ડિલિવરી બોય બનીને આવેલી પોલીસે ભાવનગરથી ઝડપ્યા 2 ઠગ: રૂ.4.91 લાખની LIC કૌભાંડનો પર્દાફાશ

તા.30/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેર બી ડિવિઝન પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને છેતરપિંડીના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. LICની અનક્લેઇમ રકમ પચાવી પાડવાના ગુનામાં સંસડાયેલા બે શાતિર આરોપીઓને પકડવા માટે પોલીસે કુરિયર ડિલિવરી બોયનો વેશ ધારણ કર્યો હતો અને ભાવનગર ખાતેથી બંને આરોપીઓની સફળતાપૂર્વક ધરપકડ કરી છે. સરકારી કે વીમા કંપનીઓમાં પડી રહેલી અનક્લેઇમ રકમો પર નજર રાખીને છેતરપિંડી આચરતી ગેંગનો આ કિસ્સો છે. આરોપી નિલેશભાઇ ભોથાભાઈ ચુડાસમા અને વિપુલભાઈ રસીકભાઇ રાઠોડ આ બંનેએ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનમાં પડી રહેલી રૂ. 4.91 લાખની અનક્લેઇમ રકમ મેળવવા માટેનું મોટું ષડયંત્ર રચ્યું હતું. આ માટે તેઓએ બોગસ આધારકાર્ડ અને પાનકાર્ડ તૈયાર કર્યા હતા. બનાવટી અને ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરી બેંક એકાઉન્ટ તેમજ કાગળો રજૂ કર્યા હતા. મૂળ પોલિસી ધારક દિવ્યાંગ જનાર્દન ઉપાધ્યાયના નામે ગેરકાયદેસર રીતે રકમ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબત ધ્યાને આવતાં સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આરોપીઓ અત્યંત ચાલાક હોવાથી પોતાનું લોકેશન સતત બદલતા હતા અને પોલીસથી બચવા માટે સાવચેતી રાખતા હતા. સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપીઓ ભાવનગરમાં છુપાયેલા છે. આરોપીઓને શંકા ન જાય તે માટે પોલીસે અનોખી વ્યૂહરચના બનાવી. પોલીસ ટીમના જવાનોએ કુરિયર ડિલિવરી બોયનો વેશ ધારણ કર્યો અને કોઈ પાર્સલ આપવાના બહાને આરોપીઓ સુધી પહોંચ્યા હતા. જેવા આરોપીઓ કુરિયર લેવા માટે સામે આવ્યા કે તુરંત જ વોચમાં રહેલી પોલીસે બંનેને ઘેરી લઈને ઝડપી પાડ્યા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓએ માત્ર સુરેન્દ્રનગરમાં જ નહીં, પરંતુ અન્ય સ્થળોએ પણ આ જ મોડસ ઓપરેન્ડીથી બોગસ દસ્તાવેજોના આધારે છેતરપિંડી આચરી છે. હાલમાં સુરેન્દ્રનગર પોલીસે બંને આરોપીઓને અદાલતમાં રજૂ કરી પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન આરોપીઓએ અન્ય કઈ કઈ જગ્યાએ આવી છેતરપિંડી કરી છે અને આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.


