DHRANGADHRASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

જેલમાં કેદીઓને જેલ શિક્ષા – મહેશ દવે નિવૃત જેલર

તા.24/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

જેલમાં કાચા કેદી એટલે કે (અંડર  ટ્રાયલ પ્રિઝનર ) પાકા કેદી એટલે કે (કન્વિક્ટ પ્રિઝનર) અને અટકાયતી આમ ત્રણ પ્રકારના પુરુષ અને મહિલા કેદીઓ જેલમાં આવે છે.કોઈ પણ કેદી કોઈ આરોપસર જેલમાં આવે એજ એની સજા છે જેલમાં આવ્યા બાદ બીજી અલગથી સજા આપવાની હોતી નથી કે એના ઉપર અમાનવીય અત્યાચાર કરવાનો હોતો નથી. સાંભળ્યું છે કે ભૂતકાળમાં રાજાશાહીમાં કે અંગ્રેજોના સમયમાં જેલમાં દરરોજ કેદીઓને કોરડા એટલે કે હન્ટર કે ચાબુક મારવાની પ્રથા હતી. ભોજનમાં કાંજી પીવી પડતી અને જેલમાં પથર તોડવા કે ચકી પીસવી પડતી પરંતુ આવું બધું અત્યારે તો ફિલ્મોમાં જોવા મળે છે હકીકત નથી. આ બધી બાબતો જંગલીયાત ગણાય છે. આ મોર્ડન યુગમાં આવું શક્ય નથી. ઓલ ઈન્ડિયા કમિટી ઓન જેલ રિફોર્મ 1980-83 જેના ચેરમેન જસ્ટિસ આનંદકુમાર મુલ્લા જેઓ એક જસ્ટિસ ઉપરાંત એક સમાજ શાસ્ત્રી પણ હતા એમના દ્વારા એક રિપોટિંગ જજમેન્ટ આપવામાં આવેલ જેમાં એવી ભલામણ કરવામાં આવેલ છે કે કોઈ પણ આરોપી જેલમાં આવ્યા બાદ પણ હવા, પાણી, ખોરાક, આરોગ્ય, સુરક્ષા અને ન્યાય મેળવવાનો માનવીય અધિકાર વ્યક્તિ ગુમાવતો નથી. દેશમાં કોઈ નિર્મમ ક્રૂર હત્યા કે ગેંગરેપ જેવી ઘટના જ્યારે ઘટે ત્યારે લોકો આક્રોસમાં બેનરો સાથે સરઘસ કે રેલીમાં “ફાંસી દો ભાઈ ફાંસી”ના સુત્રોચાર કરતા જોવા મળે છે. જનઆક્રોશ તો વ્યાજબી હોય છે પણ જેલમાં આવ્યા બાદ આરોપીને ગુન્હેગાર સાબિત કરી સજા કરવાની સત્તા માત્ર ન્યાયતંત્ર હસ્તક હોય છે. જેલમાં કેદીને મારઝૂડ કરવી કે ગાળો દેવી એ પણ ગેરકાનૂની બાબત ગણાય છે. ઘણા આરોપીઓ નામદાર કોર્ટ સમક્ષ કે માનવ અધિકાર આયોગ સમક્ષ પોલીસ કે જેલ પ્રશાસન વિરુધ્ધ સાચી ખોટી રજૂઆત કરે કે કોઈ આક્ષેપો કરે તો પણ રૂબરૂ હાજર રહી નમ્રતા પૂર્વક ખુલાસો કરવો પડે છે કે ઘણીવાર માફી માગવી પડે છે. જેલમાં રહેલ અટકાયતીને લોક પ્રતિનિધિત્વ ધારા હેઠળ મત આપવાનો પણ અધિકાર હોય છે. કાચા કેદીને જેલમાં રહી ચૂંટણી લડવાનો પણ અધિકાર હોય છે. પણ હા એક વાત ખરી છે કે કોઈ કેદી જેલના નીતિ નિયમોનો ભંગ કરે મતલબ જેલ ગુન્હો કરે તો જેલ અધિક્ષકશ્રી દ્વારા મેન્યુઅલની જોગવાઈ મુજબ વિશેષ જેલ શિક્ષા થઈ શકે છે. પણ આ શિક્ષા એટલે મારી દૃષ્ટિએ સ્કૂલમાં બાળકોને કંટ્રોલ કરવા માટે જેમ શિક્ષક નાનકડી સોટી રાખે તેમ જેલની શિસ્ત અને સલામતી જળવાય એ હેતુસર જેલ શિક્ષાની જોગવાઈ હોય છે.