વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
દેશના પ્રધાનંત્રીશ્રી દ્વારા ગત તા.૧૫ મી નવેમ્બર, ૨૦૨૩ના રોજથી PM-JANMAN (પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન) જાહેર કરવામાં આવ્યું છે. જે અભિયાનના બિજા તબક્કામાં ડાંગ જિલ્લાના આદિમજૂથના પરીવારોને વિવિધ યોજનાકીય લાભો આપવામાં આવી રહ્યાં છે.
વડાપ્રધાનશ્રી દ્વારા ‘પીએમ જનમન અભિયાન’ હેઠળ આદિમજૂથના તમામ પરિવારોને સરકારશ્રીની વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરી, વિકાસની મુખ્ય ધારામા લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. ત્યારે ‘પીએમ જનમન અભિયાન’ અંતર્ગત ડાંગ જિલ્લાના આદિમજુથના કુટુંબોને પ્રાથમિક અને મૂળભુત સુવિધાઓ સહિત કલ્યાણકારી યોજનાઓ હેઠળ આવરીને, સમાજની મુખ્ય ધારામાં પ્રસ્થાપિત કરવાના ધ્યેયમંત્ર સાથે, કેન્દ્ર અને રાજ્ય સરકારે કમર કસી છે.
પીએમ જનમન અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લામાં આવેલ આદિમજૂથના પરીવારોને પાયાકીય સુવિધાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે.
ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ચિંચિનાગાવઠા ગામના રહેવાસી શ્રી સુકરભાઇ વેસ્તાભાઇ નાયકને ‘પીએમ જનમન આવાસ યોજના’ હેઠળ પોતિકા આવાસનો લાભ મળ્યો છે. જેમાં તેઓને રૂ. ૨ લાખ સુધીની સરકારી સહાય મળવા પામી છે. જેનાથી તેમણે હવે રહેવા માટે પાક્કું મકાન બનાવ્યું છે.
એક મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે, પહેલા તેઓ કાચા આવાસમાં રહેતાં હતાં. પરંતુ સરકારશ્રીના ‘પીએમ જનમન અભિયાન’ અંતર્ગત તેઓને આવાસનો લાભ મળતા, હવે તેઓ સહ પરિવાર પાકા ઘરમાં નિવાસ કરે છે. તેમને પાકુ મકાન મળવા બદલ તેઓએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
ચિંચિનાગાવઠા ગામના અન્ય એક રહેવાસી શ્રી સુરજ ગાવિત જણાવે છે કે, ‘પીએમ જનમન’ અભિયાન હેઠળ તેઓના ઘરમાં સરકાર દ્વારા વિજ કનેક્શનની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. સરકારની આ પહેલથી તેઓના ઘરમાં ઉજાશ આવ્યો છે, તેમ વધુમાં તેઓએ ઉમેર્યું હતું.
તેવી જ રીતે ડુંગરડા ગામના લાભાર્થી શ્રી નગીનભાઇ પુન્યાભાઇ જણાવે છે કે, તેઓને સરકારશ્રી દ્વારા, આવાસની સાથે વિજ કનેક્શન પણ આપવામાં આવ્યું છે. હવે પાકા આવાસની સાથે તેમના ઘરમાં અજવાસ પણ ફેલાયો છે.
આહવા ગામના રહેવાસી શ્રીમતી નિલાબેન જીગ્નેશ પવાર જણાવે છે કે, ‘પીએમ જનમન’ અભિયાન હેઠળ તેઓને ઉજ્જવલા યોજનાનો લાભ મળવા પામ્યો છે. પહલાં તેઓને લાકડાં લેવા માટે જંગલ જવુ પડતું હતું. જંગલમાં તેઓને પ્રાણીઓના ભય રહેતો તેમજ લાકડાંના ધુમાડાથી તેઓને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી. પરંતુ તંત્ર દ્વારા યોજવામાં આવેલ ‘પીએમ જનમન’ કેમ્પમાં તેઓને ઉજજ્વલા યોજનાનો લાભ મળ્યો જે અંતર્ગત તેઓને ગેસ કનેક્શન મળ્યું જેની ખુશી વ્યક્ત કરતાં તેઓએ જણાવ્યું હતુ કે હવે તેઓને ધુમાડાથી છુટકારો મળ્યો અને જંગલમાં જવુ નથી પડતું જે બદલ તેઓએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
તેવી જ રીતે શ્રી જીગ્નેશ પવારને પણ આ કેમ્પ દ્વ્રારા રેશન કાર્ડનો લાભ આપવામાં આવ્યો હતો. હવે તેઓને મફત રાશનનો લાભ મળી રહ્યો છે. આ જ ગામના અન્ય લાભાર્થી સુ.શ્રી રૂથલાબેન સાવળેને પણ ‘પીએમ જનમન’ અભિયાન હેઠળ જાતીનો દાખલો પ્રાપ્ત થયો હતો. તેઓએ પણ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં ૧૭ ગામોમાં રહેતા ૬૯૬ કુટુંબોના ૨૮૪૫ લક્ષિત લાભાર્થીઓ પૈકી આ આ અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટી તંત્રે ખૂબ જ ટૂંકાગાળામાં વિવિધ યોજનાઓના લાભોથી વંચિત રહી ગયેલા ૫૨ લાભાર્થીઓને આવાસ અને વિજળીની સુવિધા, ૩૧૫ લાભાર્થીઓને આધાર કાર્ડ, ૬ લાભાર્થીઓને પોએમ કિસાન સન્માન નિધિ, ૨૪ લોકોના જનધન ખાતા, ૨૫ વ્યક્તિઓને જાતિ પ્રમાણપત્રો, ૯ રેશનકાર્ડ, ૮ લોકોને પીએમ માતૃવંદના યોજના, ૧૭૬ આયુષમાન ભારત કાર્ડ આપી લાભાંવિત કર્યાં છે.