MORBI:મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજુઆત લાવી રંગ: મચ્છુ-૨ કેનાલ બોક્સમાં ફેરવાશે




MORBI:મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજુઆત લાવી રંગ: મચ્છુ-૨ કેનાલ બોક્સમાં ફેરવાશે

મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની સતત રજૂઆતો અને પ્રયાસો બાદ રાજ્ય સરકારે મચ્છુ-૨ સિંચાઈ યોજનાની મુખ્ય કેનાલ, જે લીલાપર ચોકડીથી કંડલા બાયપાસ સુધી જાય છે, તેને બોક્સ કન્ડયુટમાં ફેરવવા માટે ૫૫.૮૦ કરોડની ગ્રાન્ટ ફાળવી છે. આ નહેર શહેરની વચ્ચે હોવાને કારણે ગંદકી અને અકસ્માતોની સ્થિતિ સર્જાતી હોય જેના નિવારણ માટે આ પગલાં લેવામાં આવ્યા છે.
મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સતત મોરબી જીલ્લાના વિકાસ અને સ્થાનિક લોકોને લાભ મળે તે માટે વિધાનસભા અને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો કરતા રહે છે. વર્ષ ૨૦૨૩થી તેઓ રાજ્ય સરકાર અને શહેરી વિકાસ વિભાગ સમક્ષ મચ્છુ-૨ સિંચાઈ યોજનાની મુખ્ય નહેર, જે લીલાપર ચોકડીથી રવાપર ચોકડી થઈને કંડલા બાયપાસ સુધી જાય છે, તેને ખુલ્લી નહેરની જગ્યાએ બોક્સ કન્ડયુટમાં ફેરવવા અંગે રજૂઆતો કરી રહ્યા હતા. આ કેનાલ શહેરના મધ્ય ભાગમાં હોવાથી ચોમાસામાં તેમાં કચરો ભરાઈ જતા પરિસ્થિતિ વણસતી હતી, તેમજ ખુલ્લી નહેર હોવાને કારણે અકસ્માતો થવા લાગ્યા હતા. આ સમસ્યાને લઈ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ પણ રજૂઆત કરી હતી.રાજ્ય સરકારે હવે મોરબી મહાનગરપાલિકાના વિકાસ માટે ૮૦ કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે, જેમાંથી ૫૫.૮૦ કરોડ ખાસ મચ્છુ-૨ સિંચાઈ નહેરને બોક્સમાં ફેરવવા માટે ફાળવવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મોરબી શહેરના ટ્રાફિક અને સ્વચ્છતાની સમસ્યામાં મોટા ફેરફાર આવશે.



