ઉત્સવ બાળકના સર્વાંગી વિકાસનો, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બનાસકાંઠા
11 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
તા.૨૬ થી તા.૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાશે
હકારાત્મક અભિગમ સાથે બાળકો જોડે જઈએ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીએ:- કલેક્ટરશ્રી મિહિર પટેલ આગામી તા.૨૬ થી તા.૨૮ જૂન, ૨૦૨૫ (ગુરુવાર થી શનિવાર) દરમિયાન રાજ્યની તમામ સરકારી પ્રાથમિક, માધ્યમિક, અનુદાનિત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, જ્ઞાનશક્તિ અને રક્ષાશક્તિ રેસિડેન્સિયલ શાળા સહિતની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ-૨૦૨૫ યોજાશે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ-૨૦૨૫ના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ રાજ્ય કક્ષાની બ્રિફિંગ બેઠકમાં બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ સહિત જિલ્લાના અધિકારીઓ જોડાયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ગુજરાત માટે શિક્ષણનું મહત્વ અને શિક્ષણ ક્ષેત્રે લાવવાના સકારાત્મક પરિવર્તન સહિતની બાબતોને આવરી લઇ પ્રેરક ઉદ્દબોધન કર્યુ હતુ. શિક્ષણ મંત્રીશ્રી અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓએ શિક્ષણ વિભાગની વિવિધ યોજનાકીય સહાય અને શિક્ષણ વિભાગની નેમ અને લક્ષ્યાંક અને ભાવિ આયોજનનો ચિત્તાર રજૂ કર્યો હતો.
રાજ્ય કક્ષાની બ્રિફિંગ બાદ જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલએ જિલ્લાના અધિકારીશ્રીઓને જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં હકારાત્મક અભિગમ સાથે બાળકો જોડે જઈએ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીએ. જિલ્લામાં ત્રણ દિવસ દરમિયાન શાળામાં જઈને વિદ્યાર્થીઓ તથા વાલીઓના પ્રતિભાવોને નોંધીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતું.
પાલનપુર કલેકટર કચેરી ખાતે આયોજિત બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, અધિક જિલ્લા કલેકટરશ્રી સી.પી.પટેલ, શિક્ષણ વિભાગના અધિકારીઓ સહિત જિલ્લાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.