GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: વહીવટીતંત્રનો કર્મયોગ: મૃતક નરશીભાઈના પુત્ર તથા અમદાવાદના વહીવટી તંત્ર સાથે સતત સંપર્કમાં રહી અંતિમક્રિયાની વ્યવસ્થા સુધી સહયોગ કર્યો

તા.૨૦/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

તંત્ર દ્વારા અપાઈ સન્માનભેર અંતિમ વિદાય: પાર્થિવ દેહ વતન પહોંચાડાયો અને અધિકારીઓની હાજરીમાં અંત્યેષ્ટિ કરાઈ

Rajkot: તારીખ ૧૨ જૂનના રોજ અમદાવાદથી લંડન જતા એર ઇન્ડિયાના વિમાનની દુર્ઘટના બાદ, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સંવેદનશીલ અભિગમસહ વહીવટીતંત્ર દ્વારા અત્યંત ત્વરાથી સમગ્ર કામગીરી માનવીય અભિગમ સાથે સંપન્ન કરવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા આ પીડાદાયક ઘટનાથી અસર પામેલા દરેક પરિવારને તમામ પ્રકારનો સહયોગ મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ દુર્ઘટનામાં રાજકોટ જિલ્લાના ૩ નાગરિકો અવસાન પામ્યાં છે. જેમાં સ્વ. નરશીભાઈ રાઘવભાઈ સગપરીયાના પત્ની શ્રી શીતલબેન સગપરીયાએ તંત્રના સંવેદનાસભર સહકાર બદલ આભારની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, દુર્ઘટનાના માત્ર થોડા કલાકમાં અમદાવાદ પહોંચેલ તેમના પુત્ર સાથે જિલ્લાની ટીમે તુરંત સંપર્ક કર્યો હતો. વહીવટી તંત્ર તેમના પુત્ર શ્રી નીલભાઈ સાથે સતત સંકલનમાં રહ્યું હતું.

પરિવાર દ્વારા તંત્ર સમક્ષ મૃતદેહની અંતિમક્રિયા તેમના વતન રાજકોટ ખાતે કરવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. આ વિનંતીને માન આપીને, રાજકોટ અને અમદાવાદ વહીવટીતંત્રએ સંકલન કરી પાર્થિવ દેહને લાવવા માટે સંયુક્ત રીતે વ્યવસ્થા ગોઠવી હતી. જેમાં રાજકોટ અને અમદાવાદ તંત્રના ૨-૨ અધિકારીઓએ એમ્બ્યુલન્સની સાથે રહી પોલીસ એસ્કોર્ટિંગ સાથે પાર્થિવ દેહને અમદાવાદથી રાજકોટ જિલ્લામાં લઈ જવાની કાર્યવાહી કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ, અમદાવાદથી રાજકોટ તેમના નિવાસ સ્થાન સુધી અધિકારીઓએ સહકાર આપ્યો હતો.

વહીવટીતંત્ર દ્વારા સ્વ.નરશીભાઇનો નશ્વર દેહ વતન પહોંચ્યા બાદ, સ્થાનિક સ્તરે શબવાહિનીની વ્યવસ્થા કરવામાં આવી હતી. અંતિમક્રિયા સમયે પણ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને પી.આઈ. જેવા ઉચ્ચ અધિકારીઓ અંતિમક્રિયામાં જોડાયા હતા સાથે જ અધિકારીશ્રીએ રૂબરૂ જઈને પણ સાંત્વના પાઠવી હતી.

આમ, આ દુર્ઘટનાના અતિ મુશ્કેલ સમયે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્રની કામગીરીને પરિજનોએ સરાહના કરી હતી.

Back to top button
error: Content is protected !!