જેલમાં કેદીઓને સજામાં માફી ? – એમ.એમ.દવે (નિવૃત જેલર)

તા.17/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
અગાઉના પ્રકરણોમાં જેલોની ચાર દીવાલો અંદરની દુનિયા વિશે અલગ અલગ વિષય ઉપર વાતો કરી આજે વાત કરવી છે કે જેલમાં સજા ભોગવતા કેદીઓને માફી મળે ખરી !! માફી શબ્દનો સાત્વિક અર્થ થાય ક્ષમા કે રહેમ! જેલમાં રહેલ બંદીવાનો નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવેલ સજા ભોગવતા હોય છે પણ સજા દરમ્યાન કેદીઓ કોઈ જેલના નિયમોનો ભંગ કરે તો જેમ જેલ પ્રશાસન દ્વારા જેલ શિક્ષા કરવામાં આવે છે તેમ સારી ચાલ ચલગતવાળા સામાન્ય કેદીઓને સારી કામગીરી માટે સજામાં માફી આપવાની જોગવાઈ પણ છે. તો કેદીઓ સજા દરમ્યાન જેલમાં કોઈ સકારાત્મક કામગીરી કરે તો સજામાં અંશતઃ રાહત આપવામાં આવે તેને માફી આપી કહેવાય જેલમાં માફી 2 પ્રકારની મળતી હોય છે, જેલ પ્રશાસન દ્વારા જેલ માફી અને સરકાર દ્વારા પ્રસંગોપાત જાહેર કરવામાં આવતી રાજ્યમાફી. જેલ માફી કેદીઓને વ્યક્તિગત કામગીરીને ધ્યાને લઇ નિયમોનુસાર મળે છે. જ્યારે રાજ્યમાફી કોઈ મોટો રાષ્ટ્રીય પ્રસંગ હોય અર્થાત દેશની કોઈ વિભૂતિનો જન્મદિવસ હોય કે પુણ્યતિથિ હોય જેમ કે મહાત્મા ગાંધી કે અટલ બિહારી બાજપાઈ કે લાલબહાદુર શાસ્ત્રી જેવા મહાનુભાવોના જન્મ જયંતી નિમિતે કે કોઈ ખાસ રાષ્ટ્રીય તહેવાર નિમિતે સ્ટેટ રેમીશન જાહેર કરવામાં આવતી હોય છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને રાજ્યમાફી (સ્ટેટ રેમિશન) જાહેર કરવાનો અધિકાર છે. જે રૂટિનમાં જાહેર થતી નથી પરંતુ લાંબા સમયગાળા બાદ જાહેર થતી હોય છે. જયારે જેલમાફી માટે સરકારના આદેશની જરૂર નથી તે જેલ મેન્યુઅલની જોગવાઈ મુજબ જેલ જેલ સુપ્રિ. દ્વારા આપોઆપ કેદીની હિસ્ટ્રી ટિકિટ રેકર્ડમાં નોંધ કરી કેદીને તેની સજામાં ગણતરી કરી મજરે આપતા એટલી વહેલી જેલ મુક્તિ મળે છે. દેશની સૌથી મોટી રાજ્યમાફી 1975(ગાંધી જયંતી ) નિમિતે જાહેર થઈ હતી દેશની જેલોમાં રહેલ તમામ ફાંસીની સજા વાળા કેદીઓની ફાંસીની સજા માફ કરવામાં આવી હતી. અર્થાત ફાંસીની સજા આજીવન કેદમાં તબદીલ થઈ હતી. સૌથી મોટો લાભ ગુજરાત અમદાવાદ જેલના પાકા કેદી પોપટ હીરાભાઈને મળ્યો હતો જેને એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસ કર્મચારીની હત્યા બદલ છ ફાંસીની સજા થઈ હતી. જેની ફાંસીની સજા આ સ્ટેટ રેમીશનમાં માફ થઈ હતી. અને છેલ્લી રાજ્ય માફી 2017 માં જાહેર કરવામાં આવી હતી જેમાં દરેક બંદીવાનની બે વરસની સજા માફ કરતા ગુજરાતની જેલમાંથી આશરે