જો સ્કૂલમાં સો કે દોઢસો વિધાર્થીઓને કંટ્રોલ રાખવા માટે પણ સોટી રાખવી પડતી હોય તો આ તો જેલ છે. જેલમાં તો બે થી પાંચ હજાર ગુન્હેગારોને રાખવામાં આવેલ હોય છે. જેલની શિસ્ત અને સલામતી માટે કેદીઓને શિક્ષાનો ભય હોવો આવશ્યક છે. એટલે જેલમાં કોઈ કેદી અન્ય કેદી સાથે જગડો કે હુમલો કરે અથવા ફરજ ઉપરના અધિકારી કર્મચારી ઉપર હુમલો કરે તો લાઠી ચાર્જ પણ કરવો પડે છે સ્ટાફ દ્વારા સ્વબચાવમાં કેદીઓને કંટ્રોલ કરવા માટે બળ પ્રયોગ રૂપે તિહાર જેલ જેવી મોટી જેલોમાં કોઈ વાર ફાયરીંગ કરવાની પણ જરૂર પડે છે. જેમાં ઘણીવાર કેદીઓ કે સ્ટાફના મૃત્યુ થવાની ઘટનાઓ પણ બનતી હોય છે. પરંતુ સામાન્ય સંજોગોમાં કેદીઓ ઉપર અત્યાચાર કરવામાં આવતો નથી પણ સામાન્ય રીતે જેલ પ્રશાસનના હુકમનો અનાદર કરવા માટે કે સોપવામાં આવેલ કામ કરવાનો ઇન્કાર કરે તો પણ જેલ ગુન્હો ગણાય છે. અથવા જેલમાં ઝડતી દરમ્યાન કોઈ કેદી પાસેથી પ્રતિબંધિત ચીજ વસ્તુ જેવી કે પૈસા, સોના, ચાંદીના દાગીના, ઘડિયાળ, જેવી ચીજ વસ્તુ મળી આવે તો પણ શિક્ષાપાત્ર ગુન્હો ગણાય છે. પરંતુ કોઈ તીક્ષ્ણ કે જીવલેણ હથિયાર કે કોઈ કેફી પદાર્થ કે મોબાઈલ જેવી વસ્તુ મળી આવે તો ફોજદારી ગુન્હો પણ ગણાય છે. તો આરોપી વિરુધ્ધ નજીકના પોલીસ સ્ટેશનમાં જેલર દ્વારા પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવે છે. પણ ફોજદારી ગુન્હો ન હોય તો જેલ અધિક્ષક દ્વારા ખટલો ચલાવી ગુન્હાના પ્રમાણમાં જેલ શિક્ષા કરવામાં આવે છે. કોઈ કેદી પેરોલ ફરલો કે વચગાળા જામીનથી સમયસર જેલમાં પરત હાજર નહી થતા ફરાર થઇ જાય તો અથવા જેલમાંથી નાસી ભાગી જવાની કોશીસ કરે અથવા અન્ય કેદીને નાસી ભગાડવામાં મદદ કરે અથવા નાસી જવાનો પ્લાન બનાવે અથવા જેલમાં કોઈ કોમી વૈમનસ્ય ફેલાવે કે ભયનું વાતાવરણ ઊભું કરે તો અથવા તો ખાસ જેલમાં લીડર બની કેદીઓને ભૂખ હળતાળ માટે પ્રેરવા જેવી અનધીકૃત પ્રવૃતિ બદલ કોઈ બંદીવાન વિરુદ્ધ પોલીસ કાર્યવાહી અને જેલ શિક્ષા અંગેની કાર્યવાહી થઇ શકે છે. સામાન્ય ભૂલ બદલ અધિક્ષક દ્વારા માત્ર ઠપકો કે ચેતવણીની શિક્ષા પણ થાય છે. ગંભીર પ્રકારનો જેલ ગુન્હો કરે તો અમુક સમય માટે મુલાકાત બંધ કે કેન્ટીન ફેસેલિટી બંધની શિક્ષા કરવામાં આવે છે.
