SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADH

થાનગઢના રાવરાણીમાં ખુલ્લા કૂવામાં ખાબકેલા વણિયારનું દિલધડક રેસ્ક્યુ: ઈજાગ્રસ્ત વન કર્મચારીએ પોતાની પરવા કર્યા વિના જીવ બચાવ્યો

તા.29/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના રાવરાણી ગામે એક અકસ્માતે ખુલ્લા કૂવામાં પડી ગયેલા વન્યપ્રાણી વણિયારને બચાવવા માટે વન વિભાગ અને જીવદયા પ્રેમીઓ દ્વારા સાહસિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વન કર્મચારી પોતાના હાથમાં ગંભીર ઈજા થવા છતાં વન્યજીવની સુરક્ષાને પ્રાથમિકતા આપીને તેને હેમખેમ બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. રાવરાણી ગામના સીમ વિસ્તારમાં આવેલા એક ખુલ્લા કૂવામાં વણિયાર પડી ગયું હોવાની જાણ સ્થાનિક ગ્રામજનોને થઈ હતી. આ અંગેની માહિતી તાત્કાલિક થાનગઢ પાંજરાપોળ જીવદયા ગ્રુપ અને સ્થાનિક વન વિભાગને આપવામાં આવી હતી. વન્યજીવના બચાવ માટે બંને ટીમોએ સંયુક્તપણે ઘટનાસ્થળે પહોંચી ત્વરિત કામગીરી શરૂ કરી હતી. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન થાનગઢ પાંજરાપોળ જીવદયા ગ્રુપના ડો. શંકરભાઈ, ફિરોઝ ખાન અને વન વિભાગના કર્મચારી સાગરભાઈ ખટાણા સહયોગી સભ્યો સાથે કૂવામાં ઉતર્યા હતા. વણિયારને બહાર કાઢવાની મથામણ દરમિયાન વન કર્મચારી સાગરભાઈ ખટાણાના હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. છતાં, પોતાની ઈજાની પરવા કર્યા વિના તેમણે ભારે જહેમત બાદ વણિયારને કૂવામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યું હતું. કૂવામાંથી બહાર કાઢ્યા બાદ વણિયારની તબીબી તપાસ કરવામાં આવી હતી, જેમાં તે સંપૂર્ણ સ્વસ્થ માલૂમ પડતાં તેને તેના કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવ્યું હતું. વન્યજીવનું સક્ષમ રેસ્ક્યુ પૂર્ણ કર્યા બાદ ઈજાગ્રસ્ત વન કર્મચારી સાગરભાઈ ખટાણાને પણ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વન કર્મચારી અને જીવદયા ટીમના આ સાહસિક અને માનવતાવાદી કાર્યને બિરદાવતા રાવરાણીના સ્થાનિક ગ્રામજનોએ સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!