
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – ટૂર દરમિયાન થયેલા વિવાદનો મામલો પોલીસ મથકે પહોંચ્યો, ડ્રાઇવરે ચાર સામે નોંધાવી ફરિયાદ
હિંમતનગરની એક ટ્રાવેલ્સમાં છેલ્લા દસ વર્ષથી ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા નરેશસિંહ સોમાજી મકવાણાએ ધનસુરા પોલીસ મથકે ચાર વ્યક્તિઓ સામે મારામારી, ધમકી અને હુમલાની ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, 1 જુલાઈ 2026ના રોજ તલોદથી શરૂ થયેલી 17 દિવસની ધાર્મિક યાત્રા દરમિયાન એક મહિલા મુસાફર ભાવનાબેન પટેલ સાથે બસના પડદાને લઈને બોલાચાલી થઈ હતી. ડ્રાઇવરના જણાવ્યા અનુસાર ત્યારબાદ સમગ્ર પ્રવાસ દરમિયાન મહિલા તેમની સાથે વારંવાર ઝઘડો અને ગાળો બોલતી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ, 17 જુલાઈના રોજ સવારે ધનસુરા ચાર રસ્તા પાસે મુસાફરોને ઉતારતી વખતે ભાવનાબેન પટેલ, તેમના ભાઈ, પુત્ર અને પુત્રી હનીબેન ત્યાં આવ્યા હતા. ચારેયે મળીને પ્રવાસ દરમિયાન મહિલાને હેરાન કર્યાનો આક્ષેપ કરી ડ્રાઇવર સાથે બોલાચાલી કરી હતી.
આક્ષેપ મુજબ, મહિલા ના ભાઈ અને પુત્રે લોખંડના સળીયા જેવી વસ્તુ વડે ડ્રાઇવરના માથા અને મોઢાના ભાગે હુમલો કર્યો હતો તેમજ લાત-મુક્કાનો માર માર્યો હતો. દરમિયાન અન્ય મુસાફરોએ વચ્ચે પડી વધુ મારમાંથી છોડાવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સાથે જ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.ઘટના બાદ ડ્રાઇવરને પ્રાથમિક સારવાર માટે તલોદ લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર પૂર્ણ થયા બાદ ડ્રાઇવરે ધનસુરા પોલીસ મથકે ચારેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે.પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