વિશેષમાં સખ્ત કામની શિક્ષા પણ થાય છે. બેરેક કે યાર્ડ બદલી કે ક્યારેક ખાસ કિસ્સામાં જેલ બદલીની શિક્ષા પણ થાય છે. ઉપરાંત ચોકસ સમય માટે એકાંતવાસ એટલે અંધેરીરૂમમાં રાખવાની શિક્ષા પણ થાય છે. ઉભી હાથકડીની શિક્ષા, પગમાં દંડાબેડીની શિક્ષા પણ થાય છે. પણ હાલ અંધેરીની જે ઊભી હાથકડી કે દંડા બેડી નાખવા જેવી સજા કરવામાં આવતી નથી પાકા કેદી પેરોલ ફર્લો કે જામીનથી ફરાર થઈ ગયા બાદ પોલીસ દ્વારા પકડાઈ જેલમાં આવે તો અધિક્ષક દ્વારા આગામી ફર્લો જપ્તી માફી જ્પ્તીની શિક્ષા કરવામાં આવતી હોય છે. પરંતુ અત્રે ઉલ્લેખનીય છે જેમ કોઈ કેદી દ્વારા જેલમાં ચાલતી સુધારાત્મક પ્રવૃતિઓમાં ભાગ લેવો, બ્લડ ડોનેટ ( રક્તદાનની પ્રથા હાલ નામ. સુપ્રીમ કોર્ટની સૂચના બાદ બંધ છે) જેલમાં ઉદ્યોગ વિભાગમાં કૌશલ્યવર્ધક કામ કરવા જેવી સારી પ્રવૃતિઓ માટે ખાસ માફી કે પ્રશંસાપાત્ર આપવામાં આવે છે તેમ અનધિકૃત પ્રવૃતિ બદલ જેલ શિક્ષા પણ કરવામાં આવતી હોય છે.આમ જેલ માત્ર કેદીઓને પશુની માફક પૂરી રાખવાનું ચાર દિવાલોનું પીંજરું માત્ર નથી જેલની અંદરની દુનિયા પણ બહુ વિશાળ છે જેલમાં હવા પાણી ખોરાક આરોગ્ય સુરક્ષા જેવી જરૂરી સુવિધા ઉપલબ્ધ હોય છે. પરંતુ જેલમાં ભલે કોઈ આરોપી ઉપર અત્યાચાર કરવાના ઇરાદાથી નહી પણ જરૂર જણાય ત્યાં જેલ શિક્ષાની જોગવાઈ હોય છે. એ ન ભૂલવું જોઈએ કે જેલ આખરે જેલ છે. પક્ષી માટે પીંજરું સોનાનું હોય તો પણ બંધનકરતા હોય છે. કેમ કે જેલમાં આઝાદી નથી, જેલમાં પરિવાર નથી એટલે ઘણીવાર મીડિયા કે કોઈ સામાન્ય લોકો એવું કહેતા હોય છે કે આરોપીઓ માટે અત્યારની જેલ એક મહેલ છે પણ આ વાતમાં કોઈ તથ્ય નથી જેલ કોઈ પણ ગુન્હેગાર માટે એન્જોય કરવાનું સ્થળ ન હોય શકે જ્યાં આઝાદી નથી પરિવાર નથી મિત્રો નથી એટલે તો જેલ મુક્ત થવા માટે મોટા ખેરખાંઓ પણ હામ દામ ઠામ અને દંડ ભેદ નીતિ જેવા હથિયારો અજમાવી છૂટવા માટે વલખા મારતા હોય છે જ્યાં સાથે મા-બાપ પરિવાર સાથે બેસી જમવા મળતું નથી એટલે ભોજન સોનાનો કોળીયો અને જેલ ચાંદીનો મહેલ હોય તો પણ ભલે સરકારી રાહે મળવાપાત્ર સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં જેલ ભૂતિઓ મહેલ લાગે છે. માટે સહન કરો, કાનૂનની મદદ લો પણ કાનૂન હાથમાં નહી લો.

Back to top button
error: Content is protected !!