VALSAD: રાજ્યના ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ભિલાડ પેટા વિભાગીય કચેરીના મકાનનું લોકાર્પણ કરાયું
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
જિલ્લાના આરોગ્ય વિભાગ માટે રૂ.૭૧.૬૪ લાખના ખર્ચે કુલ ૪ એમ્બ્યુલન્સને મંત્રીશ્રી દેસાઈના વરદ હસ્તે લીલીઝંડી અપાઈ
પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ તા. ૧ એપ્રિલથી કનેક્શન ચાર્જ અને મીટર ચાર્જનો રૂ. ૩૦૦૦નો ખર્ચ ગુજરાત સરકાર પોતાના શિરે ઉપાડી રહી છે: મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
તા. ૫ એપ્રિલ: રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ ખાતે દમણગંગા સિંચાઈ ઓફિસની બાજુમાં રૂ. ૧ કરોડ ૭૬ લાખના ખર્ચે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની નવનિર્મિત ભિલાડ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, સાથે જ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીલીટી હેઠળ વલસાડ જિલ્લાના આરોગ્ય વિભાગ માટે રૂ.૭૧.૬૪ લાખના ખર્ચે કુલ ૪ એમ્બ્યુલન્સને મંત્રીશ્રી દેસાઈના વરદ હસ્તે લીલીઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છના ભૂકંપ બાદ સુદૃઢ વીજળીકરણ માળખું ઉભું કર્યું હતું. પહેલા લોકો કહેતા કે, રાતે જમતી વેળા વીજળી આપો પણ હવે ૨૪ કલાક વીજળી મળે છે. ખેડુતોને દિવસે પણ વીજળી મળે છે. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા બાદ દેશનું એકપણ ગામડું બાકી નથી રહ્યું કે, જ્યાં વીજળી પુરવઠો પહોંચ્યો ન હોય. પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ હવે તા. ૧ એપ્રિલ થી કનેક્શન ચાર્જ અને મીટર ચાર્જનો રૂ. ૩૦૦૦નો ખર્ચ ગુજરાત સરકાર પોતાના શિરે ઉપાડી રહી છે.
વિજ વપરાશ અંગે મંત્રીશ્રીએ કહ્યું કે, વર્ષ ૨૦૦૪માં ૭૦૦૦ મેગા વૉટ વીજ વપરાશની જરૂરિયાત હતી, જ્યારે આજે ૨૫૦૦૦ મેગા વૉટની જરૂરિયાત પહોંચી વળે છે. જે શહેર, ઉદ્યોગ અને ખેતી ક્ષેત્રેનો વિકાસ દર્શાવે છે. વધુમાં મંત્રીશ્રીએ ભારતમાં માથા દીઠ ૧૨૩૫ યુનિટનો વપરાશ થાય છે જેની સામે ગુજરાતમાં માથાદીઠ ૨૩૦૦ યુનિટ વપરાશ છે જે ગુજરાતની સમૃદ્ધિ દર્શાવે છે. જેની સામે ગુજરાતના ગ્રાહકો પણ સારા છે. વિજબીલ ભરવામાં દક્ષિણ ગુજરાતના ગ્રાહકો દેશમાં નંબર વન સ્થાન ધરાવે છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની સીએસઆર ફંડ હેઠળ પીએચસી, સીએચસી અને આંગણવાડીમાં અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે જે અભિનંદનને પાત્ર છે. આજે પણ ડીજીવીસીએલ એ પોતાના સીએસઆર ફંડમાંથી રૂ. ૭૧.૬૪ લાખ ફાળવી ચાર એમ્બ્યુલન્સ આપી છે જે જિલ્લાની આરોગ્ય સેવાને પણ મજબૂત બનાવશે.
ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, વાવાઝોડા સમયે દરિયાકિનારે પાંચ કિમિ સુધી અન્ડરગ્રાઉન્ડ વીજ લાઇન નાખવામાં આવી રહી છે. નવા મકાનો મળતા કર્મચારીઓની કાર્યક્ષમતામાં પણ વધારો થઈ રહ્યો છે. જેથી દક્ષિણ ગુજરાત વીજ કંપની ભારતમાં નંબર વન સ્થાને છે જે નાની વાત નથી. સરકારી આવાસોને મફત વીજળી મળી રહી છે. ભવિષ્યની ચિંતા કરી આગોતરું આયોજન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. વીજળીની સુવિધા મળતા જમીનના ભાવો પણ વધી રહ્યા છે. આ સાથે લોકોની સુખાકારી મળે તે માટે દરેક ગામના સરપંચોને સૂચના આપી કે, દરેક ફળિયા, દરેક શેરી સુધી સ્ટ્રીટ લાઇટની સુવિધા હોવી જોઈએ.
દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડિરેકટર શ્રી યોગેશ ચૌધરીએ જણાવ્યું કે, બીજા રાજ્યોમાં ૨૪ કલાક પણ વીજળી નથી મળતી પણ ગુજરાતમાં ૨૪ કલાક વીજળી મળી રહે છે સાથે ખેડુતોને દિવસે પણ વીજળી મળી રહે છે. ખુલ્લા વીજ તારને બદલે અન્ડરગ્રાઉન્ડ વીજ લાઇન નખાઇ રહી છે. નવી અદ્યતન સુવિધા સાથેની વીજ કચેરીથી કર્મચારીઓનો કામ કરવાનો ઉત્સાહ પણ વધે છે અને ગ્રાહકોને સુવિધા પણ મળી રહે છે. અધિકારી અને કર્મચારીઓને માર્ગદર્શન આપતા શ્રી ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, ગ્રાહક આપણને સામેથી કહે તેના બદલે આપણે સામેથી કહેવું જોઈએ કે, હું તમને શું મદદ કરી શકું. આપણે સામેથી ગ્રાહકને મદદ માટે પૂછવાની ભાવના કેળવવી પડશે.
સ્વાગત પ્રવચન વીજ કંપનીની સુરત કોર્પોરેટ ઓફિસના અધિક મુખ્ય ઈજનેર એમ.એમ.પટેલે કર્યું હતું જ્યારે આભારવિધિ વલસાડ વીજ કંપની અધિક્ષક ઈજનેર ડી.સી.માહલા એ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ભરત જાદવ, તાલુકા પંચાયત પ્રમુખ લલીતાબેન દુમાડા, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના માજી અધ્યક્ષ મુકેશ પટેલ, વાપી વીઆઈએના પ્રમુખ સતીશ પટેલ, પારડીના પ્રાંત અધિકારી નિરવ પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી એચ.પી.સિંઘ, મામલતદાર દલપત બ્રાહ્મણકચ્છ, તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાન્ત પઢીયાર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ભાડાના મકાનમાં કાર્યરત ભિલાડ પેટા વિભાગીય કચેરી હવે ૪૨૭ ચો.મી. બિલ્ટઅપ એરિયા સાથે ગ્રાઉન્ડ + ફર્સ્ટ ફ્લોર વાળી અદ્યતન નવીન કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેથી ઉમરગામ તાલુકાના વીજ ગ્રાહકોને અદ્યતન સુખ સુવિધા સાથેની ઓફિસ મળશે અને વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવાઓ પ્રાપ્ત થશે. ડીજીવીસીએલ દ્વારા સીએસઆર ફંડ હેઠળ ફાળવાયેલી ચાર એમ્બ્યુલન્સ રોહિણા સીએચસી, ભદેલી પીએચસી, લવકર પીએચસી અને ભિલાડ સીએચસીને ફાળવવામાં આવી હતી. જેના કારણે આ આરોગ્ય કેન્દ્રોની આસપાસના ગામના લોકોને વધુ ઝડપથી તબીબી સેવાઓ મળતી થશે.