ગુજરાત વિધાનસભામાં ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી ઉજવણી
વિધાનસભામાં તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ, વિદ્યાર્થીઓએ પણ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: મહાગુજરાત આંદોલનના આગેવાન અને સ્વાતંત્ર્ય સેનાની ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતીના અવસરે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ ચેતન પંડ્યાએ વિધાનસભા પોડિયમ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી ઈન્દુલાલ યાજ્ઞિકને શ્રદ્ધાંજલિ આપી.
આ અવસરે વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને ડાંગ જિલ્લાના ગોટીયામાળ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પણ ઈન્દુલાલ યાજ્ઞિકને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
મહાગુજરાત આંદોલનના અગ્રણીઓમાં એક હતા ‘ઇન્દુચાચા’
ઈન્દુલાલ યાજ્ઞિક, જેમને પ્રેમથી ‘ઇન્દુચાચા’ તરીકે ઓળખવામાં આવતા, મહાગુજરાત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી અને આઝાદીની ચળવળમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. સાદગી અને નિઃસ્પૃહ જીવનશૈલી વરનાર આ લોકપ્રિય નેતા માત્ર રાજકારણમાં જ નહીં, પણ પત્રકાર અને સાહિત્યકાર તરીકે પણ પ્રખર હતા.
સાહિત્ય ક્ષેત્રે તેમના અસાધારણ પ્રદાન માટે તેમને નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇન્દુલાલ યાજ્ઞિકની દેશ અને સમાજ માટેની સમર્પિત સેવાને અનંત કાળ સુધી યાદ રાખવામાં આવશે.