સિંહ અને નરસિંહની ભુમી ગૌરવ અપાવે છે

*૧૦ ઓગસ્ટ: વિશ્વ સિંહ દિવસ વિશેષ*
************
*સિંહ સદીઓથી ભવ્યતા, શૌર્ય, બહાદુરી અને ગૌરવના પ્રતીક*
**********
*વડાપ્રધાનશ્રીના સિંહ સંરક્ષણ સંકલ્પ થકી ગીર થી લઈને બરડા સુધી સાવજની ગર્જના બની સિંહોના સંરક્ષણનો મજબૂત સંકલ્પ*
*********
*સાવજનું પ્રાચીન સમયથી જ માનવીય મૂલ્યો સાથે અતૂટ જોડાણ: રાજકીયથી લઈ ધાર્મિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે અનેક સામ્યતાઓ*
*********
*સંકલન: મયંક ગોજીયા*
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
સમગ્ર વિશ્વમાં તા.૧૦મી ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ સિંહ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ સિંહોના સંરક્ષણ, તેમના કુદરતી આવાસની જાળવણી અને માનવ-વન્યજીવ સહઅસ્તિત્વ અંગે જનજાગૃતિ કેળવી સિંહોના અસ્તિત્વને સુરક્ષિત કરવાનો છે. માનવીય મૂલ્યો સાથે સિંહ ઘણી બધી રીતે જોડાયેલા છે. જેમ કે, રાજકીય, સાંસ્કૃતિક, ધાર્મિક, નૈતિક, આર્થિક, પર્યાવરણીય બાબતો અને સામાજિક રીતે મનુષ્ય અને સિંહમાં ઘણું સામ્ય છે. વિશ્વના ઘણા બધા ભાગોમાં હજારો વર્ષો પહેલાંથી સિંહ એક મહત્વના પ્રતીક તરીકે સ્થાન પામ્યો છે.
ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યુ છે કે मृगाणां च मृगेन्द्रोऽहं (મૃગાણાં ચ મૃગેન્દ્રોહં) અર્થાત પ્રાણીઓમાં હું મૃગરાજ સિંહ છું. સિંહને દરેક સંસ્કૃતિમાં ખૂબ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. પ્રાચીનથી મધ્યયુગ સુધીમાં ગુફાચિત્રો, ભીંતચિત્રો, સાહિત્ય, પ્રતિમાઓ, વાર્તાઓ, ધાર્મિક સભારંભો, સાંસ્કૃતિક કાર્યક્રમો, ધ્વજ અને બીજી અનેક જગ્યાએ સિંહને સ્થાન મળ્યું છે. એશિયાઇ સિંહોને સ્થાનિકમાં સિંહ, સાવજ, કેશરી, ઉનિયો વાઘ, બબ્બર શેર તરીકે ઓળખવામાં આવે છે. સિંહને અંગ્રેજીમાં Asiatic Lion કહેવામાં આવે છે. સિંહનું વૈજ્ઞાનિક નામ Panthera leo Persica છે. દુનિયામાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જેણે સિંહ કે સાવજ શબ્દ સાંભળ્યો ન હોય! આપણે જ્યારે “સિંહ” શબ્દ સાંભળીએ તો આપણા મગજમાં એક આકૃતિ રચાય છે. “દુનિયાનું એક શક્તિશાળી અને સુંદર પ્રાણી.”
*સિંહોની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ*
ગીરનો સિંહ પુસ્તકમાં લેખક શ્રી ડો.સંદિપકુમાર અને બીજા લેખક શ્રી મોઇન પઠાણે આ પુસ્તકમાં એવું નોંધ્યુ છે કે, ઐતિહાસિક રીતે સિંહ સમગ્ર મધ્ય તહેરિન, આરબ દેશો અને ભારતમાં હતા અને આફ્રિકા સુધી વિસ્તારેલા હતા. એક માન્યતા એવી છે કે ઈ.સ. ૧૧૦૦માં યુરોપમાંથી સિંહ નામશેષ થઈ ગયા. ૧૨મી સદીમાં પેલેસ્ટાઈનમાં અને ૧૯મી સદીની શરૂઆત સુધીમાં સિરિયા અને ઈરાનમાં સિંહ જોવા મળ્યા હોય તેવા પુરાવા છે. સિંહ હવે માત્ર આફ્રિકા અને ભારતમાં બચ્યા છે. આશરે ૧,૦૦,૦૦૦ વર્ષ પહેલાં આફ્રિકન એશિયાઈ સિંહ જુદા પડી ગયા હતા. એ સમયે સિંહ બિહારથી લઈને પંજાબ, રાજસ્થાન અને ગુજરાત સુધી વિહરતા હતા.
સિંહોનો લુપ્ત થવાનો સમય જોઈએ તો બિહારમાંથી ૧૮૪૦, દિલ્હીમાંથી ૧૮૩૪, ભાગલપુરમાંથી ૧૮૪૨, પૂર્વીય વિંધ્ય અને બુંદેલખંડમાંથી ૧૮૬૫, મધ્ય ભારતમાંથી અને રાજસ્થાનમાંથી ૧૮૭૦ અને પશ્ચિમ અરવલ્લીના વિસ્તારોમાંથી ૧૮૮૦માં સિંહ લુપ્ત થઈ ગયા હતા. સૌરાષ્ટ્રની બહાર છેલ્લો સિંહ ૧૮૮૪માં નોંધાયો હતો. શિકારની પ્રવૃતિએ ભારતના બીજા ભાગોમાંથી ૧૮૮૦ સુધીમાં સિંહની વસ્તીને નામશેષ બનાવી દીધી હતી.
સૌરાષ્ટ્રમાં સિંહ ધ્રાંગધ્રા, જસદણ, ચોટીલા, આલેચના ડુંગરા, બરડા ડુંગર, ગીર અને ગીરનારમાં અસ્તિત્વ ધરાવતા હતા. ૧૯મી સદીની શરૂઆતમાં ખેતી અને આધુનિકીકરણના કારણે જંગલો ઘટવાથી ગીર, ગીરનાર અને આલેચ તથા બરડા વચ્ચેના અવરજવરના માર્ગો બંધ થઈ ગયા. આથી છેવટે સિંહની વસ્તી ગીરનાં જંગલો પૂરતી સીમિત રહી ગયા.
*સિંહ: રાજકીય, સામાજિકથી લઈ ધાર્મિક મહત્વ સુધી*
રાષ્ટ્ર હોય કે ધર્મ, સિંહ હંમેશાં ભવ્યતા, બહાદુરી અને સંસ્કારના પ્રતીક સમો રહ્યો છે. ભગવાનને પણ સિંહનાં લક્ષણોથી સંબોધિત કરવામાં આવે છે. તે બળવાન, નિર્ભય, ભયાનક અને વિધ્વંસક છે. આશરે ૩૨,૦૦૦ વર્ષ પહેલાં મધ્યયુરોપમાં પશુ આકૃતિની એક મૂર્તિ મળી. આ મૂર્તિનું અડધું શરીર માણસનું અને અડધું સિંહનું હતું. આવી બીજી કોઈ મૂર્તિ મળી નથી. ધાર્મિક રીતે આને ભગવાનની મૂર્તિ માનવામાં આવી. ઐતિહાસિક અને ધાર્મિક રીતે અર્ધમાનવ અને સિંહની આવી પ્રતિમાઓ રક્ષક અને ભગવાનની શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. વિશ્વમાં આવા ઐતિહાસિક પુરાવા બીજાં ઘણાં સ્થળોએ મળ્યા છે. મોટામાં મોટી પ્રતિમા ઇજીપ્તના સ્ફિનક્ષની છે જે અર્ધમાનવ—સિંહ આકૃતિ વાળાં દેવી છે. સેખમેત એ પુરાતન ઇજિપ્તનાં દેવી છે. તે યુદ્ધનાં દેવી છે.
આ પુસ્તકમાં જણાવ્યા મુજબ ધર્મ ગ્રંથોમાં પણ સિંહનો ઉલ્લેખ જોવા મળે છે. બાઇબલમાં સિંહનો ઉલ્લેખ સત્તા અને શક્તિ તરીકે કરવામાં આવ્યો છે. ઇસુના LION OF JUDAH છે. બાઇબલમાં સિંહ અને સિંહની સરખામણી વિશે ઘણું બધું લખવામાં આવ્યું છે. સિંહ જે પશુઓ વચ્ચે પ્રભાવશાળી છે તે કદી પાછો નથી પડતો. તેના ચાર મુખ છે. એક મુખ દેવદૂતનું છે. બીજું મનુષ્યનું, ત્રીજું સિંહનું અને ચોથું બાજ પક્ષીનું. તેઓ સાથે મળીને સિંહ જેવી ગર્જના કરી શકે અને સિંહના બાળકની માફક ઘુરકિયાં કરી શકે. આ બધી બાબતો ખ્રિસ્તી ધર્મમાં સિંહનું મહત્ત્વ બતાવે છે. ભગવાન ઇસુને પણ સિંહનું પ્રતીક આપવામાં આવ્યું છે. ઇસુ ખ્રિસ્તના સંદર્ભમાં સિંહને સંયમ અને ભવ્યતાના તેજ સમા ગણવામાં આવે છે.
ઇસ્લામ ધર્મમાં પણ સિંહનું ઘણું મહત્ત્વનું સ્થાન છે. મહમંદ પયગંબર(સ.અ.વ.)ના કાકા હમઝા-ઇબ્ન- અબ્દુલ—મુત્તલિબને અલ્લાહના સિંહ અને સ્વર્ગના સિંહ તરીકે ગણવામાં આવ્યા છે. સિંહના માથાવાળા દેવદૂતો અલ્લાહના સિંહાસનને ટેકો કરે છે. ઇસ્લામિક કળામાં પણ સિંહ આકૃતિઓને સ્થાન છે.
બૌદ્ધ ધર્મમાં સિંહને રાજાશાહી અને રક્ષણના પ્રતીક માનવામાં આવ્યાં છે. સાથે સાથે દયા અને ગર્વના પ્રતીક પણ માનવામાં આવે છે. બોધિસત્ત્વમાં સિંહ પ્રતીક રૂપ છે. તેમને ‘બુદ્ધના પુત્રો’ કે ‘બુદ્ધના સિંહ’ તરીકે માનવામાં આવે છે. બૌદ્ધ ધર્મમાં સિંહને ધર્મના રક્ષક તરીકે માનવામાં આવે છે. પૌરાણિક સમયમાં સિંહ ભારતના ઘણા ભાગોમાં જોવા મળતા અને હિંદુ ધર્મમાં પણ સિંહ ઘણું પવિત્ર સ્થાન ધરાવે છે.
હિન્દુ ધર્મમાં સિંહનાં મૂળ ઘણાં ઊંડે સુધી ઊતરેલાં છે. ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર અર્ધમાનવ અને અર્ધસિંહનો હતો. પૌરાણિક કથા અનુસાર આ નૃસિંહ અવતારે પોતાના ભક્ત પ્રહ્લાદને તેના પિતા હિરણ્યકશ્યપ નામના રાક્ષસથી બચાવ્યો હતો. સિંહાસન, સિંહ’ અને ‘આસન’ એ સંસ્કૃત શબ્દ છે. પૌરાણિક સમયમાં રાજાને બેસવાની ખુરશી અથવા આસનને સિંહાસન કહેવામાં આવતું. સોનેરી કેશવાળીવાળો સિંહ સૂર્યના પ્રતીક સમાન છે.
સૂર્ય પ્રકાશ ફેલાવી અંધકારનો નાશ કરે છે. મા દુર્ગા, જે જગતની માતા છે, જેની પાસે જગતનું સર્જન, સંચાલન અને સંહારની શક્તિ છે તેનું વાહન સિંહ છે. મા દુર્ગા સિંહ ઉપર વિરાજમાન છે, જે ભયમાંથી મુક્તિની ખાતરી આપે છે. સિંહ માત્ર ધર્મમાં જ નહીં, ધર્મની સમાનતાનું પણ ઉદાહરણ છે. ધાર્મિક માન્યતાને વૈજ્ઞાનિક પુરાવાની જરૂર નથી હોતી. પ્રાચીન સમયથી અમુક ધાર્મિક માન્યતાઓ હજુ ચાલતી આવે છે. તેમાં કોઈ પરિવર્તન નથી.
*આહાર શ્રૃંખલા પ્રસ્થાપિત થતા અંદાજિત ૧૪૪ વર્ષોના અંતરાલ બાદ સાવજોનું બરડામાં પુનરાગમન*
ઐતિહાસિક રીતે, એશિયાઈ સિંહો રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર અને ઓડિશા રાજ્યો સહિત ભારતના વિશાળ ભાગોમાં વિહરતા હતા. ગુજરાતમાં ધ્રાંગધ્રા, ચોટીલા, બરડા ટેકરીઓ, પાલિતાણાની ટેકરીઓ, ગીર અને ગિરનાર જેવા વિસ્તારોમાં સિંહની હાજરી નોંધપાત્ર હતી. બરડા વન્યજીવ અભયારણ્યમાં છેલ્લે વર્ષ ૧૮૭૯માં સિંહનું જૂથ જોવા મળ્યું હતું.
સિંહોને તેમના ઐતિહાસિક રહેઠાણોમાં પુનઃસ્થાપિત કરવા માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત વન વિભાગે બરડા વન્યજીવ અભયારણ્યમાં આહાર શ્રુંખલાના પાયાને પુનઃ સ્થાપિત કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો. આ કાર્યક્રમ ચિતલ અને સાબરના સંવર્ધન અને પુનઃસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે સિંહો માટે જરૂરી શિકાર પ્રજાતિઓ છે. આ પ્રયાસો દરમિયાન ૧૯ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ બરડા વન્યજીવ અભયારણ્યમાં એક નર એશિયાઈ સિંહની હિલચાલ નોંધવામાં આવી. આમ ૧૪૩ વર્ષ બાદ વનરાજોનું ઐતિહાસિક નિવાસસ્થાનમાં પુનરાગમન થયું જે રાજ્યની વન્યપ્રાણી અને પર્યાવરણ પ્રત્યે સંરક્ષણ પહેલની સફળતાને દર્શાવે છે. આજે અહીં અંદાજિત ૧૭ જેટલા સિંહો વસવાટ કરે છે.
આમ,વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનના પરિણામે કુદરતી વસવાટ, વિજ્ઞાન આધારિત પ્રજાતિ મજબૂતીકરણ (species reinforcement), નિવાસસ્થાન પુનઃસ્થાપન (habitat restoration)અને સમુદાય સહભાગિતાથી બનતું આ મિશ્રણ પ્રજાતિ પુનઃપ્રાપ્તિ(species recovery)નું નમૂનાત્મક મોડેલ રજૂ કરે છે. અહીંથી આવતી ગર્જના માત્ર સિંહની નથી પણ ગુજરાતના ઘરેણા સમાન સિંહ સંરક્ષણ દ્રષ્ટિકોણની સફળતા અને સંવેદનશીલ કામગીરીની સાક્ષી પૂરે છે.
*સંદર્ભ પુસ્તક : ગીરનો સિંહ*
૦૦૦ ૦૦૦ ૦૦૦




