શિક્ષક એ જ સમાજનો સાચો દીપસ્તંભ “શ્રેષ્ઠ શિક્ષકો અને શાળાઓના સન્માનથી નવસારી જિલ્લામાં ભવ્ય શિક્ષકદિન ઉજવણી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

“ભારતનું ભવિષ્ય ઘડવાનું પવિત્ર કાર્ય શિક્ષકો કરે છે” – જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ
નવસારી જિલ્લામાં શિક્ષકદિનના પાવન અવસરને અવિસ્મરણીય બનાવવા માટે શ્રેષ્ઠ શિક્ષકો, શ્રેષ્ઠ શાળાઓ તેમજ સો ટકા પરિણામ મેળવનાર શાળાઓ અને શિક્ષકોનું ભવ્ય સન્માન સમારંભ યોજાયો હતો.

નવસારી જિલ્લાની બીલીમોરાની એલ.એમ.પી. હાઈસ્કૂલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈના અધ્યક્ષતા હેઠળ જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શીક્ષક પારિતોષિક સન્માન સમારોહ ૨૦૨૫ યોજાયો હતો. આ પ્રસંગે ગણદેવી તાલુકાના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ વિશિષ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આવનારું ભવિષ્ય ભારતનું છે અને ભારતને વિશ્વગુરુ બનાવવા માટે શિક્ષકોની અગત્યની ભૂમિકા છે. તેમણે વૈજ્ઞાનિક ક્રાંતિની વાત કરતાં શિક્ષણ ક્ષેત્રે નવીનતા અને સ્પર્ધાત્મક ભાવના વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
વિશિષ્ટ અતિથિ ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલે શ્રેષ્ઠ પરિણામ મેળવનાર શાળાઓ તથા શિક્ષકોને અભિનંદન પાઠવી અને આશા વ્યક્ત કરી હતી કે નવસારી જિલ્લાના તમામ શિક્ષકોના સંયુક્ત પ્રયાસોથી અહીંની દરેક શાળા શ્રેષ્ઠ શાળા બનશે.
સમારોહન પ્રારંભમાં નવસારી જિલ્લાના શિક્ષણાધિકારી શ્રી જયેશભાઈ સી. ચૌધરીના આવકાર સંબોધનથી થઈ હતી. તેમણે ઉપસ્થિત સૌ મહેમાનોને આવકારતા જણાવ્યું કે, શિક્ષકો એ સમાજના સાચા દીપસ્તંભ છે, જે વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ પાથરીને તેમને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જાય છે. તેમણે સન્માન પામનાર શિક્ષકો અને શાળાઓને દિલથી અભિનંદન પાઠવ્યા હતા.
આ તાલુકાકક્ષાએ નગરપ્રાથમિક કન્યાશાળા નં.૩, નવસારીની હેતલબેન એ. હિરાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લાકક્ષાએ પ્રાથમિકમાં સિસોદ્રા કન્યાશાળાની ડૉ. ફાલ્ગુનીબેન આર. રાઠોડ, માધ્યમિકમાં બી.બી. દેસાઈ હાઈસ્કૂલ દેગામની રીટાબેન વી. દાદાવાલા અને એચ. ટાટ આચાર્ય તરીકે અડદા પ્રાથમિક શાળાની સ્નેહલબેન પી. પરમારને શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર અપાયા હતા. તે જ રીતે શ્રેષ્ઠ શાળા તરીકે અંબિકા હાઈસ્કૂલ ગડત, વિદ્યાકિરણ હાઈસ્કૂલ ઉનાઈ તથા મિયાંઝરી પ્રાથમિક શાળાનું સન્માન કરવામાં આવ્યું હતું.
બોર્ડની પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પ્રદાન કરનાર શાળાઓને પણ આ પ્રસંગે સન્માનિત કર્યા હતા જેમાં એસ.એસ.સી.માં ૪૩, એચ.એસ.સી. સામાન્ય પ્રવાહમાં ૬૨ અને એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહમાં ૬ શાળાઓ એમ કુલ ૧૧૧ શાળાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તે જ રીતે પોતાના વિષયમાં ૧૦૦ ટકા પરિણામ આપનારા એસ.એસ.સી.ના ૧૦૮, ધો. ૧૨ સામાન્ય પ્રવાહના ૩૫૦ તથા વિજ્ઞાન પ્રવાહના ૫૦ શિક્ષકોને પણ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ સન્માન સમારોહ કાર્યક્રમ માત્ર સન્માન સમારંભ જ નહોતો, પરંતુ શિક્ષકો પ્રત્યેના આભાર અને કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરતો એક અવિસ્મરણીય પ્રસંગ બની રહ્યો હતો.
આ સન્માન સમારોહ કાર્યક્રમમાં બીલીમોરા નગરપાલિકાના પ્રમુખ મનીષભાઈ પટેલ, ગણદેવી તાલુકા પંચાયત પ્રમુખ પ્રશાંતભાઈ શાહ, બીલીમોરા વિભાગ કેળવણી મંડળ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભરતભાઈ અમીન, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નવીનભાઈ પટેલ, શિક્ષણ સંઘોના હોદ્દેદારો તેમજ જિલ્લાના અનેક શિક્ષણપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.



