વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ,તા-૨૭ જૂન : “ઉત્સવ…બાળકોના સર્વાંગી વિકાસની” થીમ સાથે ૨૮ જૂન સુધી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ -૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ભચાઉ તાલુકામાં પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓની હાજરીમાં આંગણવાણી, બાલવાટીકા અને ધોરણ ૧માં પ્રવેશપાત્ર વિધાર્થીઓને તીલક કરીને ઉત્સાહભેર શાળા પ્રવેશ કરાવાયો હતો. વોંધ કન્યા પ્રાથમિક શાળા અને વોંધ કુમાર પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયા હતાં. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ ઝાલાએ વાલીઓમાં શિક્ષણ અને કન્યા કેળવણી પ્રત્યે જાગૃતતા લાવવાની વાત પર ભાર મુક્યો હતો. જેમાં દીપ પ્રાગટ્ય, પ્રાર્થના કરીને બાળકોના ઉજજ્વળ ભવિષ્યની કામના કરી હતી.સરકારી માધ્યમિક શાળા કબરાઉ, કૃષ્ણનગર પ્રાથમિક શાળા અને કબરાઉ પ્રાથમિક શાળા તથા મોરગર પ્રાથમિક શાળામાં ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીની વિશેષ ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉત્સાહભેર બાળકોને આવકાર આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી માલતીબેને પ્રાસંગીક ઉદ્બોધન તેમજ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંદેશો પાઠવ્યો હતો.કાર્યક્રમમાં અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ દ્વારા શિક્ષણ વિભાગની નમો સરસ્વતી, મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ જેવી મહત્વની યોજનાઓથી ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યાં હતાં. આજના બાળકોએ આવતીકાલનું ભવિષ્ય છે ત્યારે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે જોવાની જવાબદારી દરેક નાગરિકની છે. જે અંતર્ગત શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે દરેક માતા-પિતા પોતાના બાળકને શાળામાં પ્રવેશ અપાવે તે જરૂરી તેમ પણ જણાવ્યું હતું. આ પ્રસંગે વૃક્ષારોપણ કરીને શાળામાં બાળકોને આવકાર આપવામાં આવ્યો હતો તેમજ મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ અને પુસ્તકની ભેટ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. ઉપરાંત શાળા ખાતે હાજર એસએમસીના સભ્યો, આંગણવાડી કાર્યકરો તેમજ ગ્રામ અગ્રણીઓ સાથે એક બેઠક યોજીને અગ્રણીઓએ વિવિધ મુદ્દે માહિતી મેળવેલ હતી.