નઈમ દીવાન, વાગરા
મારુતિ વાન સેન્ડવીચ બનતા સહેજ રહી ગઈ! :- સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાગરા તાલુકાના પીપલીયા ગામ નજીક એક મોટી દુર્ઘટના થતા અટકી ગઈ હતી. બનાવ અંગે સૂત્રો થકી મળેલી માહિતી પ્રમાણે દેવરાજ લખેલો એક હાઈવા ડમ્પરનો ચાલક પોતાના કબ્જાનું માટી ભરેલ ડમ્પરને રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે હંકારી રહ્યો હતો. કોઈ અગમ્ય કારણોસર ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પર રોડની સાઈડમાં ખેતરમાં ધસી ગયો હતો. આ વેળાએ સામેથી આવતી મારુતિ વાનનો આબાદ બચાવ થયો હતો. ઘટના સમયે વાનમાં સવાર મુસાફરોના જીવ એ સમયે અઘ્ધર થઈ ગયા હતા. જો આ ડમ્પર વાનમાં ભટકાઈ જાત તો વાન સહિત અંદર સવાર મુસાફરોની કલ્પના ન કરી શકાય તેવી હાલત થાત. જોકે ડમ્પર રોડની સાઈડમાં ઉતરી જતા સદ્દનસીબે મોટી જાનહાની ટળી ગઈ હતી.
માર્ગ ઉપર માટેલા સાંઢની જેમ દોડતા હાઈવા ડમ્પરો જોખમકારક :- પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે હાઈવા ડમ્પરનો ચાલક નશામાં ધૂત હતો. અને તે માટેલા સાંઢની જેમ રોંગ સાઈડમાં બીજાની જિંદગી જોખમાય તે રીતે બેફામ વાહન હંકારી રહ્યો હતો. જો ડમ્પર ખેતર તરફ ન જય વાનમાં ભટકાઈ જાત તો વાનમાં સવાર તમામ મુસાફરોના પ્રાણ પંખીડા ઉડી જાત. સામેથી બેફામ ધસી આવતો ડમ્પરને જોઈ મારુતિ વાનમાં સવાર એક મુસાફરનું પ્રેસર વધી જવાને કારણે તેને સારવાર લેવાની પણ ફરજ પડી હોવાની માહિતી પણ સૂત્રો થકી પ્રાપ્ત થઈ હતી. જાણવા મળેલી માહિતી પ્રમાણે હાઈવા ડમ્પરના ચાલક પાસે દ્રાઇવિંગ લાઇસન્સ પણ ન હતું. જોકે ઘટનાની જાણ થતાંજ વાગરા પોલીસ પણ બનાવવાળી જગ્યાએ દોડી ગઈ હતી. અને હાઈવા ડમ્પરને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બેફામ દોડતા ડમ્પરો તેમજ ભુમાફિયાઓ ઉપર આખરે લગામ ક્યારે.? :- ઉલ્લેખનીય છે કે, વાગરા તાલુકામાં કુલ 4 જીઆઈડીસીને મંજૂરી મળ્યા બાદ સેંકડો ઉદ્યોગો સ્થપાયા છે. અને હજુ પણ અનેક ઉદ્યોગોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જેમાં પ્રિન્ટ લેવલ માટે માટીની જરૂર પડતી હોય ટેન્ડર પ્રક્રિયા કરી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. પરંતુ કંપની સંચાલકો અને ખનિજ માફીયાઓ ગેરકાયદેસર રીતે સરકારને ચૂનો ચોપડી માટી ચોરી કરી રહ્યા હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. ભૂતકાળમાં પણ આવા અનેક કેસોમાં ખાણખનીજ વિભાગે કાર્યવાહી કરી લાખોનો દંડ વસૂલ કર્યો છે. વર્તમનામાં પણ ખાણખનીજ હજુ તટસ્થતા પૂર્વક તપાસ કરે તો ઘણા ખનિજ માફીયાઓ માટી ચોરીમાં ઝડપાય શકે તેમ છે. મંજૂરી કરતા વધારે માટી ખોદી કાઢવી, ભૂગર્ભ જળ આવી જતા સુધી ખનન કરવું, રોયલ્ટી વિના માટી ભરી જવી અને વધુમાં ઓવર્લોડ હાઇવા ભરી કરોડો રૂપિયાની કમાણી કરી ખનિજ માફીયાઓ બેફામ ફાટી નીકળ્યા હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે. જેમાં ખાણ ખનિજ વિભાગ, વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર તપાસ કરે તો અનેક મોટા કૌભાંડ ઝડપાઈ શકે તેમ છે. ત્યારે તંત્ર દ્વારા આવા બેફામ દોડતા ડમ્પરો સામે કાયદાનો કોરડો જીંકી કડક કાર્યવાહી કરે તેવુ પંથકના જાગૃત નાગરિકો ઇચ્છી રહ્યા છે. નોંધનીય છે, કે થોડા સમય પહેલા ગેરકાયદે માટી ખનન કરતા તેમજ ઓવરલોડ વહન કરતા કેટલાક હાઈવા ડમ્પરને તંત્રએ ઝડપી પાડી દંડાત્મક કાર્યવાહી પણ કરી હતી. તેમ છતાં માફિયાઓ હમ નહીં સુધરેંગેની નીતિ સાર્થક કરવા લાગ્યા છે. ત્યારે ફરી તંત્ર દરોડા પાડી બેફામ બનેલા ખનીજ માફિયાઓને કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી બન્યું છે.