ગુજરાત મેડિકલ ટુરિઝમમાં નેતૃત્વ ધરાવતું રાજ્ય બનવા તરફ, ‘ગ્લોબલ હેલ્થ – ટ્રાન્સફોર્મિંગ લાઈવ્સ બિયોન્ડ હોરાઈઝન્સ’ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રીએ વ્યક્ત કરી પ્રતિબદ્ધતા
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ સિવિલ મેડિસીટીની યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે ‘ગ્લોબલ હેલ્થ – ટ્રાન્સફોર્મિંગ લાઈવ્સ બિયોન્ડ હોરાઈઝન્સ’ કાર્યક્રમ યોજાયો, જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે “હોલિસ્ટિક અને અફોર્ડેબલ હેલ્થકેર ફોર ઓલ” માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા જાહેર કરી.
આ કાર્યક્રમમાં 16 દેશોના અને દેશના 14 રાજ્યોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આરોગ્ય મંત્રીએ ગુજરાતના મેડિકલ ટુરિઝમ ઉદ્યોગની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે રાજ્ય મેડિકલ ટુરિઝમ માટે એક આકર્ષક કેન્દ્ર તરીકે ઊભર્યું છે, જ્યાં દર વર્ષે 30 ટકાનો વિકાસ થાય છે.
મંત્રીએ ગુજરાતના મેડિકલ હેલ્થકેરને વૈશ્વિક ધોરણનું બનાવતા NABH અને JCI માન્યતાઓ મેળવવા માટેના પ્રયાસોની પણ વાત કરી. 2022માં ભારતના મેડિકલ ટુરિઝમ ઉદ્યોગનો વ્યાપ $9 બિલિયન હતો, જેમાં 20 લાખથી વધુ વિદેશી દર્દીઓ ભારતમાં તબીબી સારવાર માટે આવ્યા હતા. તેમાં ગુજરાતનું યોગદાન 25થી 31 ટકાનું રહ્યું છે.
યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ચિરાગ દોશીએ ગુજરાતમાં રોબોટિક્સ ટેકનોલોજીના ઉપયોગ અને કાર્ડિયાક સર્જરીમાં થયેલા વિકાસની રજૂઆત કરી. તેમના મતે, યુ.એન. મહેતા હોસ્પિટલ આજે દેશની ટોચની કાર્ડિયાક હોસ્પિટલોમાં સ્થાન ધરાવે છે.
ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિસના વાઇસ ચાન્સેલર પ્રાંજલ મોદીએ GUTSની કામગીરી અને ભવિષ્યના આયોજન અંગે માહિતી આપી. તેઓએ જણાવ્યું કે 2024માં 443 કિડની ટ્રાન્સપ્લાન્ટ સાથે કિડની ઇન્સ્ટિટ્યૂટે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.
આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ અને આરોગ્ય ક્ષેત્રના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રોગ્રામે મેડિકલ ટુરિઝમ અને આરોગ્ય સેવાઓના નવા યુગની શરૂઆત તરફ દિશા બતાવી.