વાવ – થરાદ જિલ્લાના દેલનકોટ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ૭૭માં વન મહોત્સવની ઉજવણી કરાઈ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

વાવ-થરાદ જિલ્લાના દેલનકોટ ખાતે આવેલા જય સંભુગીરી બાપુના ધોરા ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ૭૭મા વન મહોત્સવની ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણ સંરક્ષણ અને જિલ્લામાં હરિયાળી વિસ્તાર વધારવાના સંકલ્પ સાથે યોજાયેલા આ વન મહોત્સવમાં ગામના ૨૨૬ દંપતીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષોનું વાવેતર કરી પ્રકૃતિ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યનો સંદેશ આપવામાં આવ્યો હતો.ઉપરાંત, અધ્યક્ષ શ્રી અને મંત્રીશ્રીના વરદ હસ્તે લોકજાગૃતિ અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ જન-જન સુધી પહોંચાડવા ‘વૃક્ષ રથ’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુરુ શ્રી સંભુગીરીની પાવન ધરતી અને નવનિર્મિત વાવ-થરાદ જિલ્લામાં પ્રથમ વખત જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાઈ રહ્યો છે, તે આપણા સૌ માટે આનંદ અને ગૌરવની વાત છે. આ કાર્યક્રમને હું રૂડો કાર્યક્રમ એટલા માટે કહું છું કે તેમાં પ્રજા અને વનીકરણ વિભાગનો સમન્વય જોવા મળી રહ્યો છે. લોકોને વૃક્ષો સાથે જોડવાનું અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનું કાર્ય બદલ વનીકરણ વિભાગને ધન્યવાદ આપું છું. વાવ-થરાદના નગરજનો અને ગ્રામજનોમાં વૃક્ષો પ્રત્યેનો પ્રેમ અને લાગણી આજે સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. આ કાર્યક્રમમાં ગામલોકોની સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ જોડાયા છે. વૃક્ષોને લક્ષ્મી-નારાયણના સ્વરૂપે વાવીને તેનું જતન કરવાની ભાવના નવી પેઢીમાં વિકસે તે ખૂબ જ જરૂરી છે.
અધ્યક્ષ શ્રીએ જણાવ્યું કે, ભવિષ્યમાં જ્યારે નવી પેઢી સંભુગીરીના દર્શન કરવા આવશે ત્યારે તેઓ કહી શકશે કે, “આ વૃક્ષો મારા મા-બાપ કે મારા દાદા-દાદીએ વાવ્યાં હતાં.” ભગવાન શ્રીકૃષ્ણે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે, “વૃક્ષોમાં હું પીપળો છું.” એટલે વૃક્ષોમાં પણ સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ જોવામાં આવ્યું છે. આદિકાળથી આપણી સંસ્કૃતિ, લોકકથાઓ અને પરંપરાઓમાં વૃક્ષોના મહત્વને વિશેષ સ્થાન મળ્યું છે. કોરોનાના સમયગાળામાં આપણે સૌએ ઓક્સિજનનું મહત્વ અનુભવ્યું છે. ઓક્સિજન વિના જીવન કેટલું મુશ્કેલ બની શકે છે તેનો અનુભવ સમગ્ર માનવજાતે કર્યો છે. તેથી આજે આપણે જે પૃથ્વી અને પ્રકૃતિનો લાભ લઈ રહ્યા છીએ, તે જ પ્રકૃતિને આવનારી પેઢી માટે વધુ સમૃદ્ધ બનાવીને જવાની આપણી સૌની જવાબદારી છે.
અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે, એક નાની શરૂઆત પણ મોટું પરિવર્તન લાવી શકે છે. પવિત્ર શ્રાવણ માસમાં આપણે ભગવાન શંકરને બીલીપત્ર અર્પણ કરીએ છીએ. જો બીલીપત્ર અર્પણ કરવાથી આટલો ભાવ અને લાભ મળે છે, તો વિચારો કે બીલીપત્રનું વૃક્ષ વાવીને તેનું જતન કરવામાં કેટલો મોટો લાભ થઈ શકે! વાવ-થરાદ જિલ્લો નવો જિલ્લો બન્યા બાદ અહીં વિકાસનાં કામો અવિરતપણે આગળ વધી રહ્યાં છે. નવો જિલ્લો અને નવો તાલુકો યુવાનની જેમ ઉત્સાહ અને ઊર્જા સાથે વિકાસના કાર્યમાં આગળ વધી રહ્યો છે તે આનંદની વાત છે. વિકાસ માટે સરકાર અને તંત્રની સાથે જનભાગીદારી પણ એટલી જ જરૂરી છે. તમારો જેટલો ઉત્સાહ હશે, તેના કરતાં સવાયો ઉત્સાહ મારી તરફથી રહેશે.વાવ-થરાદ જેવા વિસ્તારોમાં પાણીનું મહત્વ આપણે સૌ સારી રીતે સમજીએ છીએ. વિસ્તારનાં તળાવો ભરાય તેનું આયોજન થઇ રહ્યું છે.
આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે, પર્યાવરણ બચાવવું એટલે આપણી સંસ્કૃતિ અને આવનારી પેઢીનું રક્ષણ કરવું. પર્યાવરણ અને આપણી સંસ્કૃતિ એકબીજા સાથે જોડાયેલા છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં આપણે સૌ ઉત્સાહપૂર્વક જોડાઈએ અને વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવાનો સંકલ્પ કરીએ. પ્રકૃતિ, પર્યાવરણ અને પાણીનું સંરક્ષણ એ માત્ર સરકારની નહીં, પરંતુ સમાજના દરેક નાગરિકની સહિયારી જવાબદારી છે.
આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ, ઈ.ચા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.બી.ટાંક, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ચિંતન તેરૈયા, નિવાસી અધિક કલેકટરશ્રી તુષાર જાની, સામાજિક વનીકરણ વિભાગના વન સંરક્ષકશ્રી ડૉ. રેણુકાબેન દેસાઈ સહિત વન વિભાગના અધિકારી-કર્મચારીઓ, જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ, પોલીસ જવાનો, આગેવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા



