
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લીમાં 15 વર્ષીય સગીરા સાથે છેડતી અને દુષ્કર્મના પ્રયાસનો આરોપ, બે સામે ટીંટોઈ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો
મોડાસા તાલુકાના ગામની ઘટના, સગીરા શાળાએથી ઘરે પરત ફરતી હતી ત્યારે બનાવ બન્યાનો આક્ષેપ
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના એક ગામમાં 15 વર્ષની સગીરા સાથે છેડતી કરી તેના કપડાં કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ટિંટોઈ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે બે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા, પોક્સો એક્ટ તથા એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
સગીરા રેલ્લાવાડા શાળામાં અભ્યાસ કરી પરત ઘરે આવી રહી હતી ત્યારે આરોપી મેહુલ જયંતીભાઈ ડામોરે તેને પકડી તેનું મોઢું દબાવી મગફળીના વાવેતરવાળા ખેતરમાં લઈ ગયો હોવાનો આક્ષેપ છે. ત્યાં સગીરાને નીચે પાડી તેના છાતીના ભાગે હાથ ફેરવી હોઠ પર ચુંબન કર્યું તેમજ કપડાં કાઢવાનો પ્રયાસ કર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.આ ઉપરાંત, આ અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે બીજા આરોપી કિરણ શંકરભાઈ ડામોરે સગીરાના પરિવારના બે સગીર સંબંધીઓને પકડી રાખી આરોપી મેહુલને મદદ કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદ મુજબ, સગીરા રોડ તરફ આવતી દેખાતા બંને બાળકોને છોડી આરોપીઓ મોટરસાયકલ પર ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ ફરિયાદી પરિવારજનો સાથે આરોપીઓના ઘરે પૂછપરછ કરવા પહોંચ્યા હતા, પરંતુ આરોપીઓ હાજર ન મળતાં પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 75, 76, 351(3), 54, પોક્સો એક્ટની કલમ 12, 17 તેમજ એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(w)(i), 3(2)(5-અ) હેઠળ ગુનો નોંધ્યો છે.ફરિયાદમાં સગીરા અનુસૂચિત જનજાતિની હોવાની જાણકારી આરોપીઓને હોવા છતાં ગુનો કર્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.





