GUJARATHALOLPANCHMAHAL

ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ ખાતે “10 કરોડ નશામુક્ત પ્રતિજ્ઞા મહાઅભિયાન-2026” અંતર્ગત શપથવિધિ યોજાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૨.૮.૨૦૨૬

ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ ખાતે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે આયોજિત “10 કરોડ નશામુક્ત પ્રતિજ્ઞા મહાઅભિયાન-2026” અંતર્ગત નશામુક્તિ અંગે જાગૃતિ અને શપથવિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.દેશના યુવાનોમાં નશાના દુષ્પ્રભાવ અંગે જાગૃતિ ફેલાવવા તેમજ નશામુક્ત, સ્વસ્થ અને મૂલ્યઆધારિત સમાજના નિર્માણના હેતુથી તા. 6 ઓગસ્ટથી 20 ઓગસ્ટ, 2026 દરમિયાન સમગ્ર દેશમાં આ મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત યુનિવર્સિટી ખાતે પણ નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવવા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ કાર્યક્રમનું આયોજન કુલપતિ ડૉ. સી. કે. ટીંબાડિયાના માર્ગદર્શન હેઠળ, કુલસચિવ તથા કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, હાલોલના આચાર્ય ડૉ. પ્રભુ નાયકા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં યુનિવર્સિટીના અધિકારીઓ, અધ્યાપકો, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.કાર્યક્રમમાં કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલીના આચાર્ય ડૉ.એસ.પી. દેશમુખ તથા નિયામક, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓ, ડૉ. રઘુનંદન બી. એલ. પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલીના અધિકારીઓ, અધ્યાપકો, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ ઓનલાઈન માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા હતા. હાલોલ કેમ્પસમાંથી આશરે 100 પ્રતિભાગીઓ તથા અમરેલી કેમ્પસમાંથી આશરે 50 પ્રતિભાગીઓ, આમ કુલ આશરે 150 પ્રતિભાગીઓએ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.કાર્યક્રમ દરમિયાન આદરણીય બ્રહ્માકુમારી દીદી દ્વારા નશામુક્તિ અંગે માર્ગદર્શન અને જાગૃતિ વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. તેમણે નશીલા પદાર્થોના સેવનથી વ્યક્તિના સ્વાસ્થ્ય, પરિવાર તથા સમાજ પર થતી નકારાત્મક અસરો અંગે માર્ગદર્શન આપી યુવાનોને નશાથી દૂર રહી સ્વસ્થ અને સકારાત્મક જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કર્યા હતા.આ પ્રસંગે નશીલા પદાર્થોના સેવનથી થતા શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક નુકસાન અંગે પણ જાગૃતિ આપવામાં આવી હતી. યુવાનોને નશાથી દૂર રહેવા તેમજ પોતાના પરિવાર, મિત્રો અને સમાજમાં પણ નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમના આયોજન અને સંચાલનમાં ડૉ. ક્રીમપલ ખૂંટ, નિયામક, ઇન્ફોર્મેશન ટેકનોલોજી તથા ડૉ. રાજેશ કે. પંચાલ, મદદનીશ પ્રાધ્યાપક દ્વારા મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન યુનિવર્સિટીના અધિકારીઓ, અધ્યાપકો, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓએ “નશામુક્ત ભારત”ના નિર્માણ માટે પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી.પ્રતિજ્ઞા દરમિયાન ઉપસ્થિત સૌએ પોતે કોઈપણ પ્રકારના નશીલા પદાર્થોનું સેવન નહીં કરવાની તેમજ પોતાના પરિવારજનો, મિત્રો અને સમાજના લોકોને પણ નશાથી દૂર રહેવા માટે પ્રેરિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી દ્વારા શિક્ષણ અને સંશોધન સાથે સ્વસ્થ જીવનશૈલી, સામાજિક જવાબદારી, યુવા સશક્તિકરણ અને નશામુક્ત સમાજના નિર્માણ જેવા સામાજિક હેતુઓને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. “10 કરોડ નશામુક્ત પ્રતિજ્ઞા મહાઅભિયાન-2026”માં યુનિવર્સિટી પરિવાર તથા કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલીની સક્રિય સહભાગિતાથી નશામુક્ત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!