કાલોલ:ડેરોલ સ્ટેશનના નવીનગરીમાં દુર્ઘટના, રહેણાંક મકાનમાં લાગેલી વિકરાળ આગમાં સામાન બળીને ખાખ.

તારીખ ૩૦/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન વિસ્તારમાં આવેલી નવીનગરી ખાતે શનિવારે સવારે એક કાચા મકાનમાં અચાનક ભીષણ આગ ભબકી ઊઠતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સંભવિતપણે શોર્ટસર્કિટના કારણે લાગેલી આ આગમાં શ્રમિક પરિવારનું આખું મકાન અને ઘરવખરી બળીને ખાખ થઈ ગયાં છે. જોકે, પરિવારજનો સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી.નવીનગરીમાં રહેતા નટુભાઈ સનાભાઈ બારિયાના કાચા મકાનમાં શનિવારે સવારે આશરે સાડા નવેક વાગ્યાના અરસામાં અચાનક આગ લાગી હતી. મકાનમાં રહેલાં લાકડાં અને અન્ય જ્વલનશીલ ચીજવસ્તુઓને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ કાલોલ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગ બુઝાવવામાં આવે તે પહેલાં મકાનમાં રાખેલા અગત્યના દસ્તાવેજી કાગળો, ફ્રિજ, ટીવી, તિજોરી, સેટી-પલંગ તેમજ ઘરવપરાશની તમામ કિંમતી ચીજવસ્તુઓ બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી.આ આકસ્મિક આપત્તિના કારણે ગરીબ શ્રમિક પરિવાર નિરાધાર બની જતાં ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ સ્થાનિક ગ્રામ પંચાયતના તલાટીએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક પંચક્યાસ હાથ ધર્યો હતો. અસરગ્રસ્ત પરિવારને શાસન-પ્રશાસન તરફથી યોગ્ય આર્થિક સહાય મળી રહે તે માટે તાલુકા કચેરીને અહેવાલ સુપરત કરવામાં આવ્યો છે.







