GUJARATKUTCHMUNDRA

TAT-HS ના ઉમેદવારો માટે આજથી હોલ ટિકિટ ડાઉનલોડ થશે: કચ્છના ઉમેદવારોને ફરી ૪૦૦ કિમી દૂર પરીક્ષા કેન્દ્ર ફાળવાશે તેની ચિંતા

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

TAT-HS ના ઉમેદવારો માટે આજથી હોલ ટિકિટ ડાઉનલોડ થશે: કચ્છના ઉમેદવારોને ફરી ૪૦૦ કિમી દૂર પરીક્ષા કેન્દ્ર ફાળવાશે તેની ચિંતા

મુંદરા, તા. 1:
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવનારી શિક્ષક અભિરૂચિ કસોટી (TAT-Higher Secondary) ૨૦૨૬ માટેની હોલ ટિકિટ આજ રોજ તારીખ ૦૧/૦૪/૨૦૨૬ના બપોરે ૨:૦૦ કલાકથી ઓનલાઇન ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. આગામી ૧૨મી એપ્રિલના રોજ યોજાનારી આ મહત્વની પરીક્ષા પૂર્વે જ કચ્છના હજારો ઉમેદવારોમાં પરીક્ષા કેન્દ્રને લઈને ચિંતાના વાદળો છવાયા છે.
અગાઉની પરીક્ષાઓનો અનુભવ જોતા કચ્છના ઉમેદવારોને વારંવાર ૪૦૦ કિલોમીટર દૂર અમદાવાદ કે અન્ય શહેરોમાં પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવે છે. છેવાડાના જિલ્લા તરીકે ઓળખાતા કચ્છમાંથી અનેક મહિલા ઉમેદવારો અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે આટલા લાંબા અંતરની મુસાફરી કરવી શારીરિક અને આર્થિક રીતે કપરી સાબિત થાય છે.
કચ્છમાં પરીક્ષા કેન્દ્ર લાવવા માટે સ્થાનિક કક્ષાએથી કોઈ મજબૂત રજૂઆત કે દબાણ ઉભું કરવામાં નેતાગીરી નિષ્ફળ રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. શિક્ષિત યુવાનોની આ પાયાની જરૂરિયાત પ્રત્યે રાજકીય સક્ષમતાના અભાવે દર વખતે કચ્છના ઉમેદવારોએ અન્ય જિલ્લાઓમાં ધક્કા ખાવા પડે છે.
આજે બપોરથી જ્યારે ઉમેદવારો http://ojas.gujarat.gov.in અથવા http://www.sebexam.org પરથી પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરશે ત્યારે સ્પષ્ટ થશે કે આ વખતે કચ્છના ઉમેદવારોને પોતાના જ જિલ્લામાં કેન્દ્ર મળ્યું છે કે પછી ફરી એકવાર “અમદાવાદ” સુધી લાંબા થવું પડશે. કચ્છના લોકપ્રતિનિધિઓની સક્ષમતા અને રજૂઆતની પરીક્ષાનું પરિણામ 2 વાગે જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે હોલ ટિકિટ તારીખ ૧૨/૦૪/૨૦૨૬ના બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારોએ વધુ વિગતો માટે સતત ઓફિશિયલ વેબસાઈટ જોતા રહેવા પરીક્ષા બોર્ડના અધ્યક્ષ પ્રકાશ કે. ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!