ભરુચમાં માનવ અંગો મળવાનો મામલો:ચાર દિવસ બાદ મૃતકની ઓળખ થઇ, ત્રણ દિવસમાં શરીરના ચાર ટુકડા મળ્યા હતા
સમીર પટેલ, ભરૂચ
ભરૂચમાં 29 માર્ચના શનિવારના રોજ ભોલાવ GIDCની ગટરમાંથી એક અજાણ્યા વ્યક્તિનું કપાયેલું ગળું મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. આ મામલે ભરૂચ સી ડિવીઝન પોલીસે અલગ અલગ ટીમો બનાવી મૃતકની શોધખોળ આરંભી હતી, તે દરમીયાન બીજા દિવસે (રવિવારે) તેમાંથી થોડેક આગળ તેનું કમરથી ઘૂંટણ સુધીનો ભાગ મળ્યો હતો. ત્યારબાદ સોમવારે પણ બંને હાથ પણ મળી આવ્યા હતા. પોલીસ હજી તેના છાતી અને પગના અવયવોની તપાસ ચલાવી રહી છે. ત્યારે આજે મૃતક કોણ છે તેની ઓળખ થવા પામી છે.
મૃતક સચિન ચૌહાણ હોવાનો ખુલાસો થયો
પોલીસમાંથી મળતી માહિતી મુજબ મૃતક ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલા વેદાંત સોસાયટીમાં રહેતો 34 વર્ષીય સચિનકુમાર પ્રવિણસિંહ ચૌહાણ હોવાનું ખુલ્યું છે. જેમાં જાણવા મળતી માહિતી મુજબ ગઇ તા-28 મી ફેબ્રુઆરીના 25ના રોજ સચિન ચૌહાણ તથા તેની પત્ની અને પુત્ર સાથે હોળીના તહેવાર કરવા માટે વતનમાં ગયા હતા. ત્યારબાદ પત્ની અને બાળકને ત્યાં મુકીને 6 માર્ચ 2025ના રોજ પરત ભરૂચ ખાતે આવ્યો હતો.
સચિનના ભાઇએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી
આ બાદ 23મી માર્ચ 25ના સાંજના આઠ વાગે સચિને તેની પત્નીને ફોન કરીને તેમને લેવા જવાની વાત કરી હતી. ત્યારબાદ સચિનનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. જેથી સચીનના ભાઈએ 28મી માર્ચ 2025ના રોજ ભરૂચ આવીને તપાસ કરતા તેના ઘરે તાળું મળી આવ્યું હતું. ત્યારબાદ તેણે ભરૂચ બસ સ્ટેશન, ભરૂચ રેલ્વે સ્ટેશન, સિવિલ હોસ્પિટલ, ઝાડેશ્વર, અંકલેશ્વર વિગેરે સ્થળો પર શોધ-ખોળ કરતા તેની કોઇ હકિકત મળી આવેલી ન હોવાથી અમારા સગાં-સબંધીઓને ફોન કરી પુછપરછ કરી હતી. જોકે, ક્યાય ભાઈની કોઈ ભાળ મળી આવી ન હોય સચીનના નાના ભાઈ મોહિતે તેના ભાઈની ગુમ થવાની ફરિયાદ એ ડીવીઝનમાં નોંધાવી હતી. જોકે આ સચિન ચૌહાણની મૃતક તરીકે ઓળખ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ભરૂચ સી ડિવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસને ગુમરાહ કરવા અંગો અલગ-અલગ સ્થળે નાખ્યાં હોવાનું અનુમાન
ભરૂચની દૂધધારા ડેરી પાસેથી ભોલાવ GIDC તરફ જતી વરસાદી કાંસની ગટરમાં શનિવારે એક શખ્સનું ગળેથી કપાયેલું માથું શ્વાન ખેંચી લાવતાં ભારે ચકચાર મચી ગઈ હતી. જે બાદ રવિવારે તેનાથી 300 મીટર દૂર તે જ વરસાદી કાંસની ગટરમાંથી કમરથી ઘૂંટણ સુધીનો ભાગ ભેરલી એક પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી. આ બાદ રવિવારની સાંજના ભોલાવ GIDCની સામે આવેલા સેઝ 2ની ગટરમાંથી મૃતકનો જમણો હાથ મળી આવ્યો હતો. જ્યારે ગઇકાલે સોમવારની સવારે પણ ત્યાંથી જ કાળી થેલીમાં મૃતકના ડાબા હાથનો ભાગ મળી આવ્યો હતો. જેના કારણે પ્રાથમિક દ્દષ્ટિએ માલૂમ પડે છે કે, કોઈએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી પોલીસને ગુમરાહ કરવા તેના શરીરનાં અંગો કાપી અલગ-અલગ સ્થળે નાખ્યા હોવાનું લાગી રહ્યું છે.