હજાર કરતા વધુ બંદીવાનો જેલ મુક્ત થયા હતા. નામદાર કોર્ટ દ્વારા સજા પણ બે પ્રકારની કરવામાં આવતી હોય છે 1 સખત કેદની સજા 2 સાદી કેદની સજા નામદાર કોર્ટ દ્વારા સજા ઉપરાંત દંડની સજા કરવામાં આવે છે પણ જો આરોપી દંડ ભરવા ઇનકાર કરે અથવા દંડ ભરવા સક્ષમ ન હોય તો દંડ બદલની સાદી કેદની સજા કરવામાં આવે છે. જેલ મેન્યુઅલના નિયમોના દાયરા માં આવતા હોય એવા કેદીઓને જ માફી મળે છે. શરત (1) નામદાર કોર્ટ દ્વારા ત્રણ માસ કરતા વધુ સખત કેદની કરવામાં આવેલ હોય તો માફી મળે છે. સાદી કેદની સજામાં માફી મળવાપાત્ર નથી પરંતુ કેદી સ્વેચ્છાએ કામ કરે તો જેલ સુપ્રિ.સ્વ.વિવેક મુજબ માફી આપી શકે છે. 2 નાર્કોટિક્સના NDPS ના ગુનામાં સજા ભોગવતો હોય તો માફી ન મળવાપાત્ર નથી. 3 જે માસમાં પેરોલ ભોગવેલ હોય તે માસની માફી મળી શકતી નથી 4 જે માસમાં સજા જાહેર થઈ હોય તે માસ અને જે માસમાં છૂટવા પાત્ર હોય તે બંને માસની માફી મળતી નથી. 5 જામીન મુક્ત થયેલ હોય તે સમયગાળાની માફી પણ ન મળે અર્થાત કેદી જેલમાં હોય ત્યારે જ માફી મળવાપાત્ર છે. માફીની ગણતરી છ માસના ધોરણે થાય છે. સામાન્ય કેદીને છ મહિને 42 દિવસ, કેદી વોચમેન હોય તો 48 દિવસ કેદી વોર્ડર હોય 54 દિવસ અને કુંડાકામ એટલે કે સ્વેરછાએ ટોયલેટ સફાઈ કામ કરનારને છ મહિને 62 દિવસની માફી અને ઓપન જેલમાં ખેતીવાડી પશુપાલનનું કામ કરનારને છ મહિને 90 દિવસની માફી મળે છે. હેબિચ્યુઅલ (એટલે કે રીઢા ગુન્હેગારને પ્રથમ છ માસ દરમ્યાન કોઈ માફી ન મળે ત્યારપછીના માસથી દર મહિને ચાર દિવસની માફી મળે છે. આ સામાન્ય માફી ઉપરાંત જો કેદીને ચેતવણી સિવાયની કોઈ જેલ શિક્ષા થઈ ન હોય તો વર્ષે AGCR અર્થાત સારી ચાલ ચલગતની 30 દિવસની વાર્ષિક માફી મળવાપાત્ર છે. ઉપરાંત જેલ ઉદ્યોગમાં પૂર્ણવર્ધી મતલબ કૌશલ વર્ધક કામગીરી કરેલ હોય તો તેની માફી પણ અલગથી મળે છે. સ્પેશ્યલ માફીની પણ જોગવાઈ છે. જેનો અધિકાર ફક્ત જેલ અધિક્ષક અને જેલોના વડા પાસે છે. પેરોલના સમયમાં માફી ન મળે પરંતુ ફરલોના સમયગાળામાં માફી મળે છે. માફીની નોંધ રજીસ્ટર નંબર 6 માં કરવામાં આવે છે. જે રેમિશન રજીસ્ટર તરીકે ઓળખાય છે અગાઉ બ્લડ ડોનેશનની પણ માફી મળતી હતી પણ ત્યારબાદ નામદાર સુપ્રીમ કોર્ટના આદેશથી કેદીઓને બ્લડ ડોનેશન ઉપર મનાઈ આવી એટલે આ માફી પણ આપોઆપ રદ થઈ ગઈ બીજું જેમ કેદીઓ માટે માફીની જોગવાઈ છે. તેવી જ રીતે કેદી જેલ ગુન્હો કરે તો માફી કાપવાની પણ જોગવાઈ છે. આમ જેલમાં સારી કામગીરી માટે માફીનો લાભ આપી થોડા વહેલા જેલ મુક્ત કરવામાં આવતા હોય છે.



