DHARAMPURGUJARATVALSAD

વલસાડ: નાણાંમત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ.૧.૫ કરોડના ખર્ચે નિર્મિત સરકારી તાલુકા પુસ્તકાલય ધરમપુરનું લોકાર્પણ

વાત્સલ્યમ સમાચાર
     મદન વૈષ્ણવ

*લાયબ્રેરી ભવનમાં ઈ-લાયબ્રેરી શરૂ કરવાની વ્યવસ્થા પણ ચોક્કસ કરવામાં આવશે  – મંત્રીશ્રી કનુભાઈ*

*લાયબ્રેરીમાં ૭૨થી વધુ વાચકો માટે બેઠક વ્યવસ્થા તેમજ સિનિયર સિટીઝનો માટે અલાયદા રૂમની સુવિધા*

VALSAD: તા. ૦૯ એપ્રિલ–નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે જિલ્લા પંચાયત વલસાડ તથા તાલુકા પંચાયત ધરમપુરના સંયુક્ત ઉપક્રમે ૧૫ માં નાણાપંચ અને વિવિધ ગ્રાન્ટમાંથી રૂ. ૧.૫ કરોડના ખર્ચે ૪૦૧.૫ ચો.મી.માં નવનિર્મિત સરકારી તાલુકા પુસ્તકાલય ધરમપુરનું તકતી અનાવરણ કરી વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું. મંત્રીશ્રીએ સમગ્ર લાઇબ્રેરી ભવનની મુલાકાત લઈ સુવિધાઓની સમીક્ષા કરી હતી. સાથે સાથે મંત્રીશ્રીના હસ્તે લાઇબ્રેરી મેમ્બરશીપ કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

લોકાર્પણ પ્રસંગે મંત્રીશ્રીએ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ લાયબ્રેરી ભવનમાં ઈ-લાયબ્રેરી શરૂ કરવાની વ્યવસ્થા પણ ચોક્કસ કરવામાં આવશે. અહીં જુદા જુદા વિષયના અભ્યાસુઓને બોલાવી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે આદિવાસીઓના વિકાસ માટે વનબંધુ યોજનાની શરૂઆત કરી હતી. સ્પીપામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્લાસીસની પણ શરૂઆત કરાવી હતી. આ યોજનાઓને કારણે આજે આદિવાસી વિદ્યાર્થીઓ સારો અભ્યાસ કરી મેડિકલ સહિતના ક્ષેત્રમાં એડમિશન લે છે. જે સીટો પહેલા ખાલી રહેતી હતી તે આજે સંપૂર્ણ ભરાય જાય છે.

મંત્રીશ્રીએ જિલ્લા પંચાયત પ્રમુખશ્રીને ગ્રાન્ટની ફાળવણી બદલ તેમજ જિલ્લા વહીવટી તંત્રને દરેક જાહેર કાર્યમાં સહયોગ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ પારડી અને ઉમરગામ તાલુકાની લાયબ્રેરીનું કાર્ય પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આ લાયબ્રેરી ભવનમાં ૭૨થી વધુ વાચકો વાંચન કરી શકે તેવી બેઠક વ્યવસ્થા, સિનિયર સિટિઝન માટે અલાયદો ખંડ, ગ્રંથ ભંડાર, આપ-લે વિભાગ, સામયિક વિભાગ તેમજ દૈનિક પત્રના વિભાગની સુવિધા ઉપલબ્ધ છે. સૌપ્રથમ ૧૯૮૨માં શરૂ થયેલા આ પુસ્તકાલયમાં હાલ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી, નવલકથા, બાળ સાહિત્ય, સંદર્ભ સાહિત્ય સહિત વિવિધ સાહિત્યના ૧૯૮૮૨ જેટલા પુસ્તકો ઉપલબ્ધ છે. આ લાયબ્રેરી ભવનના નિર્માણથી વિસ્તારના વિદ્યાર્થીઓ સહિત આમ જનતાને વાંચન માટેની સુંદર સુવ્યવસ્થિત સુવિધાઓ પ્રાપ્ત થશે.

નવા લાયબ્રેરી ભવનના લોકાર્પણની શુભેચ્છા પાઠવતા ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એ. કે. કલસરિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી અક્ષયસિંહ રાજપૂત, તાલુકા વિકાસ અધિકારી કૃષ્ણપાલસિંહ મકવાણા,  મામલતદાર ધરમપુર ભરતભાઈ પટેલ, સંગઠન પ્રમુખ હેમંત કંસારા, વીઆઈએ પ્રમુખ સતીષભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!