રાજ્ય સરકાર હસ્તકની કોલેજોના વિઝિટીંગ પ્રોફેસરના પગારમાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો: હવે ગુજરાતના યુવાનોને મળશે ગુણવત્તાસભર શિક્ષણ
મુંદરાના રતાડીયા ગામની શિક્ષિત દીકરી અને જલારામ સખી મંડળના પ્રમુખ તિતિક્ષાબેન ઠક્કર દ્વારા વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીનો જાહેર આભાર વ્યક્ત કરાયો.

વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
રાજ્ય સરકાર હસ્તકની કોલેજોના વિઝિટીંગ પ્રોફેસરના પગારમાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો: હવે ગુજરાતના યુવાનોને મળશે ગુણવત્તાસભર શિક્ષણ
૦૦૦
મુંદરાના રતાડીયા ગામની શિક્ષિત દીકરી અને જલારામ સખી મંડળના પ્રમુખ તિતિક્ષાબેન ઠક્કર દ્વારા વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીનો જાહેર આભાર વ્યક્ત કરાયો.
૦૦૦
સરકાર સામે અફવાઓ ફેલાવનારાઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો: ગઈકાલ સુધી રૂ. ૭,૫૦૦ થી ૧૦,૫૦૦ મેળવનાર શિક્ષકના ગૌરવની ચિંતા કરીને સરકારે રૂ. ૪૫,૦૦૦ થી ૫૨,૦૦૦ સુધીનો સન્માનજનક માસિક પગાર કરી આપ્યો.
૦૦૦
સરકારી કોલેજોની જેમ જ ગ્રાન્ટેડ કોલેજોમાં પણ આ નીતિનો અમલ કરવાથી સરકારના બજેટની બચત થશે અને ખાલી જગ્યાઓ ભરાતા શિક્ષણની ગુણવત્તા સુધરશે
ગઢશીશા, (માંડવી-કચ્છ), તા.૪:
તાજેતરમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી કોલેજોમાં ફરજ બજાવતા વિઝિટીંગ પ્રોફેસરોના તાસદીઠ મહેનતાણા અને માસિક ટોચ મર્યાદામાં ત્રણ ગણો વધારો કરતો અભૂતપૂર્વ નિર્ણય (ઠરાવ ક્રમાંક: ED/MIS/e-file/3/2025/4351/KH) લેવામાં આવ્યો છે. વાસ્તવિક ધોરણે અત્યાર સુધી જ્યાં વિઝિટીંગ પ્રોફેસરોને તાસદીઠ માત્ર રૂ. ૧૫૦ થી ૨૦૦ અને માસિક રૂ. ૧૦,૫૦૦ થી ૧૫,૦૦૦ જેવું નજીવું મહેનતાણું મળતું હતું ત્યાં હવે તાસદીઠ દરો વધારીને માસિક મર્યાદા સીધી રૂ. ૪૫,૦૦૦/- કરવામાં આવતા સમગ્ર રાજ્યના ઉચ્ચ શિક્ષણ જગતમાં આનંદની લહેર ફરી વળી છે. આ પ્રજાભિમુખ અને શિક્ષક-સન્માનના નિર્ણયને બિરદાવતા કચ્છના મુંદરા તાલુકાના રતાડીયા ગામ સ્થિત ‘જલારામ સખી મંડળ’ ના પ્રમુખ તિતિક્ષાબેન ઠક્કર દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કચ્છના પનોતા પુત્ર અને શિક્ષણ મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાનો જાહેર આભાર માનવામાં આવ્યો છે.
નકારાત્મકતા ફેલાવનારાઓ સામે વાસ્તવિકતાની જીત :
અવારનવાર અમુક તત્વો દ્વારા ગુજરાતનું શિક્ષણ ખાડે ગયું છે કે શાળાઓ-કોલેજો બંધ થઈ રહી છે તેવી નકારાત્મકતા ફેલાવવામાં આવતી હોય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ જ સરકારે શિક્ષકોના ગૌરવ અને ગુણવત્તાયુક્ત શિક્ષણની ચિંતા કરી છે. ૨૦૦૫ના સમયગાળામાં જે અધ્યાપક સહાયકનો ફિક્સ પગાર માત્ર રૂ. ૭,૫૦૦ હતો તેમાં તબક્કાવાર વધારો કરીને વર્ષ ૨૦૨૪માં રૂ. ૫૨,૦૦૦ સુધી પહોંચાડવાનું ઐતિહાસિક કામ આ જ સરકારે કર્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વિકસિત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવા માટે શિક્ષકો સન્માનપૂર્વક જીવી શકે તે માટે સરકારે સતત સંવેદનશીલતા દાખવી છે.
