જિલ્લા કક્ષાના ૭૬માં પ્રજાસત્તાક પર્વની આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવી.
મૂકેશ પરમાર નસવાડી
છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકામાં ૭૬માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના અવસરે અન્ન, નાગરિક પુરવઠા, સામાજિક અને ન્યાય અધિકારીતાના રાજ્યમંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર દ્વારા ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપવામાં આવી હતી. મંત્રીશ્રીએ માર્ચ પાસનું નિરીક્ષણ કરી નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી ભીખુસિંહજીએ જણાવ્યું હતું કે, પ્રજાસત્તાક દિનના આ પાવન પર્વે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર નામી અનામી સ્વતંત્ર સેનાનીઓને હું કોટી કોટી નમન કરું છું. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ અને ડૉ.બાબા સાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરુષોથી માંડીને નાનામાં નાના નાગરિકોએ રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું છે. ગુજરાતના વિકાસની ગતિને એ5જી બજેટ ઓર તેજ કરશે. સુદ્રઢ જળ વ્યવસ્થાપન, વીજળી અને સક્ષમ ખેડૂતોએ આપણી અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે. ભાવિ પેઢીને સ્વસ્થ અને સશક્ત બનાવવા પ્રાકૃતિક કૃષિને વ્યાપક બનાવીએ. ગુજરાત રાજ્યની પહેલ લાઈવલી હુડમિશનના નેજા હેઠળ રાજ્યની મહિલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપીને ‘પ્રાકૃતિક કૃષિ સખી’ તૈયાર કરવાનું અભિયાન શરૂ કરાયું છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, સાચું ભારત ગામડામાં વસે છે, તેનો વિકાસ થાય તો સમૃદ્ધિને ચાર ચાંદ લાગી જાય. રાજ્ય સરકાર આત્મા ગામડાનો, સુવિધા શહેરની ધ્યેયમંત્ર સાથે ગ્રામ્ય વિકાસને નવી દિશા આપે છે. પહેલું સુખ તે જાતે નર્યા ઉત્તમ સ્વાસ્થ્ય ધરાવતા લોકો દેશ અને રાજ્ય માટે સાચી મૂડી સમાન છે. સ્વસ્થ સમાજ દ્વારા સમૃદ્ધ સમાજનું નિર્માણ શક્ય છે,રાજ્ય સરકારે આરોગ્ય સેવાઓને અગ્રીમતા આપી છે.સ્વચ્છ સુરક્ષિત અને સુશિક્ષિત નારીઓ સામાજિક વિકાસમાં અમૂલ્ય યોગદાન આપે છે તેથી જ ગુજરાત સરકારે કન્યા કેળવણી પર ભાર મૂક્યો છે. પવન ઊર્જા અને સૂર્ય ઊર્જાના ઉત્પાદનમાં ગુજરાત દેશનું અગ્રણી રાજ્ય બની રહ્યું છે. જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાતે પાણીદાર આયોજન કર્યું છે. ગુજરાતમાં જળ ક્રાંતિ રાજ્યની નારી શક્તિ અને અન્નદાતા ગુજરાત સરકારની કટિબદ્ધતા દર્શાવે છે.વિદ્યાર્થીઓના આરોગ્ય તપાસ બાદ ડિજિટલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવનાર ગુજરાત દેશભરમાં એક માત્ર રાજ્ય બન્યું છે. શિક્ષિત ગુજરાત વિકસિત ગુજરાત એ ગુજરાત સરકારનો સંકલ્પ છે.રાજ્યમાં શ્રમિકોના આરોગ્યનું પણ ધ્યાન રાખી રાજ્યમાં શ્રમિકોની પ્રાથમિક આરોગ્ય તપાસ માટે ધનવંતરી આરોગ્ય રથ કાર્યરત છે. ખેતીમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી ડ્રોન દ્વારા ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની તાલીમ આપી મહિલા સશકિતકરણ ક્ષેત્રે ગુજરાતમાં મહિલાઓને આવરી લેતા ત્રણ લાખ જેટલા સ્વસહાય જૂથો કાર્યરત છે. ગુજરાત પોલીસે નાગરિક કેન્દ્રિત અભિગમ અપનાવી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત બે વર્ષમાં રૂ.૧૮૦ કરોડથી વધુ કિંમતનો મુદ્દા માલ માલિકોને પરત કર્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.
પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે વિવિધ શાળાના વિદ્યાર્થીઓની સાંસ્કૃતિક કૃતિઓ, લોકવાધ્યો માંદળ, થાળ, સરણાઇ, રામ ઢોલ, ઘાંધણી, પિહો અને ટીમલીની ઝલક સૌએ નિહાળી હતી. મંત્રીશ્રીના હસ્તે વિવિધ વિભાગોમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કરાયું હતું. મંત્રીશ્રીએ જેતપુરપાવી તાલુકાના વિકાસ માટે રૂા.૨૫ લાખનો ચેક તાલુકા વિકાસ અધિકારી જેતપુરપાવીને અર્પણ કર્યો હતો. આ ઉપરાંત તમામ મહાનુભાવોએ કાર્યક્રમના સ્થળે વૃક્ષારોપણ પણ કર્યુ હતું.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ મલકાબેન, સાંસદશ્રી જશુભાઇ રાઠવા, ધારાસભ્યશ્રીઓ રાજેન્દ્રસિંહ રાઠવા, અભેસિંહ તડવી, જયંતીભાઈ રાઠવા, જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલિયા, ઇ.જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ, ડી.આર.ડી.એ.ના નિયામકશ્રી, કે. ડી. ભગત, નિવાસી અધિક કલેકટરશ્રી શૈલેષ ગોકલાણી, મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ અગ્રવાલ, માજી સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારીઓ, પદાધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.