વઢવાણના નગરા ગામે વોંકળામાં નહાવા પડેલા 4 યુવકોના ડૂબી જવાથી કરુણ મોત

તા.08/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલા નગરા ગામે આજે એક કાળજું કંપાવી દે તેવી દુઃખદ ઘટના સામે આવી છે. ગામ નજીક આવેલા વોંકળાના પાણીમાં નહાવા ગયેલા ચાર યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ચારેયના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. રોજગારી મેળવવા વતન છોડીને આવેલા આશાસ્પદ યુવાનોના અકાળે અવસાનથી સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે પાણીના ઊંડાણનો અંદાજ ન રહ્યો મળતી માહિતી મુજબ, મૃતક યુવકો મૂળ રાજસ્થાનના રહેવાસી હતા અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી એક સોલાર કંપનીમાં મજૂરી કામ અર્થે આવ્યા હતા. આજે તેઓ વઢવાણ તાલુકાના નગરા ગામ નજીકથી પસાર થતાં વોંકળામાં નહાવા માટે ગયા હતા. નહાતી વખતે પાણીના ઊંડાણનો યોગ્ય અંદાજ ન રહેવાના કારણે એક પછી એક ચારેય યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા અને જોતજોતામાં ડૂબી ગયા હતા. દુર્ઘટના અંગેની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને ગામના અનુભવી તરવૈયાઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તરવૈયાઓએ પાણીમાં ઝંપલાવીને ભારે જહેમત બાદ ચારેય યુવકોના નિશ્ચેતન દેહને બહાર કાઢ્યા હતા, પરંતુ તે પહેલાં જ ચારેયના શ્વાસ થંભી ચૂક્યા હતા. મૃતકો મોહનલાલ જાટ રાજસ્થાની તથા જીવારામ જાટ તથા રમેશકુમાર જાટ તથા ફુશારામ જાટ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા એએસપી વેદિકા બિહાની તથા નાયબ મુખ્ય દંડક જગદીશભાઇ મકવાણા તથા વઢવાણ નાયબ કલેક્ટર મેહુલ ભરવાડ, એમ સહિત કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ચારેય મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા છે. આ અંગે રાજસ્થાન સ્થિત તેમના પરિવારજનોને જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. રોજી-રોટી કમાવવા આવેલા ચાર-ચાર યુવાનોના એકસાથે કરુણ મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે.



