થરાદ DYSPના 7 દિવસના અલ્ટીમેટમ સામે ઠાકોર સેનાનો પડકાર: “હવે જનતા કરશે રેડ!”

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ: અભેપુરા ગામમાં દારૂના વધતા દુષણ સામે મહિલાઓ અને યુવાનોના આક્રોશ બાદ થરાદ ડીવાયએસપી એસ.એમ. વારોતરિયાએ 7 દિવસમાં કાર્યવાહીનું અલ્ટીમેટમ આપ્યું હતું. પરંતુ હવે આ મુદ્દે ઠાકોર સેનાએ કડક નિવેદન આપતાં સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે.
ઠાકોર સેનાના આગેવાનોનું કહેવું છે કે અભેપુરા સહિતના વિસ્તારોમાં દારૂના કારણે અનેક પરિવારો બરબાદ થયા છે. કેટલાક યુવાનોના અકાળે મૃત્યુ થયા છે, જ્યારે અનેક બહેનોના માથેથી પતિનો સાથ છીનવાઈ જતા તેઓ વિધવા બનવા મજબૂર બન્યા છે.
તાજેતરમાં અભેપુરા ગામની મહિલાઓ અને મોટી સંખ્યામાં યુવાનો વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં યુવાનોએ ભાવુક અવાજે હાથ જોડીને રજૂઆત કરી હતી કે, “અમારા નાના દીકરાઓ દારૂ પીવાના કારણે મૃત્યુ પામ્યા છે, અમારા ઘરો બરબાદ થઈ રહ્યા છે. હવે અમને ન્યાય જોઈએ.”
ઠાકોર સેનાએ પોલીસ તંત્રને સીધી ચેતવણી આપતા જણાવ્યું છે કે જો ડીવાયએસપી દ્વારા આપવામાં આવેલા 7 દિવસના અલ્ટીમેટમ બાદ પણ દારૂના અડ્ડાઓ અને ભઠ્ઠીઓ બંધ નહીં થાય તો જનતા પોતે મેદાનમાં ઉતરશે. “સાત દિવસ પછી જનતા રેડ કરશે અને દારૂના ધંધાનો પર્દાફાશ કરશે,” તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે ગામની મહિલાઓ અને યુવાનોને પોતાનો હક માંગવા હાથ જોડીને પોલીસ કચેરીએ જવું પડે છે, ત્યારે ગેરકાયદે દારૂના ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી કેમ નથી થતી? શું પોલીસનું અલ્ટીમેટમ માત્ર કાગળ પર જ રહેશે કે પછી ખરેખર દારૂના દુષણ સામે લાલ આંખ કરવામાં આવશે?
હવે સમગ્ર પંથકની નજર પોલીસ તંત્રની આગામી કાર્યવાહી પર મંડાઈ છે. સાત દિવસ બાદ ખરેખર દારૂના અડ્ડા બંધ થશે કે પછી જનતા જ મેદાનમાં ઉતરશે? તે જોવું રહ્યું.