લડતનું મીઠું પરિણામ અને દીકરીનો હૃદયસ્પર્શી અનુભવ:
જલારામ સખી મંડળના પ્રમુખ તિતિક્ષાબેન ઠક્કરે પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે “અગાઉ સેલ્ફ-ફાઇનાન્સ કોલેજોમાં મજૂર કરતા પણ ઓછા (માસિક રૂ. ૧૦,૫૦૦) પગારમાં કામ કરવું પડતું હોવાથી મારે ભગ્ન હૃદયે રાજીનામું આપવું પડ્યું હતું. પરંતુ ઈશ્વર પરના ભરોસા અને પ્રધાનમંત્રીશ્રી તથા શિક્ષણમંત્રીશ્રી સુધી રજૂઆત પહોંચાડતા સરકારે વિઝિટીંગ ફેકલ્ટીની માસિક મર્યાદા ૧૫,૦૦૦ થી વધારી સીધી ત્રણ ગણી રૂ. ૪૫,૦૦૦ કરી દીધી છે. કાગળ પર ભલે ગમે તે નિયમ હોય પણ વ્યવહારમાં કચ્છમાં વિઝીટર્સને તાસદીઠ માત્ર રૂ. ૧૫૦ મળતા હતા તેના બદલે હવે કલાકના રૂ. ૪૫૦ ગણીએ તો પણ આ વધારો સીધો ત્રણ ગણો ગણાય. જે દર્શાવે છે કે સરકાર રજૂઆતોને માત્ર સાંભળતી જ નથી પણ તેનો ત્વરિત અને કાયમી ઉકેલ પણ લાવે છે.”
ગ્રાન્ટેડ કોલેજો માટે સચોટ અને તાર્કિક સૂચન:
આ પરિપત્રના અભ્યાસ બાદ તિતિક્ષાબેને સરકારશ્રી સમક્ષ એક અત્યંત વ્યવહારુ અને લાભદાયી સૂચન મૂક્યું છે. હાલમાં આ પરિપત્ર માત્ર સરકારી કોલેજોને જ લાગુ પડે છે. પરંતુ જો સરકાર દ્વારા પગાર ચૂકવાય છે તેવી ગ્રાન્ટેડ (અનુદાનિત) કોલેજોમાં પણ આ વિઝિટીંગ ફેકલ્ટીના નીતિ-નિયમો લાગુ કરવામાં આવે તો:
૧. સરકારના બજેટની બચત થશે: ગ્રાન્ટેડ કોલેજમાં કાયમી/ફિક્સ પ્રોફેસરનો માસિક પગાર રૂ. ૫૨,૦૦૦ થાય છે જ્યારે વિઝિટીંગ ફેકલ્ટીની મહત્તમ મર્યાદા રૂ. ૪૫,૦૦૦ છે.
૨. ખાલી જગ્યાઓ તુરંત ભરાશે: સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં હાલ ખાલી પડેલી જગ્યાઓ પર ઉચ્ચ લાયકાત (નેટ, જીસેટ , પી.એચ. ડી.) ધરાવતા અધ્યાપકો તુરંત ભણાવવા માટે ઉત્સાહપૂર્વક આગળ આવશે.
૩. વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળશે: કાયમી ભરતી ન થાય ત્યાં સુધી અનુભવી અને નિષ્ણાત વિઝિટીંગ પ્રોફેસરો મળવાથી કોલેજના યુવાનોના અભ્યાસનું સ્તર ઊંચું આવશે.
આગામી પવિત્ર રક્ષાબંધન પર્વ પૂર્વે રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોને આપેલી આ સન્માનજનક ભેટ (પસલી) બદલ સમગ્ર કચ્છ અને શિક્ષણ જગત સરકારશ્રીનો આભાર માને છે અને આશા રાખે છે કે આ નીતિનો વ્યાપ ગ્રાન્ટેડ કોલેજો સુધી લંબાવીને યુવાધનના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવામાં આવશે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




