ગોધરા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૧ માં વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ
એક પૃથ્વી - એક સ્વાસ્થ્ય" માટે યોગ અને "મેદસ્વિતા મુક્ત ગુજરાત" થીમ હેઠળ
પંચમહાલ,
નિલેશભાઈ દરજી શહેરા
પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી “યોગ”ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧ મી જૂનના દિવસને “વિશ્વ યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત આજે ૧૧ માં વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રેણુકાબેન ડાયરાની પ્રેરક ઉપસ્થિતિમાં પંચમહાલના ગોધરા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે “એક પૃથ્વી- એક સ્વાસ્થ્ય’’ માટે યોગ અને “મેદસ્વિતા મુક્ત ગુજરાત” થીમ આધારીત ૧૧ માં આંતરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રેણુકાબેન ડાયરાએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ યોગનું અનેરૂ મહત્વ સમજાવવામાં આવ્યું છે. આપણી આજની વર્તમાન સમયની ભાગદોડવાળી જીવનશૈલીમાં ઉદભવતી આરોગ્યલક્ષી સમસ્યાઓમાંથી આપણે જો છુટકારો મેળવવો હશે તો પ્રત્યેક વ્યક્તિએ યોગને અપનાવવો જ પડશે, તેમ જણાવી જિલ્લા પંચાયત પ્રમુખે ઉપસ્થિત સર્વેને યોગને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા જણાવ્યું હતુ.
વિશ્વ યોગ દિવસ નિમિત્તે વડાપ્રધાનશ્રી નરેંન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં વિશાખાપટ્ટનમ ખાતે યોજાયેલ રાષ્ટ્રીયકક્ષાની તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર્ભાઇ પટેલની અધ્યક્ષતામાં વડનગર ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની વિશ્વ યોગ દિવસની ઉજવણીની ઝાંખીનું જીવંત પ્રસારણ કાર્યક્રમ સ્થળે સૌએ નિહાળ્યુ હતુ.
કાર્યક્રમના પ્રારંભમાં પંચમહાલના નિવાસી અધિક કલેકટરશ્રી જે.જે.પટેલ એ ઉપસ્થિત સૌ મહાનુભાવો અને નાગરિકોનું શાબ્દિક સ્વાગત કર્યુ હતુ. તેમજ યોગના મહત્વ અને રોજિંદા જીવનમાં યોગથી થતા ફાયદાઓ વિશે જાણકારી આપી સૌને યોગને રોજબરોજના જીવનનું એક ભાગ બનાવવા જણાવ્યુ હતું.
આ ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગબોર્ડના ઝોન અને જિલ્લા કોઓર્ડીનેટર્સ દ્વારા ઉપસ્થિત સૌને યોગના ત્રણ મુખ્ય ભાગ એટલે કે સુક્ષ્મ વ્યાયામ, આસનો અને પ્રાણાયામની વિવિધ યોગક્રિયાઓ અંગે માહિતગાર કરી વિવિધ યોગાભ્યાસ કરાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજશ્રી, શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો.હરિભાઇ કટારીયા, ડી.સી.એફ.શ્રી પ્રિયંકાબેન ગેહલોત, પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી, નગરપાલિકા પ્રમુખશ્રી જયેશભાઇ, અગ્રણીશ્રી મયંકભાઇ દેસાઇ, પ્રાંત અધિકારીશ્રી નિરીલ મોદી, રમત ગમત અધિકારીશ્રી, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારીઓ, ગુજરાત રાજ્ય યોગબોર્ડના ઝોનના અને જિલ્લાના કોઓર્ડીનેટર્સ, યોગસાધકો, યોગટ્રેનરો તથા ગોધરાની વિવિધ શાળાઓના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા.