સાગબારા તાલુકાના કોલવાણ ગામે નાની બાળકી પર હુમલો કરનાર માનવભક્ષી દિપડો આખરે પાંજરે પુરાયો.
તાહિર મેમણ – ડેડીયાપાડા – 08/06/2025 – નર્મદા – નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કોલવાણ અને બેડાપાણી ગામની સીમમાં છેલ્લા કેટલાક સમયથી હિંસક દીપડા દ્વારા જીવલેણ હુમલા કરવામાં આવતા હતા જેમાં કોલવાણ ગામની ૯ વર્ષની નાની બાળકીને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી અને બેડાપાણી ગામના એક બહેન પર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો જેથી વન વિભાગની ટીમને જાણ કરતા ૭૦ જેટલા વન વિભાગના કર્મચારીઓની ટીમ એકશનમાં આવી દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા હતા. જેમાં ગઈકાલે સાંજે આ માનવભક્ષી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો.નર્મદા જિલ્લો 43 ટકા વન વિસ્તાર ધરાવે છે. જિલ્લામાં અંદાજિત 40 જેટલા દીપડા વસે છે અને હાલ દીપડાઓની કુલ સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. જંગલ વિસ્તાર ઘટી રહ્યો છે, જેના કારણે દીપડાઓ અવારનવાર રહેણાક વિસ્તાર તેમજ માનવ વસતિમાં આવી રહ્યા છે. ખોરાક અને પાણીની શોધમાં આવતા આ દીપડાઓ પશુઓ ઉપરાંત મનુષ્યો ઉપર પણ હુમલો કરી રહ્યા છે.