GUJARAT

ડાંગ જિલ્લાનાં આહવાથી મહાલ-બરડીપાડાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગની હાલત અત્યંત બિસ્માર..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

પેટા:-ડાંગ જિલ્લાનો આહવા-મહાલ-બરડીપાડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ વરસાદી માહોલમાં અસરગ્રસ્ત બન્યો હોવા છતાંય રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગનાં અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં..   પેટા:-ડાંગ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નામ મોટુ પરંતુ રાઉન્ડ ધ કલોકની કામગીરીમાં ઝીરો રહેતા આ વિભાગનાં કાન કોણ આમળશે તેના પર સવાલ..

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ જામી છે.તેવામાં ગતરોજ બુધવારે ભારે વરસાદનાં પગલે ડાંગ જિલ્લાના આહવાથી મહાલ-બરડીપાડાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે,જેના કારણે વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ચોમાસાની શરૂઆત થતા જ આ માર્ગ પર ઠેર ઠેર માટીનો મલબો અને પથ્થરો ધસી પડ્યા છે, તેમ છતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી રહી નથી,જાણે કે તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવી પ્રતીતિ થઈ રહી છે! આહવાથી મહાલ અને બરડીપાડા તરફ જતા આ મહત્વનાં માર્ગ પર અનેક સ્થળોએ મોટા ગાબડા પડી ગયા છે.તેમજ માર્ગની સાઈડ ધોવાઈ ગઈ છે.સાથે મહાલ એકલવ્ય સ્કૂલ નજીકનાં માર્ગમાં કોઝવેનાં એપ્રોચ પર પણ ગાબડું પડી ગયુ છે.અહી વરસાદી પાણી ભરાતા આ ગાબડાઓ કાદવ-કીચડથી ભરાઈ જાય છે, જેના કારણે રસ્તો પસાર કરવો અત્યંત જોખમી બની ગયો છે.ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવુ જીવના જોખમ સમાન છે.આ રાષ્ટ્રીયમાર્ગની દયનીય હાલતને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે.આ રાષ્ટ્રીય માર્ગ પરથી દરરોજ કેટલાય વાહનો પસાર થાય છે.ડાંગ જેવા આદિવાસી બહુલ જિલ્લામાં આ માર્ગ કનેક્ટિવિટી માટે ખૂબ જ મહત્વનો છે. તેમ છતાં તેની જાળવણી પ્રત્યે સત્તાધીશો ઉદાસીનતા દાખવે એ આશ્ચર્યજનક બાબત છે.રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં ગતરોજ ઠેરઠેર ધસી પડેલી માટી અને મલબો તથા પથ્થરો બીજા દિવસે પણ ન હટાવતા આ માર્ગ ધની ધોરી વગરનો અથવા  “અનાથ” હોય તેમ લાગી રહ્યુ છે.આ માર્ગમાં સમસ્યાઓના કારણે વાહનચાલકોને લાંબો સમય ફસાઈ રહેવુ પડે છે. તેમ છતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં જવાબદાર અધિકારીઓ  દ્વારા  કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી.સાથે વરસાદી માહોલમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં અધિકારીઓ આ માર્ગની વિઝીટ પણ કરતા નથી.જેથી આ માર્ગ વાહનચાલકો માટે ધમધમતો નહી પરંતુ “ધબા”સમાન સાબિત થઈ રહ્યો છે.જેથી તાત્કાલિક ધોરણે આ માર્ગનું સમારકામ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મોટા અકસ્માતો સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.ડાંગ જિલ્લા વહીવટી તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી વિભાગ આ ગંભીર સમસ્યા પ્રત્યે ધ્યાન આપી વહેલી તકે માર્ગનું સમારકામ સહીત માટી મલબો અને ભેખડો ખસેડે તેવી લોક માંગ ઉઠવા પામી છે..

Back to top button
error: Content is protected !!