સુરેન્દ્રનગર ‘૧૮૧ અભયમ’ અને પોલીસની ત્વરિત કામગીરીથી રેલવે ટ્રેક પરથી માનસિક અસ્થિર મહિલાનું સકુશળ રેસ્ક્યુ
જાગૃત નાગરિકની સમયસૂચકતા અને ‘૧૮૧ અભયમ’, ૧૧૨ તથા પોલીસ તંત્રની ત્વરિત કામગીરીથી સંભવિત દુર્ઘટના ટળી

તા.10/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
જાગૃત નાગરિકની સમયસૂચકતા અને ‘૧૮૧ અભયમ’, ૧૧૨ તથા પોલીસ તંત્રની ત્વરિત કામગીરીથી સંભવિત દુર્ઘટના ટળી, મુશ્કેલીમાં મુકાયેલી મહિલાને તાત્કાલિક મદદ મળી રહે અને કોઈપણ અસહાય મહિલાનું જીવન જોખમમાં ન મુકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા કાર્યરત કરવામાં આવેલી ‘૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન’ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સતત સંવેદનશીલ અને ત્વરિત કામગીરી કરી રહી છે. આવી જ એક સાહસિક અને સંવેદનશીલ કામગીરીમાં, ગેટ સ્ટેશન નજીક રેલવેના પાટા પાસે જોખમી સ્થિતિમાં બેઠેલી માનસિક રીતે અસ્થિર મહિલાને ૧૮૧ અભયમ ટીમે સમયસર રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડી હતી. ત્યારબાદ જરૂરી કાઉન્સિલિંગ અને સંભાળની કામગીરી સાથે મહિલાને શિવાલય સેન્ટર હોમ ખાતે આશ્રય અપાવવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની શરૂઆત એક જાગૃત નાગરિકની સમય સૂચકતાથી થઈ હતી. ગેટ સ્ટેશન નજીક રેલવેના પાટા પાસે એક મહિલા બેઠેલા હતા અને વારંવાર ટ્રેન પસાર થવા છતાં તેઓ ત્યાંથી ખસતા ન હતા. મહિલાની આ જોખમી સ્થિતિ જોઈને જાગૃત નાગરિકે તાત્કાલિક ૧૮૧ અભયમ હેલ્પલાઈન પર કોલ કરીને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા સમજીને ૧૮૧ અભયમ ટીમની સાથે ૧૧૨ ઈમરજન્સી સેવા અને સ્થાનિક PCR વાનનો સ્ટાફ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. સુરેન્દ્રનગર અભયમ ટીમના કાઉન્સિલર વૈશાલીબેન મકવાણાના જણાવ્યા અનુસાર, મહિલા બોલી શકતા હતા, પરંતુ માનસિક અસ્થિરતાના કારણે તેઓ શું બોલે છે તેનું તેમને ભાન ન હતું. તેઓ પોતાનું નામ, સરનામું કે પરિવારજનો અંગે કોઈ માહિતી આપી શકવાની સ્થિતિમાં ન હતા. અભયમ ટીમ તથા સ્થળ પર હાજર પોલીસ સ્ટાફે ધીરજ અને સંવેદનશીલતા સાથે મહિલાનું કાઉન્સિલિંગ કરીને તેમને રેલવેના પાટા પરથી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. મહિલાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમના સુરક્ષિત આશ્રય અને પુનર્વસન માટે શિવાલય સેન્ટર હોમના પ્રમુખ નીતાબેનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આશરે ૩૦ ટકા જેટલી માનસિક અસ્થિરતા ધરાવતા અને અસ્વચ્છ હાલતમાં રહેલાં આ મહિલાને શિવાલય સેન્ટર હોમ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને સ્નાન કરાવીને સ્વચ્છ વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા તેમજ ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું. પરિવાર વિહોણી અને અસહાય મહિલાઓની નિઃસ્વાર્થ સેવા માટે કાર્યરત શિવાલય સેન્ટર હોમ ખાતે તેમને સુરક્ષિત આશ્રય અને જરૂરી સંભાળ આપવામાં આવી રહી છે. મહિલાઓની સુરક્ષા, સંરક્ષણ અને કલ્યાણ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્તરે સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ‘૧૮૧ અભયમ’ જેવી હેલ્પલાઈન દ્વારા મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને તાત્કાલિક સહાય, કાઉન્સિલિંગ, રેસ્ક્યુ, પોલીસ સહાય તથા જરૂરિયાત મુજબ સુરક્ષિત આશ્રય અને પુનર્વસન સાથે જોડવામાં આવે છે. વિવિધ સરકારી સેવાઓ અને સંબંધિત સંસ્થાઓ વચ્ચેના સંકલન દ્વારા મહિલાઓને સમયસર સુરક્ષા અને જરૂરી સહાય મળી રહે તે માટે તંત્ર સતત કાર્યરત છે. આ ઘટનામાં જાગૃત નાગરિકની સમયસૂચકતા, ૧૮૧ અભયમ ટીમની ત્વરિત કામગીરી, ૧૧૨ ઈમરજન્સી સેવા, પોલીસ તંત્ર તથા શિવાલય સેન્ટર હોમ વચ્ચેનું સંકલન એક અસહાય મહિલાનું જીવન બચાવવામાં નિર્ણાયક બન્યું છે. રાજ્ય સરકારની સંવેદનશીલ કામગીરી અને સમાજની જાગૃતિનો આ સમન્વય મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને સુરક્ષા અને સન્માનપૂર્ણ જીવન આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.




