યુરિયાના નામે રેતી પધરાવી? મુળીના સરામાં એગ્રોની મોટી દાદાગીરી, ખેડૂતનો વીડિયો વાયરલ!

તા.14/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં ખેડૂતોની લાચારી અને મજબૂરીનો ફાયદો ઉઠાવતી એગ્રો સંચાલકોની કાળી કરતૂત સામે આવી છે. સરા ગામના એક એગ્રોમાંથી ખરીદેલા ખાતરમાંથી દરિયાઈ રેતીની ભારે ભેળસેળ નીકળતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. હાલ ખેતીની સીઝનમાં ખેડૂતોને યુરિયા ખાતરની સખત જરૂર હોય છે. આ મજબૂરીનો લાભ લઈને એગ્રો સંચાલકો યુરિયાની થેલી સાથે અન્ય ખાતરની થેલીઓ પધરાવી રહ્યા છે. ના છૂટકે ખેડૂતોએ આ મોંઘા અને બિનજરૂરી ખાતરો ખરીદવા પડી રહ્યા છે. મુળી તાલુકાના દાધોળીયા ગામના એક જાગૃત ખેડૂતે સરાના એગ્રોમાંથી ખરીદેલું ખાતર જ્યારે પોતાના ખેતરમાં વાપરવા માટે ખોલ્યું, ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા હતા. ખાતરની બોરીમાંથી ખાતર ઓછું અને દરિયાની રેતી વધારે નીકળી હતી! ખેડૂતે તુરંત જ આ ભેળસેળિયા ખાતરનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ વીડિયો વાયરલ થતા જ સમગ્ર પંથકના ખેડૂતોમાં જાગૃતિની સાથે સાથે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મોંઘાદાટ ખાતરના ભાવ ચૂકવ્યા પછી પણ ખેડૂતોને માટી અને રેતી કેમ મળે છે?યુરિયા સાથે અન્ય ખાતર પધરાવવાની દાદાગીરી સામે ખેતીવાડી વિભાગ કેમ મૌન છે? ખેડૂતોના પાક અને જમીન બગાડતા આવા ભેળસેળિયા એગ્રો સંચાલકોના લાયસન્સ રદ થશે કે નહીં? ખેડૂત રાત-દિવસ એક કરીને દેશનું પેટ ભરે છે, અને કાળા બજારિયાઓ તેમના જ ખિસ્સા કાપીને જમીન વંઠાવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ખેતીવાડી વિભાગ આ વાયરલ વીડિયોના આધારે સરાના એગ્રો પર કડક સપાટો બોલાવે છે કે પછી કાગળ પર જ તપાસ પૂર્ણ કરી દે છે!




