GUJARAT

ગાંધીનગરમાં રાજ્યનું પહેલું ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’ હવે કાર્યરત : 5 જૂને આરોગ્યમંત્રીએ કરશે લોકાર્પણ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ

રાજ્યના આરોગ્ય વિભાગે આરોગ્યલક્ષી સેવાઓ અને યોજનાઓના મોનિટરિંગ માટે એક મહત્વકાંક્ષી પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે નવનિર્મિત ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું લોકાર્પણ આવતી 5મી જૂને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવશે. આ કેન્દ્રના માધ્યમથી આરોગ્યસેવા સંબંધિત તમામ કાર્યક્રમો અને યોજનાઓની સર્વગ્રાહી સમીક્ષા અને મૂલ્યાંકન એકજ સ્થળે શક્ય બનશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અને આરોગ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર આરોગ્યસેવામાં સતત સુધારાની દિશામાં કાર્યરત છે. આ કેન્દ્ર દ્વારા નાગરિકોને ઉપલબ્ધ આરોગ્ય સેવાઓનું મોનિટરિંગ, નિવેદન અને ફીડબેક મેળવવાની પ્રક્રિયાને વધુ ઝડપી અને અસરકારક બનાવવામાં આવશે.

આરોગ્ય સમીક્ષા કેન્દ્રમાં હેલ્પલાઇન નંબર 104 કાર્યરત કરવામાં આવ્યો છે, જેનાથી નાગરિકોને ઘરે બેઠાં આરોગ્યલક્ષી સલાહ, પરામર્શ અને યોજનાઓ વિશે માહિતી મળશે. ઉપરાંત, PMJAY હેલ્પલાઇન પણ આ કેન્દ્રમાંથી કાર્યરત રહેશે.

કોલ સેન્ટર આધારીત વ્યવસ્થા થકી અંતરિયાળ વિસ્તારોમાં રહેલા લાભાર્થીઓને સીધો સંપર્ક કરી આરોગ્ય સેવાઓથી જોડવાનું આયોજન છે. જિલ્લા અને તાલુકા કક્ષાએના અધિકારીઓ અને કર્મચારીઓને ત્વરિત સંવાદ માટે ‘ક્લિક ટુ કોલ’ જેવી ડિજિટલ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ કેન્દ્રમાં 100 થી વધુ તાલીમબદ્ધ કોલ-ટેકર્સ દ્વારા વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ આંતરિક ડેટાબેઝ, ડેશબોર્ડ મોનિટરિંગ, ઓડિયો-વિઝ્યુઅલ કોન્ફરન્સ રૂમ, અને CAD એપ્લિકેશન દ્વારા કોલ રેકોર્ડિંગ જેવી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

આરોગ્ય સમીક્ષા કેન્દ્રમાંથી આવરી લેવાતા મુખ્ય ક્ષેત્રોમાં માતા આરોગ્ય, બાળ આરોગ્ય, ટીબી સારવારના પગલાં, રસીકરણ, PMJAY-મા યોજના, સિકલસેલ એનિમિયા, અને શાળા આરોગ્ય કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

104 હેલ્થ હેલ્પલાઇનથી નોન-ઇમરજન્સી સેવાઓ જેવી કે રોગોની માહિતી, તબીબી સલાહ, આયુષ સૂચનો અને ટેલિમેડિકલ કન્સલ્ટેશન જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

આ નવી શરુઆતથી રાજ્યની આરોગ્યસેવામાં વધુ પારદર્શિતા, જવાબદારી અને ઝડપ આવશે. સરકારના જણાવ્યા અનુસાર આ કેન્દ્ર રાજ્યના આરોગ્ય ક્ષેત્રના વિકાસ માટે માઇલસ્ટોન સાબિત થશે.

Back to top button
error: Content is protected !!