યોગ્ય ઉકેલ લાવી શકે છે. મુખ્યમંત્રીશ્રીનો  ઉદ્દેશ છે કે છેવાડાનો માનવી પણ સરકારની તમામ યોજનાઓનો લાભ લઈ શકે અને આ યોજનાઓ દ્વારા લોકોનું જીવન સુખ, સમૃદ્ધિ અને વિકાસમય બને.આ પ્રસંગે ડીસા નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી સભ્યો, પ્રતિષ્ઠિત આગેવાનો, વિવિધ ગામોના સરપંચશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રી તથા વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ લોક સંવાદ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!